અમરેલીના યુવક દ્વારા સોશિયલ મીડિયાના સદ્દઉપયોગથી કરી અઢી કરોડની મદદ

મહેશ ભુવા નામના યુવક દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરોડોની મદદ કરવામાં આવી હતી

શોશિયલ માધ્યમનો ઉપયોગ ફક્ત સમય પસાર કરવા તેમજ ઘણીવાર શોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના  એક યુવકે આ માધ્યમનો સદ્દઉપયોગ કરી કરોડોની સહાય જરૂરિયાતમંદ પરિવારોને કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના હાલ સુરત સ્થિત યુવાને સોશ્યલ મિડિયાના સકારાત્મક ઉપયોગ દ્વારા જરૂરિયાતમંદ માટે સેવાકીય કાર્ય કરીને સેતુરૂપ બનતા મહેશભાઈ ભુવાએ અત્યાર સુધીમાં અઢી કરોડની સિદ્ધિ મદદ જરૂરિયાતમંદ પરિવારોને કરી છે. આધુનિક યુગમાં સોશ્યલ મિડિયા એક મોટા પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે.

21મી સદીને જ્ઞાન-વિજ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકો સુધી પહોંચી શકાય છે.

આ માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી ખૂબ ટૂંકા સમયમાં સરળતાથી પહોંચાડી શકે છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે. સોશિયલ મિડિયાને કઈ રીતે લેવું તે લોકો પર આધાર રાખે છે. દુરુપયોગની ઘણી ઘટનાઓ આપણે વાંચતા હોઈએ છીએ. પરંતુ એનો ઉપયોગ કરી જરૂરીયાતમંદોને કઈ રીતે મદદરૂપ બની શકાય છે તે સુરત સ્થિત મહેશભાઈ ભુવા નામના યુવાન આ માધ્યમનો સદુપયોગ કરી અનેક જરૂરિયાતમંદોને મદદરૂપ બની રહ્યા છે.

મહેશભાઈએ સોશિયલ મીડિયાનાં અવનવા પેજ અને ગ્રુપ થકી લાખો લોકો સુધી પહોંચીને જરૂરિયાતમંદ સભ્યો જેઓ ઓળખીતા પણ ના હોય તેમજ એમાંથી અનેક લોકો અસાધ્ય બીમારીથી પીડાતા હોય અથવા તો અકસ્માતમાં નોંધારા બની ગયેલા પરીવાર હોય કે વિધવા બહેનોના સંતાનોને અભ્યાસ માટેની મદદની જરૂર હોય એવા અનેક અતિ જરૂરીયાતમંદ વ્યક્તિઓ અને તેમના પરિવારોને જેમને પોતાની મરણ મૂડી પણ ન હોય તેવા લોકોને 2019થી આજ સુધીમાં અઢી કરોડ જેવી માતબર રકમ સીધે સીધે જરૂરીયાત મંદ વ્યક્તિના બેન્ક ખાતામાં દાતાઓ દ્વારા ટ્રાન્સફર કરાવવામાં આવી છે.

હજુ બે દિવસ પહેલા એક પોસ્ટ મૂકી હતી જેમાં દાતાઓ દ્વારા બે દિવસમાં સાડા પાંચ લાખ રૂપિયાનું ફંડ પરિવાર માટે એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રીતે સુરતનાં મહેશભાઈ ભુવા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી નિઃસ્વાર્થ ભાવથી સેવા આપીને સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.