સાહિત્યકારોનુ સાહિત્ય યુવાઓને પ્રેરણા આપે છે- ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયા

કસુંબીનો રંગ ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના ગીતો- લોકગીતો રજૂ કરાયા

પોરબંદરમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

પોરબંદરના બિરલા હોલ માં ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયા અને અધિકારીઓ તેમજ લોકગાયક કલાકાર વૃંદ ની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જિલ્લાની લાઇબ્રેરીઓને શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તકો પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આજની યુવાપેઢી ઝવેરચંદ મેઘાણી ના સાહિત્ય પ્રદાન થી માહીતગાર થાય, યુવાનો શ્રી ઝવેરચંદ મેઘાણી સહિતના સાહિત્યકારો ના પ્રદાન થી પ્રેરણા મેળવી ઉજ્જવળ ગુજરાત અને લોક સંસ્કૃતિ વિશે વિશેષ માહિતી મેળવે તે માટે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના સાહિત્યકારોએ ઇતિહાસ ની લોકસંસ્કૃતિ અને ભવ્યતા ખમીરી, લોકગીતો, લોકસંગીત લગ્ન ગીતો, દુહા છંદ તેમજ શોર્યતા ભરી વાર્તાઓ કથાઓ, નવલકથા કાવ્યો આપીને ભવિષ્યની પેઢી પણ ભારતની સંસ્કૃતિને જાણે અને દેશ માટે જીવે તે માટે મહામૂલા સાહિત્યનું પ્રદાન કર્યું છે તેમ જણાવી તેઓએ યુવાનોને લાઇબ્રેરીની મુલાકાત લેવા અને ઝવેરચંદ મેઘાણી સહિતના સાહિત્યકારો ના સાહિત્ય વાંચવા શીખ આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખરીયા અને અધિક કલેક્ટરે એમ. કે .જોષી સહિતના મહાનુભાવોના હસ્તે પોરબંદર રાણાવાવ અને કુતિયાણા ની લાઇબ્રેરીઓ ને શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તકો પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી ઝવેરચંદ મેઘાણી ના જીવન અને તેના સાહિત્યપ્રદાનને મૂલવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ ઉપસ્થિત યુવાનો વિદ્યાર્થીઓ અને સૌ પ્રબુદ્ધ નાગરિકોએ નિહાળી હતી.

આ પ્રસંગે સ્થાનીક ગાયકવૃંદ કલાકાર શ્રી રાજુભાઇ બારોટ, મુળુભાઈ બારોટ અને બહેનોએ શ્રી ઝવેરચંદ મેઘાણીના ગીતો લોકગીતો અને અન્ય લોકસાહિત્ય રજૂ કર્યુ હતુ.

આ તકે શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી .કે અડવાણી ,રાણાભાઈ સીડા, જીવણભાઈ, નાયબ કલેકટર શ્રી કે.વી બાટી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા .યુવા વિકાસ અધિકારી શ્રી મકવાણા અને પોલીટેકનીક કોલેજના પ્રિન્સીપાલ શ્રી કાલરીયા અને સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન શ્રી નીરવ જોશીએ કર્યું હતું.