ભારત જ નહીં વિશ્વના લગભગ દેશો બે અલગ અલગ રાજકીય વિચારધારા સાથે પારસ્પરિક લડાઈ લડતા હોય છે, જેને લોકશાહી કહી શકાય, અમેરીકા, રશિયા, ચાઈના, બ્રિટન, જાપાન વગેરે… ભારતમાં પણ ક્યારેક છૂટભાયા પક્ષ સત્તા પર આવ્યા હોય તો અપવાદ અલગ છે, પરંતુ મોટાભાગે કોંગ્રેસ ભાજપ વિચારધારા જ સત્તા પર આવી છે, એ હકીકત છે કે ૨૦૧૪ સુધી કમજોર રાજકીય શક્તિઓ સાથે ભાજપે સાત આઠ વર્ષ દેશનું શાસન કર્યું અને ૨૦૧૪ બાદ મજબૂતી સાથે ભાજપ સત્તા ચલાવી રહી છે ત્યારે આ આઠ વર્ષમાં વધતી મોંઘવારી અને બેરોજગારી પ્રત્યે દુર્લક્ષ પણ સેવાઈ રહ્યું છે અને હવે દેશની જનતાની સાથે સાથે ભાજપના પણ કેટલાંક વરીષ્ઠ નેતાઓ માની રહ્યા છે કે નરેન્દ્રભાઈ વહીવટમાં એટલા નિપુણ પુરવાર થઇ નથી શકતા જેટલા તેઓ ભાજપને સત્તા મેળવી આપતા ‘સ્ટાર પ્રચારક’ તરીકે સંપૂર્ણ પુરવાર થયા, આ આઠ વર્ષોમાં ભારતે એટલે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારે જો મુખ્ય કોઈ કામ કર્યું હોય તો એ છે, ભારતના પ્રથમ વધાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરુને બદનામ કરવાનું.
પંડીત જેટલો સમય જેલમાં રહ્યા ભારતની આઝાદી માટે એટલો સમય તો મોદીએ શાસન પણ નથી કર્યું પરંતુ આ મોદીની નફરત છે ? એવો સવાલ જો થતો હોય તો આ જાણવું જરૂરી છે કે મોદીની નફરતથી વધુ જવાબદાર પરિબળ છે મોદીની મહત્વકાંક્ષા. મહત્વકાંક્ષા એક એવો અસાધ્ય રોગ છે કે જેમાં ધ્યાન ન રાખવામાં આવે તો નફરત માં આ બીમારી પલટાઈ જાય છે, નહેરુની દરેક ઉપલબ્ધીને ઇતિહાસમાંથી ભુંસવાનું કામ મોદી કરે તો ભારતની જનતાને એનાથી કોઈ ફેર નથી પડતો પરંતુ શું મોદીજી પોતાની ઉપલબ્ધી માટે પણ કાંઈ કરશે ખરા ? આજે મોદી રાજમાં લોકો જાણ્યે અજાણ્યે નહેરુ-ગાંધીને નફરત કરી બેસે છે એ મોદીજી જ્યારે ઇતિહાસ હશે ત્યારે એની એક પણ ઉપલબ્ધી દર્શાવી શકશે ? આ બે પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોની વૈચારીક લડાઈમાં નરેન્દ્રભાઈની મહત્વકાંક્ષા દેશને મૂળમાંથી બરબાદ તો નથી કરી રહ્યા ને? આ સવાલ એકવાર ખુદને કરી લેજો કેમકે ભારતમાં આઝાદીથી ખૂબ ગરીબ રહેલો એક તબકો ૮૦% અસ્તિત્વ ધરાવે છે અને આ એંસી ટકા લોકો હજુ પણ અસ્તીત્વ માટે ઝઝૂમે છે ત્યારે મોદી શાસનનો લાભ આ ગરીબોને મળવાને બદલે ૨૦% અમીરોને કેમ થઈ રહ્યો છે ? જો આ સવાલ મનમાં થાય તો જ મોંઘવારી અને બેરોજગારી માટે નરેન્દ્રભાઈની વહીવટી ઉણપ સમજમાં આવશે, બાકી દેશ તો ચાલતો રહેશે મોદી શાસન પહેલા પણ એક શાસન હતું અને એના બાદ પણ હોવાનું પરંતુ નહેરુ જે રીતે ભારત નિર્માણના શિલ્પી બન્યા એ રીતે અન્ય ૧૪ વડાપ્રધાન કેમ નથી બની શક્યા અને તો મોદીનો જ્યારે ઇતિહાસ વંચાશે તો શું કોઈ ઉપલબ્ધી મોદીના ફાળે જશે ખરી ? આ સવાલનો જવાબ આવનારો સમય દેશે. હાલ તો ભારતમાં ચંદ નેતાઓ, સીસ્ટમમાં કામ કરતા સરકારી મુલાજીમો અને આઠ દસ ઉદ્યોગપતિ સિવાય મોંઘવારીની અને બેરોજગારીની અસર બાકીની તમામ જનતાને પડી રહી છે એ નકારી ન શકાય, અહીં એક ઐતિહાસિક વાત જોડીએ તો ‘સરકારે તો આયેંગી, સરકારે તો જાયેંગી લેકીન ઇતિહાસ જબ સવાલ કરે તબ મેરા મસ્તક શર્મ સે ઝુકના નહીં ચાહીએ’ એવું શાસન નહીં આપનારા વડાપ્રધાનનું લિસ્ટ પણ ભારતમાં મોટું છે.