કોવિડ હૉસ્પિટલના એચ.આર. કમ સુપરવાઈઝર એલ.બી. પ્રજાપતિ અને સુપરવાઈઝર અકબરઅલીની અટકાયત: બહુચર્ચિત પ્રકરણમાં બન્ને આરોપીને ઉઠાવી લઈ કોવિડ રિપોર્ટ માટે કાર્યવાહી: અન્ય કોની-કોની સંડોવણી? એ મામલે તપાસનો ધમધમાટ: આરોપીઓની રિમાન્ડ બાદ અનેકના નામ ખૂલવાની પણ શક્યતા: એક સપ્તાહથી ચાલતી મડાગાંઠ ફરિયાદ બાદ ઉકેલાઈ
ગત્ મંગળવાર તા.15ના રોજ જામનગરના નંબર વન સાંધ્ય દૈનિક ‘આજકાલ’માં સૌ પ્રથમ કોવિડ હૉસ્પિટલના કથિત યૌન શોષણના સનસનીખેજ પ્રકરણ પરથી પર્દો ઉઠાવવામાં આવ્યો હતો અને પીડિત યુવતિએ આપેલા ચોંકાવનારા નિવેદનનો અહેવાલ પ્રથમ પાને મૂક્યો હતો, એક સપ્તાહ સુધી આ પ્રકરણમાં ભારે ઉતાર-ચઢાવ આવ્યા બાદ અનેક લડતો થયાં બાદ આખરે અપરાધીઓ સામે ગુનો નોંધાયો છે અને સત્યને ઉજાગર કરવામાં ફરી એક વખત ‘આજકાલ’ દૈનિક અગ્રેસર રહ્યું છે. (તા.15ના રોજ પ્રસિદ્ધ કરાયેલ અહેવાલનું કટિંગ સાથે મૂકાયું છે)
જામનગર સહિત ગાંધીનગર સુધી ગાજેલા સરકારી કોવિડ હૉસ્પિટલના યૌન શોષણ પ્રકરણમાં આખરે ગુનો નોંધાતા બે આરોપીને રાતોરાત પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે, બન્નેની કોવિડ રિપોર્ટની તજવીજ હાથ ધરાઈ છે. એ પછી રિમાન્ડ બાદ આ બહુચર્ચિત પ્રકરણમાં અનેકના નામ ખૂલશાની શક્યતા સૂત્રો દ્વારા સેવાઈ રહી છે અને આગામી દિવસોમાં હજુ કેટલાંક કડાકા-ભડાકા થવાની અને અનેકને રેલો આવવાની શક્યતા છે. પોલીસ દ્વારા જાતિય સતામણીની ફરિયાદ દાખલ કરીને જુદી-જુદી દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે.
જામનગરની જીજીની કોવિડ હૉસ્પિટલમાં અટેન્ડન્ટ યુવતિઓ દ્વારા શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આવેદપત્રો આપી રજૂઆત કરવામાં આવી હતી અને અહેવાલોના આધારે મામલો ગાંધીનગર સુધી ગાજ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સહિત ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગંભીર નોંધ લઈને તાકિદની અસરથી જવાબદારો સામે આકરા પગલાં લેવાશે તેવા નિર્દેશ આપ્યા હતાં.
રાજ્ય સરકારના આદેશ છૂટ્યાં બાદ જામનગર જિલ્લા કલેકટર દ્વારા તાકિદની અસરથી તપાસ કમિટિની રચના કરવામાં આવી હતી. જેમાં એસડીએમ, ડેન્ટલ કૉલેજના ડીન અને એએસપીની કમિટિએ ભોગ બનનાર અને જે તે વખતે કોવિડમાં અટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હંગામી કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતાં. દરમિયાનમાં નિવેદનો બાબતે પણ કેટલાંક ગંભીર આક્ષેપો કરાયાં હતાં. અટેન્ડન્ટ યુવતિઓ દ્વારા આરોપીઓ સામે યૌન શોષણ અને સંબંધ રાખવા દબાણ કરાતું હોવા સહિતના આક્ષેપો કરાયા હતાં અને પ્રકરણ એક સપ્તાહ સુધી ભારે ગાજ્યું હતું.
તપાસ કમિટિ દ્વારા નિવેદનો સહિતની કાર્યવાહી કરીને આ અંગેનો રિપોર્ટ જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યો હતો આ રિપોર્ટ ગૃહ વિભાગને મોકલાયો હતો અને ત્યાંથી નિર્દેશ આવ્યા બાદ ગઈકાલે સવારથી જ આ બહુચર્ચિત પ્રકરણમાં વિધિવત્ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા યૌન શોષણકાંડમાં કોવિડ હૉસ્પિટલના એજન્સીના એચ.આર. લોમેશ બી. પ્રજાપતિ અને સુપરવાઈઝર અકબરઅલી આમદ નાયક-પઠાણની સામે આઈપીસી કલમ 354, 354 (એ), 354 (બી), 509, 114 કલમો હેઠળ ગુનો સિટી ‘બી’ ડિવિઝનમાં નોંધાવામાં આવ્યો હતો. ફરિયાદ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હૉસ્પિટલમાં મેન પાવર પૂરો પાડતી એજન્સીના એચ.આર. મેનેજર કમ સુપરવાઈઝર એલ.બી. પ્રજાપતિ અને અકબરઅલી પઠાણને તુરંત ઉઠાવી લેવામાં આવ્યા હતાં.
એએસપી નિતેશ પાંડેની સૂચનાથી બન્ને આરોપીને ઉપાડી લઈ પ્રાથમિક પૂછપરછ માટે એલસીબી કચેરીએ લઈ જવામાં આવ્યા હતાં અને ત્યાંથી રાત્રિના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં. આ પ્રકરણમાં તપાસ દરમિયાન જેની સંડોવણી સામે આવશે તે તમામની અટકાયત કરવામાં આવશે અને મુખ્ય ફરિયાદમાં આરોપીઓના નામનો ઉમેરો કરવામાં આવશે. અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે? એ દિશામાં તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર યૌન શોષણ પ્રકરણમાં આખરે જાતિય સતામણીની ફરિયાદ દાખલ થતાં અને બન્ને આરોપીને અટકમાં લઈને પોલીસ દ્વારા કોવિડ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે રિપોર્ટ બાદ બન્ને આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની કાર્યવાહી દરમિયાન જેની-જેની સંડોવણી સામે આવશે તેની સામે કાર્યવાહી કરાશે.
આખરે પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધતા પીડિત યુવતિઓને ન્યાય મળ્યો છે બીજી બાજુ મહિલા સંગઠ્ઠન દ્વારા ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે લાલ બંગલા સર્કલ ખાતે ગઈકાલે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આખરે ગુનો દાખલ થતાં ધરણાં સમેટાયાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક સપ્તાહ સુધી તોફાન મચાવનાર પ્રકરણમાં અનેક ચઢાવ-ઉતાર બાદ રાજકીય પક્ષો દ્વારા રજૂઆતો કરાઈ હતી અને ન્યાયની માંગણી મૂકીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆતો કરવામાં આવી હતી.
તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર કરો
જામનગરના યૌન શોષણકાંડમાં તપાસ કમિટિ દ્વારા રિપોર્ટ કલેકટરને સોંપાયો હતો અને તે પછી ફરિયાદ દાખલ થઈ છે. બીજી બાજુ આ પ્રકરણની તપાસ માટે અમદાવાદથી આવેલ ઑલ ઈન્ડિયા મહિલા સેવા સંગઠ્ઠનના ગુજરાત રાજ્ય કન્વિનર તેમજ સામાજિક મહિલા કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસ કમિટિનો રિપોર્ટ જાહેર કરવામાં આવે અને કસુરવારો સામે કાયદાકીય પગલાં લઈને કાર્યવાહી કરાય તેવી માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
એલ.બી. પ્રજાપતિએ વેકસિનના બે ડોઝ લીધા પછી પણ સંક્રમિત થયો હતો
જામનગરની સરકારી જીજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવતા અને યૌન શોષણ મામલાના મુખ્ય સૂત્રધાર એવા એલ.બી. પ્રજાપતિએ વેકશિનના બન્ને ડોઝ મેળવી લીધા હતા, પણ પોતે ગત એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમિત બન્યો હતો અને જીજી હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર મેળવી હતી અને હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેના પાંચમાં દિવસે કોરોના મુક્ત બન્યો હોવાથી જીજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે દિવસે જ સાંજે કોરોનાની મહામારીના કારણે પોતાની ફરજ પર ચડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બન્ને આરોપીને અટકમાં લઈ પૂછપરછ ચાલુ: એએસપી નિતેશ પાંડે
ભારે ચકચારી કોવિડ હૉસ્પિટલના યૌન શોષણ પ્રકરણમાં ફરિયાદ દાખલ થઈ છે. દરમિયાનમાં આજે તપાસ કમિટિમાં રહેલાં જામનગરના એએસપી નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, જીજી કોવિડ હૉસ્પિટલના એક મહિલા અટેન્ડન્ટ-ભોગ બનનાર દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ આપવામાં આવી છે, જેમાં બે આરોપી એલ.બી. પ્રજાપતિ અને અકબરઅલીના નામ આપતાં બન્નેને અટકમાં લઈને પૂછપરછ અંગેની કાર્યવાહી ચાલુ છે. બન્ને આરોપીની સામે આઈપીસી કલમ 354, 354 (એ), 354 (બી), 509, 114 મુજબ ગુનો દાખલ થયો છે. પ્રાથમિક ફરિયાદમાં બે નામ ખૂલ્યા છે આગળ તપાસ થશે જે અનુસાર કાર્યવાહી વધારવામાં આવશે.