વલસાડના કપરાડાનો એક યુવક બે યુવતિઓ સાથે એક જ લગ્ન મંડપમાં કરશે લગ્ન ? જાણો વાયરલ કંકોત્રીની હકિકત

ઘણીવાર અજીબો ગરીબ અને વિચિત્ર ઘટનાઓ પ્રકાશિત થતી રહે છે. એવી એવી ઘટનાઓ સોશિયલ મીડિયા પર સામે આવતી હોય છે કે આપણે પણ વાંચીને આશ્ચર્યચકિત રહી જઇએ. વલસાડના કપરાડાના નાનાપોંઢા ગામેથી એક અનોખા લગ્નની કંકોત્રીની તસવીર વાયરલ થઇ છે. આ લગ્નની ચર્ચા ઘણી થઇ રહી છે અને તેનું કારણ છે કે કંકોત્રીમાં દુલ્હો એક અને દુલ્હન બે છે. આ કંકોત્રીની તસવીર પરથી એવું કહેવામાં આવી રહ્યુ છે કે એક વર બે કન્યા સાથે લગ્ન કરશે. કંકોત્રી વાયરલ થયા બાદ આ લગ્ન પર સૌ કોઇની નજર મંડરાયેલી છે.

કંકોત્રીમાં વરનું નામ પ્રકાશ અને કન્યાનું નામ નયના અને કુસુમ લખવામાં આવ્યુ છે. આ બાબતે જયારે દુલ્હા પ્રકાશ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે પ્રકાશભાઇએ કહ્યુ કે, તેઓ એક જ કન્યા સાથે લગ્ન કરવાના છે. તેમની એક પત્ની છે જે તેમની સાથે રહે છે અને તેનું નામ કંકોત્રીમાં એટલે લખવામાં આવ્યુ છે કારણ કે તેને ખોટુ ન લાગે. તેમણે કહ્યુ કે, રાજીખુશીથી અને તમામની સહમતીથી તેમજ પત્નીની સંમતિથી હું બીજા લગ્ન કરવા જઇ રહ્યો છું. આ ઘટના સાંભળતા તમને નવાઇ જરૂર લાગે પરંતુ આદિવાસી સમાજ માટે આ કોઇ નવી વાત નથી.

આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. અહીં એવું છે કે યુવક યુવતિઓ લિવ ઇનમાં રહ્યા બાદ જ લગ્નનો નિર્ણય કરે છે અને જયારે પૈસાની સુવિધા થાય ત્યારે લગ્ન કરી સમાજને બોલાવે છે. રીપોર્ટ અનુસાર વર પ્રકાશ ગાવિત બે પત્ની સાથે ઘણા વર્ષોથી રહે છે. એક પત્ની સાથે પહેલા લગ્ન થયા છે જયારે બીજી સાથે તે લિવ ઇનમાં રહે છે. બંને પત્નીઓને બે-બે બાળકો પણ છે.

તમને જણાવી દઇએ કે, પત્રકાર સાથેની વાતચીતમાં પ્રકાશ ગાવિતે જણાવ્યુ કે, તેમની પત્નીનું નામ કુસુમ ગાવિત છે અને તે હવે નયના ગાવિત સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. એટલે કુસુમને ખોટુ ન લાગે તેથી કંકોત્રીમાં તેનું નામ લખાવ્યુ છે. પહેલી પત્ની અને પરિવારની સંમતિથી પ્રકાશ ગાવિત નયના સાથે 9 મેના રોજ બીજા લગ્ન કરવાના છે. તેમણે જણાવ્યુ કે, મંડપમાં તેઓ એક જ કન્યા સાથે લગ્ન કરશે.

નયના ગાવિત અનુસાર તેઓ ઘણા વર્ષોથી જોડે રહે છે. પહેલા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તે માટે લગ્ન કર્યા ન હતા. લગ્ન બાબતે પ્રકાશ ગાવિતની પહેલી પત્ની કુસુમનું કહેવુ છે કે, તેના પ્રકાશ સાથે લગ્ન થઇ ગયા છે પરંતુ પ્રકાશના બીજા લગ્ન બાકી છે અને સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન કરવા પડે. તેણે કહ્યુ કે, પ્રકાશના બીજા લગ્નથી તેને કોઇ વાંધો નથી. લગ્ન પછી પણ તેઓ સાથે જ રહેશે.