Land ગ્રેબિંગ કાયદો, ફાયદો જનતાનો કે સરકારનો ?

પોતાની સરકારના વહીવટીતંત્રમાં ૨૫% ભ્રષ્ટાચાર એમનેમ છે એવું દ્રઢપણે માનનાર તત્કાલીન રૂપાણી સરકારે આનન ફાનનમાં લેન્ડ ગ્રેબિંગ કાયદો તો બનાવી નાંખ્યો પરંતુ આ કાયદો ખૂબ જ ભૂલભરેલો અને સામાન્ય નાગરીકને પીડા આપનારો બની રહ્યો છે, અનેક નિર્દોષો આ કાયદાનો ભોગ બની રહ્યા છે અને હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટમાં ગુહાર લગાવી રહ્યા છે, એક અપીલમાં હાઇકોર્ટે કઠોર ટીપ્પણી પણ કરી છે કે શું જે કામ ગુંડાઓ કરતા આવ્યા છે તે જ કામ સરકાર હવે અધિકારીઓ મારફત કરાવી રહી છે ? લેન્ડ ગ્રેબિંગ કાયદો જેટલો ઉપરથી રૂપાળો દેખાય છે તેટલો જ વધુ કદરૂપો અંદરથી છે, કેટલાક અધિકારીઓની ‘PIN’ ચોંટી જાય ત્યારે ન્યાય આપવાનું જે કામ કોર્ટને પણ અઘરું લાગે છે એ જ કામ એક પક્ષે અને બળજબરીપૂર્વક અધિકારી કરી નાખે છે. આવતા દિવસોમાં જ્યારે હાઇકોર્ટમાં સુનાવણીઓ ચાલુ થશે ત્યારે ગુજરાત રાજ્ય સરકારના અનેક કલેક્ટરોને જવાબ આપવા ભારે પડી જશે અને સજાઓ પડશે એ લટકામાં!! ભાડુઆત અને મકાન માલીકના વિવાદ જે કોર્ટમાં લંબિત હોય તેવા કેટલાય કિસ્સાઓ આ કાયદા હેઠળ કમીટી સમક્ષ આવી રહ્યા છે અને કમીટી એમાં આંધળું અનુકરણ કરીને ભાડુઆત વિરુદ્ધ ચુકાદાઓ આપી રહ્યા છે જેમાંથી મોટાભાગના ચુકાદાઓ ન્યાયની વિરુદ્ધ છે અને એ જ્યારે હાઇકોર્ટમાં પહોંચી ગયા છે પરંતુ સુનાવણીઓ થવા લાગશે ત્યારે વહીવટના અનેક કામો પડતા પડી રહેશે અને કમીટી અધ્યક્ષ, સચિવ હાઇકોર્ટમાં મુદ્દત ભરતા થઈ જશે ત્યારે એક સવાલ અચૂક પણે જનતાના માનસપટ પર ઝબુકશે કે Land ગ્રેબિંગ કાયદો, ફાયદો જનતાનો કે સરકારનો ?