Verdict Research Foundatio અને AB2News ની ટીમો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ગુજરાતની ગલીઓ ફેંદી રહ્યા છે, ત્યારે કોણ જીતશે? કોણ હારશે? ની સાથે સાથે અનેક અન્ય આશ્ચર્યજનક રીસર્ચ પણ સામે આવી રહ્યા છે, તાજેતરમાં જ સૌરાષ્ટ્રના દસ વગદાર વ્યક્તિઓની યાદી બહાર પડી, એમાં તથ્ય એટલું સિદ્ધ પુરવાર થયું કે લોકોએ AB2News ની એ પોસ્ટને ખૂબ વાયરલ કરી, ગુજરાતીમાં બહાર પડેલા આ સર્વેને ગુજરાતમાં સવા ત્રણ કરોડ લોકોએ વાંચી અથવા તો વાયરલ કરી કહી શકાય.
એવું જ એક અન્ય તથ્ય સામે આવ્યું છે કે પચીસ વર્ષથી સત્તામાં રહેલ ભાજપ સરકારના આલા નેતાઓની બદૌલત અને આશીર્વાદથી વિવિધ સમાજ અને જ્ઞાતિમાં એવા લોકો ભરાય બેઠા છે જે સમાજ અને જ્ઞાતિનું જાતે નિકંદન કાઢી રહ્યા છે, એને સરકાર, સીસ્ટમ, વિભાગ અને નેતાઓના ભરપૂર આશીર્વાદ હોવાનું જનતા જાણી ચુકી છે અને આગામી ચૂંટણીમાં જ્ઞાતિ કે સમાજના આગેવાનોને કદ પ્રમાણે વેતરણી કરવાના મૂડમાં વિવિધ સમાજો છે, જો કે ભાજપથી નારાજ નેતાઓનો સાથ સહકાર આ લોકોને હજુ સાંપડ્યો નથી અને કદાચ વિરોધપક્ષના નેતાઓ એનાંથી અજાણ હોય પણ શકે પરંતુ આ ચિનગારી જલે છે, એને જો સાથ અને સહકાર નામનું ઇંધણ મળશે તો આ ચિનગારી આગનું રૂપ લઈ લેશે અને એનું સીધું નુકશાન સત્તાપક્ષને તો થશે જ પરંતુ સૌથી વધુ નુકશાન વિવિધ જ્ઞાતિ અને સમાજના આગેવાનોને ભયંકર થશે.
આજે દરેક સમાજ બેરોજગારી અને મોંઘવારીની લપેટે ચડ્યો છે ત્યારે ક્યાંયને ક્યાંય સમાજના બની બેઠેલાં આગેવાનો વધુ જવાબદાર હોવાનું એ તે સમાજ અનુભવી રહ્યો છે કે એનાં આગેવાનો સરકારની કઠપૂતળીની જેમ કામ કરે છે, અન્યથા અવાજ કેમ ન ઉઠાવે ? એ સવાલ લોકમાનસ પર સવાર થઈ ચૂક્યો છે. ખાસ કરીને ઓછી જનસંખ્યા ધરાવતા સમાજમાં આ ચિનગારી આગનું રૂપ અવશ્ય ધારણ કરશે એવા તારણો જમીન પરથી આવી રહ્યા છે. આ અંગે જે તે વિસ્તારના કેટલાંક પત્રકારો નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે કે મોટાભાગના સમાજના આગેવાનો માત્ર અખબારોમાં ચમકીલી જાહેરાતો આપીને સમાજના બેનર તળે સરકારની વાહવાહી અને ગુણગાન ગાવાનું કામ કરી રહ્યા છે. જ્યારે વાસ્તવમાં એનાં જ સમાજમાંથી આવા આગેવાનો પ્રત્યે ભારોભાર રોષ છે, પરંતુ સરકાર, સીસ્ટમ, વિભાગ, અધિકારીઓ અને નેતાઓના આશીર્વાદ સામે જનતા લાચાર અને મજબૂર છે, ત્યારે આ વખતે આ લાચારીને દૂર કરવા સત્તાની પાંખો કાપવાનો રસ્તો જનતાને બરાબર લાગી રહ્યો છે, જેનાંથી તો જ જ્ઞાતિ આગેવાનોને કંટ્રોલ કરી શકાય એવું જે તે સમાજના લોકો ખુલ્લેઆમ માની રહ્યા છે.
વાત કરીએ સમાજના હીત અહિતની તો એ તે સમાજના લોકો માની રહ્યા છે કે સમાજના આગેવાનો નોકરી કે રોજગારી અપાવી ન શકે, સમાજના આગેવાનો મોંઘવારી પર સીધા પગલાં ભરી ન શકે પરંતુ આ આગેવાનો પેપરલીક પર કેમ ચૂપ છે ? આવા આગેવાનો સમાજના યુવાનો સાથે અન્યાય થાય ત્યારે ક્યાં ખોવાઈ જાય છે ? સરકારી ઓફીસોમાં કામ ન થાય ત્યારે કેમ ફોન ઉપાડતા નથી ? અને ઉપાડે તો પણ પોતે બહારગામ હોવાનું કહે છે, જ્યારે પડતાલ કરવામાં આવે તો તેવા આગેવાન શહેરમાં જ હાજર હોવા છતાં જૂઠું કેમ બોલે છે? કમસેકમ ત્યારે તો અવાજ ઉઠાવી શકે કે નહીં ? લોકોનો આ રોષ ખરો જ છે કેમકે આ તથ્ય કોઈ એક, બે લોકો પાસેથી નહીં પરંતુ મબલખ લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે.
હાલ ચાલુ વર્ષમાં ચૂંટણી હોવાથી અને આવા સર્વે વિગતવાર પ્રકાશીત કરવાથી એની અસર ચૂંટણીને પડે જેથી હાલ નામજોગ સમાજ કે નામજોગ જ્ઞાતિ આગેવાનોની સચ્ચાઈ અમે ઇચ્છીએ તો પણ પ્રકાશીત કરી શકીએ તેમ નથી, પરંતુ સબ સલામત અને બધું બરાબર ના બણગાં કોઈ સમાજમાં કોઈ સમાજના આગેવાનો ફૂંકતા હોય તો એ જુઠાણું છે, સત્ય હકીકત કાંઈક અલગ જ સામે આવે તેમ છે. અને એ હકીકત આ વખતની ચૂંટણી પરીણામોમાં તો જરૂર સામે આવી જશે જો વિવિધ સમાજના આગ્રણીઓ પોતાના સમાજમાં ચિનગારી જેવો રોષનું ડેમેજ કન્ટ્રોલ કરી નહીં શકે તો, જો કે અહીં એટલું જરૂર કહી શકાય કે આભ ફાટ્યું હોય ત્યાં થિંગડા ચાલે કેટલા ? એ મુજબ ડેમેજ કન્ટ્રોલ કરી શકે એવી ક્ષમતા મોજુદા દરેક જ્ઞાતિ આગેવાનો પાસે ઓછી છે.
વાત કરીએ નરેશ પટેલ જેવા આગેવાનોની તો નરેશભાઈની રાજકારણ પ્રત્યેની વધુ સતર્કતા પટેલ સમાજમાં જ લેઉઆ-કડવાના ફાંટા પાડનારી પુરવાર થશે, આદિવાસી સમાજમાં પણ એના મૂળભૂત પ્રશ્નોને લઈને ચાલતા આંદોલનો નક્કર પરીણામ લાવે એ પહેલાં જ એનાં આગેવાનોની મોજુદગીમાં આંદોલનો હાઇજેક થઈને રાજકીય સભા કે મંચમાં ફેરવાઈ જાય છે. આ એ સમાજોની વાત છે જેની અસર ચૂંટણીમાં ઘણખર સીટો પર પડતી હોય છે, અન્ય સમાજોમાં પણ એવા કેટલાંક સમાજ છે જેની અસર એક બે સીટ પર પડતી હોય, એટલે જ કદાચ સત્તાપક્ષ આ બાબતે શુષ્ક છે અને વિરોધપક્ષોની ચાંચ કદાચ ડૂબતી નથી, પરંતુ આ તથ્યથી એટલું જરૂર માની શકાય કે ‘સબ સલામત’ ‘બધું બરાબર’ ના દાવાઓ ખોટા છે અને આ ભરોસે સત્તાપક્ષ હોય તો આ વખતે ઉપહારમાં ભયંકર હાર મળવાની નિશ્ચિત છે અને વિરોધપક્ષોનું ધ્યાન આ તરફ ખેંચવામાં જે તે સમાજ અસક્ષમ પુરવાર થયો તો સોશીયલ એન્જીનીયરીંગના માસ્ટર કસબીઓ પરીણામ એની તરફ કરવામાં સફળ પુરવાર થાય તેમ છે.
વાત સોશીયલ એન્જીનીયરીંગની કરીએ તો ભારતમાં ભાજપથી વધુ સારું સોશીયલ મેનેજમેન્ટ કોઈ પક્ષ કરી શકે તેમ નથી, કોંગ્રેસ આ જગ્યાએ જ મ્હાત ખાઈ જાય છે પરંતુ કેજરીવાલનું સોશીયલ એન્જીનીયરીંગ પણ આજકાલ જબરું રંગ લાવી રહ્યું છે અને ભાજપને એ બરાબરની ટક્કર આપી શકે તેમ છે. આવા જ અનેક આશ્ચર્યજનક સર્વે અમોને હાલ સાંપડી રહ્યા છે ત્યારે આવા સામાજીક સર્વેનો વિસ્તારપૂર્વક અહેવાલ વાંચવા લોકોએ ચૂંટણી સમયગાળો પૂર્ણ થઈ જાય ત્યાં સુધી રાહ જોવી અનિવાર્ય છે.