
મંથન સ્કૂલ અને JCI દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ઓડદર ખાતે યોજાયેલ કેમ્પમાં 200 દર્દીઓએ સેવાનો લાભ લીધો
પોરબંદર નજીકના ઓડેદર ગામે મંથન સ્કૂલ ખાતે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી અને આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરના સહકારથી મંથન સ્કૂલ ઓડદર અને જેસીઆઈ પોરબંદર દ્વારા ઓડદર અને આસપાસના ગામોના દર્દીઓના લાભાર્થે આ આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મંથન સ્કૂલના ગ્રાઉન્ડમાં સોસિયલ ડિસ્ટન્ટ સાથે દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
◆ 200 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો :
આ આયુર્વેદ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં શ્વાસનતંત્રના રોગો, પાચનતંત્રના રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગ, બાળ રોગ, હાડકાના દુઃખાવો, સ્નાયુ, સંધિ વા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાઈરોઈડ, મૂત્રમાર્ગ જેવા અનેક રોગોનું નિદાન સારવાર અને જરૂરી તમામ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના 200 દર્દીઓએ લાભ લીધો હતો.
◆ રજાના દિવસે તબીબોએ સેવા આપી :
રવિવારે રજાનો એક દિવસ મળતો હોય છે, છતાં પણ માનવ સેવાના આ ઉમદા કાર્યમાં આયુર્વેદ હોસ્પિટલ અને આયુર્વેદ અધિકારીની કચેરી પોરબંદરના ડો. જયદિપ શાહ, ડો. ભરત ચૌહાણ, ડો. જયમલ ઓડેદરા, ડો. મહેશ પાંડાવદરા, ડો. કાર્તિક સોલંકી, ડો. સ્નેહા પરમાર, ડો. અભિન અગ્રવત, ડો. સંજય પટેલ, ડો. સંજય મોઢા તથા ભાવસિંહજી હોસ્પિટલના યશ જેઠવા, અર્પણાં હુણ અને હેતલ પરમાર સહિત સ્ટાફે દર્દીઓની સારવાર માટે સેવાઓ આપી હતી.
◆ કેમ્પને સફળ બનાવવા ટિમની જહેમત :
આ સર્વરોગ કેમ્પને સફળ બનાવવા મંથન સ્કૂલના આચાર્ય લાખણશી ઓડેદરા, હીરાભાઈ મકવાણા, અજય ઓડેદરા, માલદે ભૂતિયા તથા જેસીઆઈના બિરાજ કોટેચા, કલ્પેશ અમલાણી, હરેશ રાડીયા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
કેમ્પને સફળ બનાવવા તનતોડ મહેનત કરનાર તમામ સેવાભાવી યુવાનોને મંથન સ્કૂલના ટ્રસ્ટી અને જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ અભિનંદન આપ્યા હતા તથા કેમ્પમાં સેવા આપનાર તમામ તબીબો અને હોસ્પિટલ તંત્રનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button