આજે ટોક્યો ઓલિમ્પિક 2020નો છેલ્લો દિવસ છે. આજે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. આ પછી આગામી ઓલિમ્પિક 2024માં પેરિસમાં યોજાશે. ટોક્યો ઓલિમ્પિક 2020ના સમાપન સમારંભમાં ભારત તરફથી કોણ ધ્વજવાહક હશે તેની પણ પુષ્ટિ થઈ ગઈ છે. ભારત માટે ઓલિમ્પિક સમાપન સમારોહમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા નહી પરંતુ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયા ધ્વજવાહક હશે.
સમાપન સમારોહમાં બજરંગ તિરંગો પકડશે
ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહમાં દેશનો તિરંગો પકડતો જોવા મળશે. કોરોના મહામારી વચ્ચે સફળતાપૂર્વક સમાપ્ત થયેલ ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહની જેમ, સમાપન સમારોહ પણ ટોક્યોના નેશનલ ઓલિમ્પિક સ્ટેડિયમમાં યોજાશે. સમાપન સમારોહ ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકે શરૂ થશે.
ઓલિમ્પિક ધ્વજ પેરિસના મેયર એની હિડાલ્ગોને સોંપવામાં આવશે
ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરી કોમ ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદઘાટન સમારોહમાં ભારત માટે ધ્વજવાહક બન્યા. હવે સમાપન સમારોહમાં બજરંગ પુનિયા તેની જગ્યા લેશે. સમાપન સમારોહમાં ટોક્યોના ગવર્નર યુરીકો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રમુખ થામસ બાચને ઓલિમ્પિક ધ્વજ આપશે. ત્યારબાદ ઓલિમ્પિક ધ્વજ પેરિસના મેયર એની હિડાલ્ગોને સોંપવામાં આવશે.
ફ્રાન્સનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે
સમાપન સમારોહના અંતે ફ્રેન્ચ રાષ્ટ્રગીત રજૂ થયા બાદ સ્ટેડિયમમાં ફ્રેન્ચ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ સાથે, ટોક્યો ઓલિમ્પિક 2020 સમાપ્ત થશે અને તમામ દેશોના રમતવીરો પેરિસ ઓલિમ્પિક 2024ની તૈયારી શરૂ કરશે.