ખેડૂતોએ સહાય ચુકવવા કરી રહ્યા છે માંગ, ભારે પવનના કારણે કેરીઓ આંબાના ઝાડ પરથી પડી જતા કેરીના પાકને ઘણું નુકશાન થયું છે.
સુરત જિલ્લાના માંગરોળમાં વધુ પડતા ફૂંકાયેલા પવનને કારણે વીજળી ડૂલ થઇ છે અને કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોએ સહાય ચુકવવા માંગ કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી પવન ફૂંકાઇ રહ્યો છે જેને કારણે વીજળી ડૂલ થઇ રહી છે છેલ્લા આઠ દિવસથી ખેડૂતોને કૃષિ પાકમાં રેગ્યુલર વીજળી મળતી નથી.જેથી ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થઈ રહ્યું છે.જ્યોતિગ્રામ યોજના હેઠળ વિવિધ લાઈનમાં પણ ગ્રાહકોને રેગ્યુલર વીજળી મળતી નથી ત્યારે યોગ્ય પ્રકારે વીજ મેન્ટેન્સ કરવું પણ જરૂરી છે.પરંતુ તા.૨૨ ના રોજ બપોરે પવનની ગતિ તેજ થતાં માંગરોળ તાલુકાની સંખ્યાબંધ આંબાની વાડીઓમાં કેરી પડી ગઈ હતી.ચાલુ વર્ષે માવઠાને કારણે પહેલેથી જ કેરીનો પાક ઓછો હતો જેમાં વધુ એક આફત હાલ ખેડૂતોના માથે આવી છે. ખેડૂતોનો મોટાભાગનો કેરીનો પાક નિષ્ફળ ગયો છે તાલુકાના ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે.
ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ….
માંગરોળ તાલુકાના મોરઆમલી ગામના ખેડૂત આગેવાન હર્ષદભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે તા.૨૨ના બપોરે જે પવન ફૂંકાયો તેનાથી કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.સમગ્ર તાલુકામાં કેરીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવે તેમજ વીજપુરવઠો અનિયમિત મળવાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.જેથી વીજલાઈનો જરૂરી સમારકામ વહેલીતકે કરવામાં આવે તેવી માંગ છે.