ઘુમલી ગ્રામ પંચાયતે કેબીનો, દુકાનોને નોટીસ આપતા, ન્યાય માટે ઉપવાસ આંદોલન

બે કરતા વધુ દાયકાથી રોજીરોટીનું એકમાત્ર સાધન…

નેતૃત્વ પરિવર્તન થતાં જગ્યા ફાળવનાર ગ્રામ પંચાયતે જ હવે જગ્યા ખાલી કરવા નોટીસ આપી…!!

ભાણવડના ઘુમલી ગામે બરડા ડુંગર પર આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ આશાપુરા મંદિરના પ્રાંગણમાં પગથીયા પાસે આશરે અઢી દાયકા કરતા વધુ સમયથી આ જ ગામના કેટલાક લોકો કેબીનો તેમજ કાચા બાંધકામ કરી તેમાં છુટક વેપાર કરી રોજી રોટી મેળવે છે અને પરીવારનું ગુજરાન ચલાવે છે અને વર્ષ ૨૦૦૫ માં આ ધંધાર્થીઓને આ જગ્યા ફાળવતા ત્યારબાદથી ગ્રામ પંચાયતને ભાડુ પણ ચુકવવામાં આવે છે પરંતુ હમણાં ગ્રામ પંચાયતમાં નેતૃત્વ પરિવર્તન થયુ હોઈ ગ્રામ પંચાયત દ્રારા કેટલાક દિવસ પહેલા નોટીસ આપેલ છે કે આ ધંધાર્થીઓની કેબીનો અને કાચા બાંધકામો દબાણ કરેલ હોઈ દૂર કરવામાં આવે અન્યથા ગ્રામ પંચાયત દ્રારા તોડી પાડવામાં આવશે.

જેથી આ ધંધાર્થીઓએ ગ્રામ પંચાયતની નોટીસ અનુસંધાને મુખ્યમંત્રી જનસંપર્ક લીક ફરિયાદમાં અરજી કરી હતી પરંતુ હજુ સુધી કોઈ જવાબ ન આવતા ભાણવડ સેવાસદન બહાર ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે અને જણાવેલ કે આ કેબીનો અને કાચા બાંધકામ દુર કરી નાખવામાં આવશે તો એમની રોજી રોટીનું એકમાત્ર સાધન છીનવાઈ જશે અને એમનું તથા એમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકારે ઘુમલીને પ્રવાસન સ્થળ જાહેર કરેલ છે અને આશાપુરા મંદિર, નવલખો, ભૃગુકુંડ, સોન કંસારી, વિજવાસણ મંદિર, લુણંગ ગણેશ મંદિર સહિત અનેક આસ્થાના પ્રતિક સમાન પ્રખ્યાત અને ફરવા લાયક સ્થળો આવેલ હોઈ પ્રવાસીઓનો બહોળો પ્રવાહ જોવા મળે છે, ત્યારે આશાપુરા મંદિરના પગથીયે કેટલાક ગ્રામજનો હાથ બનાવટની વાંસની વસ્તુઓ, રમકડા, પ્રસાદ, ઠંડાપીણા જેવા નાના ધંધા દ્રારા વર્ષોથી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ગ્રામ પંચાયતને જગ્યાનું ભાડુ પણ ચુકવે છે ત્યારે તંત્ર તેમની સાથે યોગ્ય કરે અને ન્યાય આપે એવી માંગ સાથે સ્થાનિક લોકો ઉપવાસ પર બેઠા છે.