પોરબંદર સરકારી પોલીટેકનીક ખાતે બે દિવસના વર્કશોપનું આયોજન કરાયું

સરકારી પોલીટેકનીક પોરબંદરના મિકેનીકલ અને ઈલેક્ટ્રીકલ વિભાગના સંયુક્ત ઉપક્રમે ISTE સ્ટુડન્ટ ચેપ્ટરના નેજા હેઠળ તા. ૨૦ અને ૨૧ મેં ના રોજ “ઇલેક્ટ્રિક વ્હીકલ વિષય પર બે દિવસના નેશનલ લેવલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનના સ્પોન્સર પોરબંદરમાં આવેલ ખ્યાતનામ ઇલેક્ટ્રિક વ્હીકલના ડીલર રીગલ મોટો કોર્પ રહેલ. આ વર્કશોપનો લાભ પોલીટેકનીકના મિકેનીકલ અને ઇલેક્ટ્રિક વિભાગના વિદ્યાર્થીઓ સિવાય વડોદરાની એમ. એસ. યુનિવર્સીટી, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ વગેરેની ખ્યાતનામ ટેકનીકલ સંસ્થાના વિદ્યાર્થીઓ પણ સહભાગી થયા હતા. વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રીગલ મોટો કોર્પના શ્રી સચિન લહેરુ, સંસ્થાના આચાર્યશ્રી પ્રો. એમ. બી. કાલરીયા, ઈલેક્ટ્રીકલ વિભાગના વડાશ્રી પ્રો. એમ. જે. અઘારા અને ISTE ચેપ્ટરના કન્વીનરશ્રી આશિષ ખુદાઇવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપનો મુખ્ય હેતુ હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિશ્વ અને ભારતની અંદર ઇલેક્ટ્રિક વાહનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ટેકનીકલ શિક્ષણ આપતી આપણી સંસ્થાના મિકેનીકલ અને ઈલેક્ટ્રીકલ વિભાગના વિદ્યાર્થીઓમાં યુનિવર્સીટીના અભ્યાસક્રમ ઉપરાંત હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ઇલેક્ટ્રિક વાહનોને લગતું થીયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન આપવાનો હતો. આ વર્કશોપમાં ઇલેક્ટ્રિક વ્હીકલની ફ્રેમ, મોટર, બેટરી, કંટ્રોલર, ચાર્જર, વિવિધ મેજરીંગ અને કંટ્રોલ કરવાના સાધનોનું થીયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન પણ આપવામાં આવ્યુ હતું. જેમાં સંસ્થાના જ મિકેનીકલ વિભાગના ડો. રાકેશ બુમતારિયા, જામનગર થી ડો. વી. એસ. તેજવાણી, રાજકોટથી પ્રો. ભાવિન કાનાણી, અને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર શ્રી. દેવેન નકુમ દ્વારા વિવિધ સેસન્સ દરમ્યાન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારી પોલીટેકનીક પોરબંદર ગુજરાતની જૂનામાં જૂની સંસ્થામાંની એક છે કે જેનું નામ પહેલેથી જ ગુજરાતની પોલીટેકનીક કોલેજોમાં આગળ પડતું છે. અને આવા આયોજન થકી ભવિષ્યમાં પણ ગુજરાતની કોલેજોમાં મોખરે રહેશે એવી આશા કોલેજના આચાર્ય પ્રો. એમ. બી. કાલરીયા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.