મેવાણીની આસામ પોલીસે કેમ ધરપકડ કરી

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ગઇકાલે 11.30 કલાકે આસામ પોલીસે એક ટ્વીટના કેસમાં ધરપકડ કરી હતી. જિગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી લઇને હાર્દિક પટેલે વિરોધ કર્યો છે.

હાર્દિક પટેલે કહ્યુ કે- હવે ધારાસભ્ય પણ સુરક્ષિત નથી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મોદીજી તમે રાજ્યના તંત્રનો દુરઉપયોગ કરીને અસંમત્તિને કચડી નાખવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તમે સત્યને ક્યારેય કેદ કરી શકતા નથી.

મેવાણીની આસામ પોલીસે કેમ ધરપકડ કરી

જિગ્નેશ મેવાણીના સમર્થકો અનુસાર, આસામ પોલીસની ટીમે અહી દાખલ કેસનો હવાલો આપતા ધરપકડની કાર્યવાહીને અંજામ આપ્યો છે. સમર્થકોનો આરોપ છે કે આસામ પોલીસ તરફથી જિગ્નેશ મેવાણી વિરૂદ્ધ દર્જ ફરિયાદની કોપી આપવામાં આવી નથી. મીડિયાએ ધરપકડ દરમિયાન જ્યારે જિગ્નેશ મેવાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યુ, મને એમ કહેવામાં આવ્યુ છે કે તમે એક ટ્વીટ કરી હતી, તેને લઇને ફરિયાદ થઇ છે. ફરિયાદમાં કઇ કલમ લાગી છે, આ કહેવામાં નથી આવ્યુ, મે ટ્વીટમાં લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી.

જિગ્નેશ મેવાણીના એક ટ્વીટ પર આસામ પોલીસે તેમની પર ષડયંત્ર હેઠળ બે સમુદાયમાં વૈમનસ્ય ઉભુ કરવા, સમુદાયનું અપમાન કરવા અને શાંતિનો માહોલ બગાડવા જેવી બિનજામીન પાત્ર કલમમાં કેસ દાખલ કર્યો છે. આસામ પોલીસની ફરિયાદ અુસાર, જિગ્નેશ મેવાણીએ 18 એપ્રિલે એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન ગોડસેને પૂજે છે. પોલીસ અનુસાર જિગ્નેશ મેવાણીએ ટ્વીટમાં અપીલ કરી હતી કે દેશના વડાપ્રધાને 20 એપ્રિલે ગુજરાત પ્રવાસ દરમિયાન રામનવમી પર હિંમતનગર અને ખંભાત વિસ્તારમાં થયેલી સાંપ્રદાયિક હિંસાને લઇને લોકોને શાંતિની અપીલ કરવી જોઇએ.