પોરબંદરના પૂરગ્રસ્ત જોખમી રસ્તા લોકોની સલામતી માટે બંધ કરાવતું તંત્ર

કલેકટર શ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સોરઠી ડેમના નીચાણ વાળા અડવાણા, સોઢાણા, ભેટકડી, શિંગડા, ફટાણા અને મિયાણી ગામની મુલાકાત લેતા અધિકારીઓ

દક્ષિણ સૌરાષ્ટ્રની મોટી નદીઓ પોરબંદર નજીક દરિયામા જતી હોવાથી ભારે વરસાદમાં પોરબંદર આસપાસ મોટા પ્રમાણમાં પાણી ભરાતા હોય છે. પૂરની સ્થિતિમાં જાનહાનિ ન થાય તે માટે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર છેલ્લા બે દિવસથી ગામડાઓમાં જઈને લોકોને સાવચેત અને જોખમી રસ્તા બંધ કરાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કામગીરી કરી રહ્યું છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝયુઆલીટીના લક્ષ્ય સાથે પોરબંદર જિલ્લાની ટીમ કામ કરી રહી છે.
ગઈકાલે ભાદરકાંઠાના ગામોના લોકોને એલર્ટ અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કર્યા બાદ આજે સોરઠી ડેમ ૮૦ ટકા ભરાતા તેના નીચાણવાળા ગામો જેવા કે અડવાણા, સોઢાણા, ભેટકડી શિંગડા, ફટાણા અને સિસલી તેમજ મિયાણા ગામના લોકોને નદીપટમાં ન જવા માટે સ્થાનિક તંત્રના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી અને આગેવાનો સાથે ચર્ચા કરી સમજુત કર્યા હતા.

લોકોની સલામતી માટે જ્યાં પાણી ભરાયા છે તેવા રસ્તાઓ ગ્રામ જનોની મદદથી બંધ કરવામાં આવ્યા છે. ભડ ચિકાસા ગ્રામ્ય રસ્તો તેમજ પાતા શર્મા આસપાસ ગામના રસ્તામાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે.

મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગ પંચાયત સહિતના અધિકારીઓએ તેમજ પોલીસ અને અન્ય કચેરી સહિતનું તંત્ર આ કામગીરીમાં જોડાયું છે.