પોરબંદર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા જનસેવાનો યજ્ઞ બનશે

  • પોરબંદર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા નો પ્રારંભ તા.૫ જુલાઈથી થશે: કલેક્ટરશ્રી અશોક શર્મા
  • ૪૪૦૦થી વધુ લાભાર્થીઓને લાભ અને ખાતમૂહૂર્ત લોકાર્પણના કાર્યક્રમો સહિત રથ યાત્રા દરમિયાન થનાર વિકાસલક્ષી કાર્યક્રમો સહિત ની માહિતી આપવા માટે પત્રકારો સાથે સંવાદ કરતા કલેકટરશ્રી અશોક શર્મા
  • ગુજરાત સરકારની યોજના જન સુધી પહોંચાડવા સરકારનું આ અભિયાન છે
  • ગામડાઓમાં રથની સાથે સાથે ઓનલાઇન દાખલા નીકળશે
  • લોકોને સ્થળ પર જ સેવા આપી પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર જન સેવાના નવા આયામો પ્રસ્થાપિત કરશે
    ધનવંતરી રથ પણ નીકળશે અને લોકોના આરોગ્યની તપાસ કરાશે

પોરબંદર જિલ્લાની નગર પાલિકા અને જિલ્લા પંચાયતની સીટ વાઈઝ ૩૦ ગામોમાં વિકાસ યાત્રાનું આયોજન

પોરબંદર : લોકોને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મળી રહે તેમજ સ્થળ પર જ સરકારી સેવાઓનો લાભ મળી રહે સહિતના જનહિતના આયામો સાથે પોરબંદર જિલ્લામાં તારીખ ૫ જુલાઈ,૨૦૨૨ થી વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે.

પોરબંદર જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માએ પોરબંદર જિલ્લામાં આગામી તા. ૫ જુલાઈ ૨૦૨૨થી શરૂ થનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના જિલ્લા કક્ષાના તેમજ ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમો અને તેમાં લોકોને આપવામાં આવનાર વિવિધ સેવાઓ તેમજ યોજનાકીય માહિતી ના અભિયાન અંગેની વિગતો આપી હતી.

કલેકટરશ્રીએ પત્રકારો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે જન જન સુધી સરકારની યોજના પહોંચે અને સુશાસન હેઠળ લોકોને વરિષ્ઠ નાગરિક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

આગામી તારીખ ૫ જુલાઇના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોરબંદર શહેરમાં યોજાશે અને વંદે ગુજરાત રથયાત્રાનો પ્રારંભ કરાવાશે.

પોરબંદર જિલ્લામાં કુલ ૩૦ ગામોમાં આ કાર્યક્રમ યોજાશે સવારે અને સાંજે અલગ અલગ ગામમાં રથના આગમન નિમિત્તે ફિલ્મ નિર્દર્શન, સરકારની યોજનાઓની માહિતી, વિવિધ દાખલા સહિત ઓનલાઇન જનસેવા, ધનવંતરી રથ અંતર્ગત આરોગ્ય તપાસણી, આયુષ્યમાન કાર્ડ વિતરણ, માતૃશક્તિ યોજનાની અમલવારી ઉપરાંત વિવિધ ૧૪ વિભાગો તરફથી ૪૪૦૦ થી વધુ લાભાર્થીઓને લાભો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમ્યાન વિકાસના કામોની જાહેરાત પણ થનાર છે. જેમાં રૂ.૪૪૬ લાખના ૬૬ કામોનું ખાતમુહૂર્ત અને ૪૪૭ લાખના ૧૦૧ કામોનું લોકાર્પણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દરેક ગામમાં જ્યાં રથનું પ્રસ્થાન થવાનું છે ત્યાં સવારે પ્રભાત ફેરી ,સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપરાંત પાણીનો યોગ્ય ઉપયોગ અને પાણી બચાવવા અંગેની સમજ પશુ સારવાર કેમ્પ, આંગણવાડીઓમાં પૂરક આહાર, વાનગી નિર્દેશન, પશુઓમાં રસીકરણ સહિતના કાર્યક્રમો પણ થશે .આમ આ વિકાસ યાત્રા જનસેવા ની યાત્રા બની રહેશે.

વંદે ગુજરાત વિકાસ યાત્રામાં લોકો જોડાય તે માટે ઉપરાંત તેમને મળવાપાત્ર લાભો મળી રહે તે માટે અધિકારીઓ કાર્યક્રમ પૂર્વે ગામોની મુલાકાત લેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને પંચાયતના જન પ્રતિનિધિઓ ,સરપંચો, સ્વેચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રણીઓ જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

માધ્યમો સાથે સંવાદ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી. કે .અડવાણીએ પણ આરોગ્ય વિષયક સહિતની વિવિધ સેવાઓ અંગેની માહિતી આપી હતી. અધિક કલેકટર શ્રી એમ. કે .જોશી સહિતના અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા