ભાણવડ પેટ્રોલ પંપની લૂંટ સંચાલકનો જ કારસો હોવાનું સામે આવ્યું

ભાણવડ પોલીસની સફળતા દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં દિનદહાડે પેટ્રોલપંપના સંચાલક પાસેથી 10 લાખ રૂપિયાની લૂંટનો બનાવ ગઈ કાલે મોડી સાંજે બનતા ચકચાર મચી છે. પોલીસ દ્વારા લૂંટને અંજામ આપી ફરાર થયેલા ત્રણ લૂંટારુઓેને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી જે મોડી રાત્રે તપાસ દરમ્યાન લૂંટ નો કારસો હતો એ પોલીસે ઝડપી પાડ્યું હતું.

બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડથી જામજોધપુર તરફ જતા રોડ પર ત્રણ પાટિયા પાસેથી પસાર થઈ રહેલા પેટ્રોલ પંપના સંચાલકને આંતરી છરીની અણીએ 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાની પોલીસને જાણ કરાઈ હતી પરંતુ પોલીસના ઝાંબાઝ અફસરોએ તાત્કાલિક ભાણવડ ને જોડતી ત્રણેય સીમાઓને સીલ કરતા અને બનાવની હકીકત તપાસવા આગળ સુધી જતા અને આવા કોઈ શકમંદ પણ હાથ ન લાગતા પોલીસને રખેને ફરિયાદ ખોટી તો નથીને ? તે દિશામાં પણ તપાસ કરતા સંચાલક ક્રિકેટના સટ્ટામાં રકમ હારી ગયો હોય આ પ્રકારની ઘટના ઉપજાવી કાઢી હોવાનું સામે આવ્યું હતું. વાર્તા એવી બનાવી હતી કે પેટ્રોલ પંપનો સંચાલક પીછો ન કરે તે માટે લૂંટારુઓ કારની ચાવી પણ સાથે લઈ ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તુરંત જ જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ઘટના ઉપજાવી કાઢવામાં આવેલ હોવાનું સામે આવતા તપાસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કે જેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા તેઓએ રાહતનો શ્વાસ લીધો વધુ તપાસ ચાલુ છે.