ઇઝરાયલના રા’મ પાર્ટીના મંસૂર અબ્બાસ, જે કિંગમેકર બનીને ઊભર્યા

હાલમાં જ્યારે ઇઝરાયલ પોતાના સૌથી ખરાબ સાંપ્રદાયિક રમખાણો સામે ઝઝૂમી રહ્યું હતું ત્યારે કોઈને આશા નહોતી કે અહીં કેટલાક દિવસોમાં જ એક અનોખી રાષ્ટ્રીય એકતાની સરકારનું ગઠન થઈ શકે છે, જેમાં દરેક વિચારની પાર્ટીઓ- દક્ષિણપંથી, મધ્યમાર્ગી અને વામપંથી- તો સામેલ થશે જ, સાથે જ એક મહત્ત્વપૂર્વ આરબ પાર્ટી પણ તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

આ ઇઝરાયલ માટે એક ઐતિહાસિક તક છે, જે 1948માં તેના નિર્માણ બાદથી લઈને અત્યાર સુધી અકલ્પનીય હતો.

રાજનીતિક અસ્થિરતાની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા ઇઝરાયલમાં તેની શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે, પણ હાલના તણાવને કારણે તેમાં અડચણ પેદા થઈ છે. એવું લાગતું હતું કે એ એક સપનું બનીને રહી જશે.

જો આ સરકાર બને અને ઇઝરાયલી સંસદમાં તેને મંજૂરી મળે તો સામુદાયિક સ્તરે ખરાબ રીતે વિભાજિત આ ક્ષેત્ર માટે ચોક્કસ રીતે મહત્ત્વની પહેલ અને પ્રયોગ સાબિત થશે.

આ સરકારની ખાસ વાત એ હશે કે તેમાં સામેલ દરેક પાર્ટીઓનું પોતાનું વિશેષ મહત્ત્વ હશે અને બધાનો સહયોગ અનિવાર્ય હશે.

સરકારમાં સામેલ થશે અબ્બાસ

120 સભ્યોની ઇઝરાયલી સંસદમાં માત્ર 61 સભ્યોના સમર્થનથી બનનારી આ સરકાર માટે પોતાના કાર્યકાળમાં એક પણ દિવસ સહજ રહેવાનો નથી.

ઉલ્લેખનીય છે કે સરકારમાં સામેલ આરબ પાર્ટી, રા’મ (Ra’am) બહારથી સરકારનું સમર્થન નથી કરતી પણ તેનો ભાગ છે.

દૈનિક હ’આરેત્ઝના પત્રકાર અંશેલ ફેફરે વિપક્ષી નેતા યાઇર લાપીદ દ્વારા રાષ્ટ્રપતિ રુવેન રિવલિનને સરકાર ગઠન માટે પૂરતું સમર્થન મેળવવાની સૂચના આપ્યાના કેટલાક કલાકો પહેલાં એક ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું હતું, “આજ રાત અને વિશ્વાસમત થવાના દિવસોમાં ભલે કંઈ પણ થાય, આ એક ઐતિહાસિક તસવીર છે. એક આરબ-ઇઝરાયલી પાર્ટીના નેતા અને એક યહૂદી-રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા એકસાથે સરકારમાં સામેલ થવા માટે કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે.”

તેમણે ટ્વીટની સાથે જ રા’મ પાર્ટીના પ્રમુખ મંસૂર અબ્બાસની એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેઓ દક્ષિણપંક્ષી યામિના પાર્ટીના નેતા નેફ્ટાલી બૅનેટ અને સેંટ્રિસ્ટ યશ અતીદના યાઇર લાપીદની સાથે ગઠબંધનના કરાર પર હસ્તાક્ષર કરતા જોવા મળે છે.

પહેલી વાર આરબ નેતાની ભાગદારી, ગઠબંધન સરકાર કેટલા દિવસ ચાલશે એ પણ એક સવાલ છે

આ તસવીર ગુરુવારે દેશમાં ચર્ચાનો વિષય બની હતી અને બધા મીડિયા આઉટલેટ આ “ઐતિહાસિક ક્ષણ” અંગે વાત કરવા લાગ્યા. આ અગાઉ કોઈએ કોઈ આરબ નેતા કે પાર્ટીના ઇઝરાયલી સરકારમાં સામેલ થવાની કલ્પના પણ નહોતી કરી.

આ ખાસ ઉપલબ્ધીથી ઇઝરાયલમાં એક આશાવાદી વલણ નજરે ચઢે છે. રસ્તાઓ અને મીડિયામાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લોકોને આભાસ છે કે આ એક સરળ પ્રયોગ નથી, પણ વસતીનો મોટો ભાગ તેના પ્રત્યે અનુકૂળ વલણ દર્શાવતો નજરે ચડે છે. સાથે જ આ નવા ડેલવપમૅન્ટે ઘણા સવાલો પણ ઊભા કર્યા છે.

એ વાત પર ખાસ ચર્ચા થઈ રહી છે કે એ કોણ આરબ નેતા છે જે પરંપરાથી હઠીને આટલો મોટો નિર્ણય લઈ રહ્યો છે. શું આ સરકાર લાંબો સમય ટકી શકશે? આ ગઠબંધનની ઇઝરાયલની અંદર, ક્ષેત્રીય રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શું અસર થશે?

યુનાઇટેટ આરબ લિસ્ટ કે રા’મ પાર્ટીના પ્રમુખ ડૉક્ટર મંસૂર અબ્બાસ વ્યવસાયે દંત ચિકિત્સક છે. 47 વર્ષીય અબ્બાસનો જન્મ ઇઝરાયલના ઉત્તર ભાગમાં થયો હતો.

તેઓ યુવાવસ્થાથી રાજનીતિમાં સક્રિય છે અને હિબ્રુ વિશ્વવિદ્યાલયમાં આરબ વિદ્યાર્થી સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે. વર્તમાનમાં તેઓ હાઈફા વિશ્વવિદ્યાલયમાંથી પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યા છે.

ડૉક્ટર અબ્બાસ ઇસ્લામી આંદોલનની દક્ષિણ શાખાના ઉપાધ્યક્ષ પણ છે. જોકે તેઓ ઇઝરાયલના ઉત્તર વિસ્તારના રહેવાસી છે, પણ દક્ષિણ વિસ્તારોમાં તેની બોલબાલા છે.

તેમને ઇઝરાયલના દક્ષિણ વિસ્તારોમાં બહોળું સમર્થન મળ્યું છે, જેના કારણે તેમની પાર્ટી બધી અટકળોને ફગાવીને સંસદમાં સ્થાન બનાવી શકી છે. ઇઝરાયલી ચૂંટણી નિયમો અનુસાર, કોઈ પણ પાર્ટીએ સંસદમાં સામેલ થવા માટે ઓછામાં ઓછા 3.25 ટકા મત મેળવવાના હોય છે.

એક સમયે આ નિયમોને બનાવવાનું કારણ આરબ પાર્ટીઓને સંસદથી દૂર રાખવાનું હતું, પણ તેના કારણે તેમનામાં એકતા થઈ અને છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં બધી અરબ પાર્ટીઓએ મળીને ચૂંટણી લડી છે.

જોકે અબ્બાસનો અન્ય આરબ પાર્ટીઓ સાથે સૈદ્ધાંતિક મતભેદ નજરે આવ્યો અને તેમણે તેમનો સાથ છોડવાનું નક્કી કર્યું. આ નિર્ણયને ઘણા લોકોએ આત્મઘાતી ગણાવ્યો અને શરૂઆતમાં એવું લાગતું હતું કે તેઓ લઘુતમ સરેરાશ મતની કસોટી પર પણ સફળ નહીં થાય.

મંસૂર અબ્બાસને નજીકથી જાણનારા લોકો કહે છે કે સૌમ્ય સ્વભાવના અબ્બાસ સૈદ્ધાંતિક મૂલ્યો પર અડગ રહે છે, પછી તેના માટે તેમને ગમે તેવી કિંમત કેમ ન ચૂકવવી પડે.

નવાઈની વાત એ છે કે જે વાતને લઈને તેમનો અન્ય દિગ્ગજ આરબ નેતાઓ સાથે મતભેદ હતો, કોઈને આશા નહોતી કે તેમાં તેમને સફળતા મળશે.

અબ્બાસનું માનવું છે કે ઇઝરાયલમાં આરબ વસતીના વિકાસ માટે જરૂર છે કે તેમના નેતા મુખ્ય ધારાની યહૂદી પાર્ટીઓ સાથે મળીને કામ કરે.

ચૂંટણી પહેલાં જ્યારે તેમણે આ વાત સ્થાનિક મીડિયા સામે મોકળાશથી કરી તો આરબ નેતાઓએ તેમની સામે અભિયાન છેડ્યું.

તેમ છતાં તે એ વાતને દોહરાવતા રહ્યા અને તેનું તેમને પરિણામ પણ ભોગવવું પડ્યું. અન્ય આરબ પાર્ટીઓએ અંતિમ ચૂંટણીમાં તેમની પાર્ટીને પોતાના ગઠબંધનમાં સામેલ કરવાનો ઇનકાર કરી દીધો.

ચૂંટણીપ્રચાર શરૂ કરતાં પહેલાં જ ડૉક્ટર અબ્બાસે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી સંસદમાં પહોંચે તો કોઈ પણ મુખ્ય ધારાની યહૂદી પાર્ટી સાથે કામ કરવા માટે તૈયાર છે, જે આરબ લોકોના વિકાસ માટે તેમની શરતોને માનવા માટે રાજી થઈ જાય.

આ વિચાર સાથે અબ્બાસ વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુને પણ સાથ આપવા માટે તૈયાર હતા, પણ તેમના ગઠગંધનમાં સામેલ દક્ષિણપંથી પાર્ટીઓ તેમની પાર્ટી સાથે હાથ મિલાવવામાં અસહજ અનુભવતી હતી.

ઇઝરાયલી આરબ વસતીને આ વિચાર પર તૈયાર કરવી અને તેમનું સમર્થન મેળવવું અશક્ય માનવામાં આવતું હતું, પણ અબ્બાસ તેમાં સફળ રહ્યા. આ સફળતા એ લોકો માટે આશાનું કિરણ છે, જેઓ આરબ-યહૂદી સમુદાય વચ્ચે સારા સંબંધોના હિમાયતી છે.

અબ્બાસ અને અન્ય આરબ નેતાઓના વિચારમાં વધુ એક મોટો ફરક છે. અબ્બાસ ઇઝરાયલી હોવા પર અસહજ નથી અનુભવતા અને પોતાની ઓળખનો ખૂલીને ઉલ્લેખ કરે છે.

તેઓ પેલેસ્ટાઇનિયનો સાથે શાંતિ માટેના સમર્થક છે અને તેમનું માનવું છે કે એવું થવાથી ઇઝરાયલને ઇસ્લામી દુનિયામાં આપોઆપ કબૂલ કરી લેવાશે.

અબ્બાસે હાલમાં અબ્રાહમ અકૉડર્સનો એમ કહીને વિરોધ કર્યો હતો કે જો પેલેસ્ટાઇનીઓ સાથે સંધિ થઈ જાય તો ઇઝરાયલને અરબ મુલ્કો સાથે એક-એક કરીને સંબંધ જોડવાની જરૂર નહીં પડે.

તેઓ ઇસ્લામિક મૂવમેન્ટ ચાર્ટરના સૂત્રધાર અને લેખક પણ છે, જે ‘વાસતિયા ઇસ્લામ’ને પુષ્ટ કરે છે. આ એક ઉદારવાદી વિચારવાળી મૂવમેન્ટના રૂપમાં સામે આવી છે, જેમાં સામાજિક સુધારા પર વિશેષ ભાર આપવામાં આવે છે.

સરકારના ગઠનને લઈને અબ્બાસની રાષ્ટ્રીય એકતાની મોટા ભાગની શરતો તેનાથી પ્રેરિત છે અને તેમણે ભાર આપ્યો છે કે ઇઝરાયલના અરબ ક્ષેત્રમાં અપરાધ અને હિંસાના મુકાલબા કરવા પર ભાર અપાશે. તેઓ આરબ સમાજમાં અપરાધ ઉન્મૂલન પર સંસદની વિશેષ સમિતિના અધ્યક્ષ રહ્યા છે અને એવું પ્રતીત થાય છે કે તેઓ આ કામને લઈને બહુ ગંભીર છે.

ઇઝરાયલના રાજકારણમાં કેવી રીતે સ્થાન બનાવ્યું?

જાણકાર સૂત્રોના અનુસાર, તેમણે આ લક્ષ્યને મેળવવા માટે વિશેષ વ્યવસ્થા કરવાની શરત રાખી હતી અને વિસ્તારથી તેની રૂપરેખા પર પણ ચર્ચા કરી છે.

ઘણા જટિલ મામલાઓમાં ધ્યાન આપવાને બદલે ડૉક્ટર અબ્બાસે વ્યાવહારિક વલણ અપનાવતા આરબ સમાજના આંતરિક વિકાસ પર ભાર આપ્યો છે. તેમની બધી શરતો આરબ વસ્તીની રોજિંદી સમસ્યાઓના સમાધાન અને તેમના જીવનસુધારણાનાં ચોક્કસ પગલાં ભરવાં સાથે જોડાયેલી છે.

ચૂંટણી બાદ ઍક્ઝિટ-પોલમાં કહેવાયું હતું કે તેમની પાર્ટી લઘુતમ સરેરાશ મતની શરતો પૂરી કરી શકે, પણ તેઓ સતત આત્મવિશ્વાસથી ભરપૂર રહ્યા અને કહેતા રહ્યા કે તેઓ સફળ થશે.

તેમની એવી સફળતા મળી કે ચૂંટણી બાદ તેમને કિંગમેકરનો ખિતાબ મળ્યો અને ચોક્કસ કોઈ નવા સરકાર બનશે તો તેઓ તેના કિંગમેકર સાબિત થશે.

જોકે એ વાતનો પણ ઇનકાર ન કરી શકાય કે પ્રસ્તાવિત રાષ્ટ્રીય એકતાની સરકાર તમામ વિરોધાભાસથી ઘેરાયેલી છે. ઇઝરાયલી રાજનીતિક સ્પેક્ટ્રમની દરકે વિચારની પાર્ટીઓ તેમાં સામેલ છે.

ભાગ્યે જ એવો કોઈ મુદ્દો હશે, જેના પર બધી પાર્ટીઓ વચ્ચે સર્વસંમતિની કલ્પના કરી શકાય. આથી સરકાર માટે એક-એક દિવસ કાઢવો પડકાર બનવા જઈ રહ્યો છે.

કોઈ પણ નાનો કાંકરો ભૂકંપનું રૂપ લઈ શકે છે અને સરકાર પાડી શકે છે.

કેટલા દિવસ ચાલશે નવી સરકાર?

નવી સરકારની સફળતા એ વાત પર આધાર રાખે છે જેણે આ કલ્પનાને હાલમાં કારગત બનાવી છે. કરાર આ સરકારની ચાવી અને એ કેટલા દિવસ ટકશે એ પણ તેના પર નિર્ભર છે.

જે રીતે તેના ગઠન દરમિયાન બધાને તેનો પરિચય આપ્યો છે, એવી જ રીતે આગળ પણ કરતા રહ્યા તો તેના લાંબા ચાલવાની કલ્પના પણ કરી શકાય છે. આમ તો રાજનીતિ અસંખ્ય ભાવનાઓનો ખેલ છે અને ઇઝરાયલી રાજનીતિ પણ તેમાં અપવાદ નથી.

નવી સરકારના ગઠન બાદ સત્તાસુખથી વંચિત પાર્ટીઓનો તેની તરફ ઝોક કરવાની શક્યતાને પણ નકારી ન શકાય.

બે અઠવાડિયાં પહેલાં ઇઝરાયલ તેના સૌથી ખરાબ તણાવમાંથી પસાર થઈ રહ્યું હતું. હવે ધીમેધીમે ઘા ભરાતા નજરે ચડે છે અને એવું લાગતું હતું કે ગાઝાસ્થિત ચરપમંથી સંગઠન હમાસની ઇઝરાયલમાં બોલબાલા મજબૂત થઈ છે. અબ્બાસનું ઇઝરાયલી સરકારમાં સામેલ થવા આ દાવાને કેટલીક હદે ખોખલો કરે છે.

તણાવ દરમિયાન અબ્બાસે ગઠબંધન સરકારના ગઠન સંબંધિત વાતચીત બંધ કરી દીધી હતી, પણ હવે એવું લાગે છે કે તેઓ પોતાના સમર્થકોને સાથે લઈને આગળ વધી રહ્યા છે.

એવામાં હમાસના આખી પેલેસ્ટાઇન આબાદીને નેતૃત્વ કરવાના ઇરાદાને ઠેસ પહોંચી છે. આમ પણ ઇઝરાયલી આરબ વસ્તીમાં વિવિધતા જોઈ શકાય છે, જ્યાં પૂર્વ જેરૂસલેમમાં હમાસની મજબૂત પકડ જોઈ શકાય છે, તો ઉત્તરના વિસ્તારોમાં જ્યાં ઇઝરાયલી નાગરિકતાવાળા મોટા ભાગના આરબ રહે છે અને તેમની વિચારધારા ઘણી અલગ છે.