ભાણવડ: કાટકોલામાં વરલીનો જુગાર રમાડતા આધેડ શખ્સને ઝડપી પાડતી LCB

  • વર્ષોથી ચાલતા ધંધાથી સ્થાનિક પોલીસ અજાણ…?
  • કોલ ડિટેલમાં અન્ય જિલ્લાના બુકી સહિત પાંચ શખ્સોની સંડોવણી રૂ.૧૭,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત.

ભાણવડ: તાજેતરમાં એલ.સી.બી. ના હાથે ભાણવડ તાલુકામાં ચાલતા વરલીના જુગારના પર્દાફાસના કેટલાક દિવસમાં જ ફરી એકવાર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વરલીના જુગારના રેકેટનો એલ.સી.બી.એ વધુ એક પર્દાફાસ કરતા વરલીના જુગાર બાબત સ્થાનિક પોલીસ પર આંગળી ઉઠી રહી છે.

થોડા દિવસ પહેલા ભાણવડમાંથી વરલીના જુગારનું મોટુ રેકેટ જિલ્લા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલ જેમાં અનેક નામચીન શખ્સોના નામ ખુલ્યા હતા ત્યારે જાણે વરલીના જુગાર મામલે એલ.સી.બી.નો ડોળો ભાણવડ તાલુકા પર સ્થિર થઈ ગયો હોય એમ ફરીવાર તાલુકાના કાટકોલા ગામમાંથી વરલીના આંકડા પર જુગાર રમતા અને રમાડતા હોવાની બાતમી હકીકત સ્ટાફના એએસઆઈ કેશુરભાઈ ભાટીયા, એએસઆઈ જે.બી.જાડેજા તેમજ હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ હુણને મળતા ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન અને સ્ટાફ સાથે કાટકોલા ગામે રેડ કરી આધેડ વયના શખ્સ વેજાણંદભાઈ ઉર્ફ કાનાભાઈ પરબતભાઈ ડાંગરને રંગેહાથ ઝડપી પાડેલ છે.

ઝડપાયેલ શખ્સના કબ્જામાથી રોકડ, મોબાઈલ તેમજ વરલીના સાહિત્ય સહિત કુલ રૂ.૧૭,૪૦૦/-ની મત્તા કબ્જે લઈ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને મોબાઈલ કોલ ડિટેલના આધારે અન્ય જિલ્લાના બુકી સહિત પાંચ શખ્સોની સંડોવણી બહાર આવતા તમામ વિરૂધ્ધ પણ ગુન્હો નોંધાવવામાં આવેલ છે.ઉલ્લેખનિય છે કે આ શખ્સ પણ ઘણા સમયથી વરલીનો જુગાર રમાડતો હતો ત્યારે સ્થાનિક પોલીસ અત્યાર સુધી શું અજાણ હતી ? એવા સવાલ ઉઠી રહ્યા છે.
આ બાબત આગળની વધુ તપાસ એલ.સી.બી.ના એએસઆઈ જે.બી.જાડેજાએ સંભાળેલ છે.