આપણી ઉપર કોણ શાસન કરશે; તે ભ્રષ્ટાચારના નાણા શા માટે નક્કી કરે?

વડાપ્રધાન ભ્રષ્ટાચાર દૂર કરશે, એવા વહેમમાં કોઈએ રહેવું નહીં; કેમકે અતિ ભ્રષ્ટાચાર કરીને સત્તા પ્રાપ્ત કરી હોય તે ભ્રષ્ટાચારને ઊંડો અને વ્યાપક બનાવી શકે; પરંતુ કદી ભ્રષ્ટાચાર દૂર કરી શકે નહીં ! આપણે ઘણી વખત વિચારીએ છીએ કે ગામનો સરપંચ કે ધારાસભ્ય કે સંસદસભ્ય અસામાજિક તત્ત્વ/ગુંડાની  કેટેગરીમાં આવે તેવાં કેમ હોય છે? જેલમાં ગયેલા કેમ ચૂંટાય છે? ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારોમાં સેવા કરવાની ભાવના હોય છે કે સેવા લેવાની ભાવના હોય છે? ચૂંટણીમાં જે નાણાં વપરાય છે તે કાળું નાણું/ભ્રષ્ટનાણું કેમ હોય છે? શું ભ્રષ્ટ નાણાંના ઉપયોગથી ચૂંટાયેલ ઉમેદવાર પાસે નૈતિકતાની અપેક્ષા રાખી શકાય? સાધન શુધ્ધ ન હોય તો સાધ્ય શુધ્ધ હોઈ શકે?

આવામાં એક આશા છે ADR જેવી સંસ્થા, જે લોકશાહી માટે સતત પ્રયત્નશીલ છે. ADR-Association for Democratic Reforms નામની બિન રાજકીય, સ્વૈચ્છિક સંસ્થા ચૂંટણી/રાજકીય સુધારા કરવા; પારદર્શકતા લાવવા અને જવાબદારી નક્કી કરવા 1999 થી સંઘર્ષ કરે છે. તેનું હેડ ક્વાર્ટર ન્યૂદિલ્હી છે. આ સંસ્થાએ ઇતિહાસ રચેલ છે :

[1] ADRની અરજીઓના પરિણામે (મે 2002 અને માર્ચ 2003) સુપ્રિમકોર્ટ દ્વારા સંસદ અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી લડતા ઉમેદવારો માટે તેમના ગુનાઓ/નાણાકીય/શૈક્ષણિક પૃષ્ઠભૂમિ વિશે સંપૂર્ણ માહિતી જાહેર કરવા સ્વ-સોગંદનામું, ફોર્મ-26 ફાઇલ કરવાનું ફરજિયાત બન્યું !
[2] ADRએ CIC- સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન પાસેથી એક ઐતિહાસિક ચુકાદો મેળવ્યો, (એપ્રિલ 2008) જેથી રાજકીય પક્ષોના આવકવેરા રિટર્ન હવે આકારણી આદેશો સાથે જાહેર ડોમેનમાં ઉપલબ્ધ રહે છે.
[3] CICએ રાજકીય પક્ષોને પારદર્શક તેમજ તેમની કામગીરીમાં જવાબદાર બનાવવાના પ્રયાસમાં, છ રાષ્ટ્રીય પક્ષો BJP, INC, BSP, CPI, CPI(M) અને NCP ને જાહેર સત્તાવાળાઓ તરીકે જાહેર કર્યા, (જૂન 2013) તમામ છ પક્ષોએ CICના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો !  2015 માં, ADR દ્વારા CIC ના આદેશને માહિતી અધિકાર અધિનિયમ, 2005 ના પૂર્વાવલોકન હેઠળ લાવીને અમલ કરવા માટે સુપ્રિમકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.
[4] ADR દ્વારા લીલી થોમસ અને લોક પ્રહરી NGO દ્વારા દાખલ કરાયેલી અરજી પર (જુલાઇ 2013) સુપ્રિમકોર્ટે ચૂકાદો આપ્યો કે વર્તમાન સાંસદો અને ધારાસભ્યોને કાયદાની અદાલતમાં દોષિત ઠેરવવામાં આવે તો હોદ્દા પર રહી શકે નહીં !
[5] ADRએ EVM-ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર NOTA-None of the Above ના વિકલ્પ સાથે અલગ બટન રાખવા માટે અરજી (સપ્ટેમ્બર 2013) કરી હતી; જેથી 27 સપ્ટેમ્બર 2013 અને 2014 માં લોકસભા ચૂંટણી માટે EVM મશીનોમાં NOTA બટન દાખલ કરવામાં આવ્યું હતું.
[6] દિલ્હી હાઈકોર્ટે રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે ADR દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી (મે 2014) પર ભારત સરકાર અને ચૂંટણી પંચને નોટિસ જારી કરી હતી.
[7] ADRના પ્રયાસોથી; સાંસદો અને ધારાસભ્યોની અપ્રમાણસર સંપત્તિમાં વૃદ્ધિ અંગે લોક પ્રહરીની અરજી (ફેબ્રુઆરી 2018) પર, સુપ્રિમ કોર્ટે ઉમેદવારોને એફિડેવિટના ફોર્મ-26માં પત્ની અને આશ્રિતોની આવકના સ્ત્રોતો જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું હતું !

ભ્રષ્ટાચારના મૂળમાં પોલિટિકલી ફંડિંગ છે. ચૂંટણીમાં પૈસાની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. આર્થિક દ્રષ્ટિએ બકરી હાથીનો મુકાબલો કરી શકે નહીં ! આપણી ચૂંટણી પ્રથાની ખામી એ છે કે માત્ર 25% મત મેળવનાર ઉમેદવાર વિજેતા બની જાય છે. બીજા ચાર ઉમેદવારો વચ્ચે મતોની વહેંચણી થઈ જતા આવું બને છે ! સત્તાપક્ષ નાણાનો કોથળો ખૂલ્લો મૂકીને મતો તોડવા ઇરાદાપૂર્વક અપક્ષ ઉમેદવારો ઊભા રાખે છે ! જેની પાસે પૈસા છે તે આગળ નીકળી જાય છે; તે હોર્ડિગ/પોસ્ટર/જાહેરખબર/રેલી/મત ખરીદી માટે ખર્ચ કરી શકે છે. નાણાંની ભૂમિકા મર્યાદિત કરવામાં આવે તે લોકશાહીની તંદુરસ્તી માટે જરુરી છે. સંસદસભ્યની ચૂંટણીમાં 70 લાખ ખર્ચ કરવાની ઉમેદવાર માટે મર્યાદા છે; પરંતુ પક્ષ માટે કોઈ મર્યાદા નથી ! એક અંદાજ મુજબ 2019 ની લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડનો ખર્ચ થયો હતો. તેમાં 45% ખર્ચ એટલે કે 27,000 કરોડનો ખર્ચ સત્તાપક્ષે કર્યો હતો ! સત્તાપક્ષ પોતાના 500 ઉમેદવારો માટે 500 કરોડનો ખર્ચ કરે તે સમજી શકાય; પરંતુ 27000 કરોડનો ખર્ચ શું સૂચવે છે? વિચારો, આ જંગી નાણાએ ચૂંટણીને કેટલી પ્રદૂષિત કરી હશે ! પક્ષો વિદેશી ફંડ પણ મેળવે છે ! રફાલમાં કે કોર્પોરેટ મિત્રો સાથેના બીજા સોદામાં જે લાંચ લેવાય તે અંતે ચૂંટણી ફંડમાં આવી જાય છે ! સવાલ એ છે કે Why corrupt money decides who will rule us? આપણી ઉપર કોણ શાસન કરશે; તે ભ્રષ્ટાચારના નાણા શામાટે નક્કી કરે? ઉપાય શું? રાજકીય પક્ષોને કેટલા નાણા, કોની પાસેથી મળ્યા તેની સઘળી વિગત જાહેર ડોમેનમાં પ્રસિધ્ધ કરવા કાયદાથી બંધાયેલ હોવા જોઈએ. પારદર્શકતા ન હોય ત્યાં ગેરરીતિ/ભ્રષ્ટાચાર દ્રઢ બને છે. ADR આ માટે મથે છે; પરંતુ સત્તાપક્ષ ગાંઠતો નથી ! ઊંટ કાઢે ઢેકાં તો સત્તાપક્ષ કાઢે કાંઠા ! છતાં લોકોની જાગૃતિ જ સફળતા અપાવી શકે- હમ હોંગે કામયાબ એક દિન, મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ; હમ હોંગે કામયાબ એક દિન !

રમેશ સવાણી

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.