
કાજલ ઓઝા વૈદ્યની કલમે “ભુતકાળ”
દરેક વ્યક્તિ પાસે એક ભૂતકાળ હોય છે… એની સ્મૃતિ, એની સાથે જોડાયેલી સારી કે ખરાબ અનુભૂતિ, સુખ કે દુઃખ, પીડા કે પ્રસન્નતા… વ્યક્તિના મનમાં ક્યાંક સચવાઈને કે ધરબાઈને પડ્યાં હોય છે.
આપણે સ્મૃતિનો પ્રવાસ ટાળી શકતા નથી, વ્યક્તિ, વસ્તુ કે વિચાર સાથે જોડાયેલી આપણી સ્મૃતિ આપણને વારંવાર ભૂતકાળમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. આપણે જવું છે, પરંતુ જઈ શકતા નથી… ક્યારેક નથી જવું, તેમ છતાં મન ત્યાં લઈ જાય છે. આપણું શરીર રિવાઈન્ડ કે ફોરવર્ડ થતું નથી, પરંતુ મન એ જ કર્યાં કરે છે. મન ગમે તેટલા ધમપછાડા કરે, શરીરનો પ્રવાસ એનાથી જુદી જ દિશામાં હોય છે.
આપણા સૌના સંઘર્ષનું કારણ એ છે કે, આપણે મન સાથે પ્રવાસ કરવાનો મરણિયો પ્રયાસ કરતા રહીએ છીએ… જે શક્ય નથી, એ આપણને સૌને જોઈએ છે. અસ્તિત્વને કે જિંદગીને ફક્ત વર્તમાન સાથે સંબંધ છે. ભૂતકાળની ભૂલની સજા, ભલે વર્તમાનમાં મળતી હોય, પરંતુ ત્યાં જઈને એને સુધારી શકાતી નથી. ભૂતકાળમાં છૂટી ગયેલો સંબંધ કે તૂટી ગયેલું સપનું કદાચ ફરી મળે તો પણ એ બદલાઈને આપણી સામે આવે છે.
માણસ ફક્ત વર્તમાન પર અધિકાર ધરાવે છે. છૂટી ગયેલો, વિતી ગયેલો ભૂતકાળ કે આવનારો સમય એના હૃદય અને હસ્તરેખાને ઢંઢોળવાથી વાંચી શકાય, પરંતુ જીવી શકાતો નથી.
Source : Kajal oza vaidh FB wall
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button