માસ પ્રમોશનનો નિર્ણય ખતરનાક સાબિત થઈ શકે : ડો.ચિંતન વૈષ્ણવ

ડો.ચિંતન વૈષ્ણવ – પૂર્વ મામલતદાર

આપણે જાણીએ જ છીએ કે ભાજપ સરકાર એટ્લે અનિર્ણાયક સરકાર. છેલ્લા કેટલાય સમયથી ઘણી બધી બાબતોમાં ગુજરાત સરકાર દ્વારા વિચાર્યા વગરના અને ઉતાવળિયા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને પછી તરત જ લીધેલા નિર્ણયોને બદલાવવા પડ્યાના અનેક દાખલાઓ તાજા જ છે. કોરોના સંક્રમણ લગત નિર્ણયોથી લઈને બોર્ડના વિધાર્થીઓની પરીક્ષા નહી લેવા સુધીની અગત્યની બાબતોમાં ગુજરાત સરકાર પોતાનું ભેજું ચલાવવાને બદલે મોટા ભાગે કેન્દ્ર સરકારની નકલ કરતી હોવાનું વલણ જોવા મળે છે. આપણે ત્યાં જૂની કહેવાત છે કે નકલમાં અક્કલ ન હોય. હાલમાં જ લેવામાં આવેલ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ નહીં લેવાના ગુજરાત સરકારના વગર વિચાર્યે લેવામાં આવેલા તદ્દન ખોટા નિર્ણયો આગામી સમયમાં વિધાર્થીઓના ભાવિ માટે ખૂબ જ જોખમકારક સાબિત થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

કેટલાક મિત્રોને એમ થશે કે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં શિક્ષણમંત્રી સહિત અન્ય ચાર કેબિનેટ કક્ષાના સિનિયર મંત્રિશ્રીઓ સહિત શિક્ષણ બોર્ડના સચિવ સહિતના બોર્ડ મેમ્બર્સે સાથે મળીને આ નિર્ણય લીધો છે એ યોગ્ય જ હોય. ઘણાને એમ પણ થતું હશે કે મને તો સરકારની વિરુદ્ધમાં લખવાની ટેવ જ પડી ગઈ છે. પણ હકીકતે એવું નથી મિત્રો. મારા મમ્મી પણ શિક્ષક જ હતા અને હું પોતે શિક્ષણશાસ્ત્રમાં પીએચ.ડી. (વિધાવાચસ્પતિ) ની લાયકાત ધરાવું છું. એટ્લે જ મારા નામની આગળ ‘ડો.’ લાગે છે. વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની અભ્યાસલક્ષી મુંઝવણના ઉકેલ માટે મે ‘ગુરુકિલ્લી’ નામથી એક પુસ્તક પણ લખ્યું છે. હું શિક્ષણવિદ તો નથી પરંતુ મને એટલી ખાતરી છે કે ચુંટણીમાં ગફલા કરીને મંત્રી બનેલા પ્રૌઢ વ્યક્તિ તેમજ રાષ્ટ્રભાષાની અજ્ઞાનતા ધરાવતા પાણીદાર મંત્રી કરતાં તો મને શિક્ષણક્ષેત્રમાં વધારે ખબર પડે છે.

▪️ હકીકતે આપણે મેકોલે પધ્ધતિથી શિક્ષણ મેળવતા આવીએ છીએ. આપણે ત્યાં શાળા એક ફેક્ટરી સમાન છે કે જેમાથી ઓછી ટકાઉ એવી તૈયાર પ્રોડક્ટ બહાર પડે છે. આપણે ગોખણપટ્ટીને વધુ મહત્વ આપીએ છીએ. પરિણામે આપણે ત્યાં કારકુનો પેદા થાય છે. સ્વતંત્ર વિચારસરણી વાળો દેશનો સાચો નાગરિક પેદા નથી થતો. એ કારણે જ આપણે બધા પણ એવું માનીએ છીએ કે સરકાર સંવેદનશીલ છે અને વિધાર્થીઓના હિતમાં નિર્ણય લઈને બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી દીધી. હાલમાં લેવામાં આવેલો નિર્ણય જૂજ વાલીઓ અને જૂજ વિધાર્થીઓને ખુશ રાખવાના અને મતબેંક સાચાવવાના હેતુસર લેવામાં આવેલ નિર્ણય છે. લાંબા ગાળાનો વિચાર કરીને લેવામાં આવેલ નિર્ણય આવો ન જ હોય. કારણકે ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ પછી જ્યારે વાલીઓ અને વિધાર્થીઓ પોતાનું ભવિષ્ય નક્કી કરતાં હોય છે, કઈ લાઇનમાં પ્રવેશ મેળવવો, ડોકટર બનવું, એંજિનિયર બનવું, કોમર્સમાં સ્નાતક થવું, બિઝનેસ મેનેજમેંટ કરવું… વગેરે નિર્ણયો ધોરણ 12 ના પરિણામ પર જ આધારિત હોય છે. આ પરિણામના આધારે જ આગળ અભ્યાસ માટે કોલેજમાં પ્રવેશ મળતો હોય છે. વિદેશ ભણવા જવા ઇચ્છતા વિધાર્થીઓ માટે પણ ધોરણ 12 ની માર્કશીટ ખૂબ જ મહત્વ ધરાવે છે.

▪️ વિચારો કે વર્ષ 2021 ને અન્ય દેશોની શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતે મૂલવશે. વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિધાર્થીની માર્કશીટમાં માસ પ્રમોશન લખેલું આવશે તો તેના આધારે હોંશિયાર અને ઠોઠ બંને વિધાર્થીને સરખા ગણવાના ? જે વિધાર્થી ધોરણ 12 માં પાસ થઈને આગળ જવા સક્ષમ જ નથી તેવા વિધાર્થીના ફાયદા સામે મહેનતુ વિધાર્થીઓને હળાહળ અન્યાય થયો છે. ધોરણ 10 ની માર્કશીટમાં ગણિત અને વિજ્ઞાન વિષયના માર્ક્સ આધારે જ તો બાળકો અને વાલીઓ કયા પ્રવાહમાં આગળ વધવું એ નક્કી કરતાં હોય છે. બધા જ વિધાર્થીઓને સામૂહિક રીતે પ્રમોશન આપ્યા બાદ શું આપણે ધોરણ 11 મા બધા જ વિધાર્થીઓને એડમિશન આપી શકીએ એટલી સ્કૂલો અને એટલી સીટો છે ખરી ? જો હોય તો પણ કોરોના કાળમાં મર્યાદિત સંખ્યામાં ફિઝીકલ ડિસ્ટન્સ જાળવીને વર્ગોમાં અભ્યાસ કરાવવું શક્ય બનશે ? આ બધા જ વિધાર્થીઓને ભણાવી શકે એટલી માત્રામાં શિક્ષકો આપણી પાસે છે ખરા ? ગયા વર્ષે ધોરણ 11 માં હતા અને આ વર્ષે ધોરણ 12 માં હતા એવા વિધાર્થીઓને કોલેજનું ફાઉન્ડેશન ગણાય એવા ધોરણ 11 અને 12 ના વિષયોનો જોઈએ એવો નક્કર અભ્યાસ થયો જ નથી તો પછી આગળ ઉપર એમનું શૈક્ષણિક લેવલ અન્ય દેશ અને રાજયો ના બાળકો કરતાં નબળું પડશે અને રાષ્ટ્રીય સ્તર પર અને વૈશ્વિક ફલક પર આપનો વિધાર્થી નબળો ગણાશે.

▪️ અચ્છા મને કોઈ એ તો જણાવો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિધાર્થીને માસ પ્રમોશન મળ્યા બાદ મેડિકલ, એન્જીનિયરીંગ, ફાર્મા વગેરે ફિલ્ડમાં અગ્રતા ક્રમ કઈ રીતે નક્કી કરીશું ? સ્પેશિયલ કોર્સિસમાં પ્રવેશ માટે તો સરકાર પરીક્ષા લેવા માંગે છે !! હવે જો પરીક્ષા લેવી જ છે તો ધોરણ 12 અને 10 ની ઓનલાઈન અથવા અલગ અલગ બેચ બનાવીને અલગ અલગ પેપરો સેટ કરીને મર્યાદિત સંખ્યામાં ઓફલાઇન પરીક્ષા શા માટે ન લઈ શકે ? માસ પ્રમોશનનો નિર્ણય ખરેખર ખતરનાક છે. હવે નજીકના ભવિષ્યમાં માંગ અને પુરવઠાનો નિયમ અહી કામ કરશે એવું લાગી રહ્યું છે. અર્થાત સારા માર્કસ લઈ આવનાર વિધાર્થીની સંખ્યાના પ્રમાણમા કોલેજમાં પ્રાપ્ય સીટો મર્યાદિત હોય છે. હવે થશે એવું કે પ્રાપ્ય સીટોની સરખામણીમાં હજારો વિધાથીઓ પ્રવેશ મેળવવા લાઈન લગાવીને ઊભા હશે એટ્લે સેલ્ફ ફાયનાન્સ અને મેનેજમેંટ ક્વોટાની સીટોના ભાવમાં પણ તડાકો બોલશે. શિક્ષણની હાટડીઓ ધમધમશે અને સત્તામાં રહેલા નેતાઓના ભ્રષ્ટાચારના પૈસાથી બનેલી તેમની જ શૈક્ષણિક સંસ્થાઓ આ વર્ષે ખૂબ કમાણી કરશે.

▪️ મને એ નથી સમજાતું કે આપણા નેતાઓ હંમેશા પોતાની મતબેંક ને જ ધ્યાને રાખીને શા માટે નિર્ણયો લેતા હશે ? ક્યારેક તો સામેવાળાનું હિત જોઈને બાહોશ બનીને નિર્ણયો લેતા થાવ. પરીક્ષાઓ રદ કરીને વિધાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાને બદલે આપણે યુદ્ધના ધોરણે વેક્સિનેશન ઉપર શા માટે કામ ન કરી શકીએ ? શું આપણે 18 વર્ષ નીચેના બાળકો માટેની વેક્સિનને તાત્કાલિક લોન્ચ કરીને બોર્ડના વિધાર્થીઓને સૌથી પહેલા વેક્સિન અપાવીને પરીક્ષા આપવા મોટિવેટ ન કરી શકીએ ? ખરેખર તો આપણી સરકારની કોઈ દાનત જ નથી કે જલ્દી શાળાઓ ખૂલી જાય અને બાળકો ભણવા આવતા થાય. સરકાર પોતે પણ ડરે છે કે અમે શાળાઓ ખોલવાની સૂચના આપીએ ને જો બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાય જાય તો જવાબદારી સરકારની બને… બાકી યાદ રાખજો કે ભવિષ્ય માત્ર ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનું જ નહીં પણ છેલ્લા લગભગ 1.5 વર્ષથી શાળાએ નહીં જઇ શકનાર તમામ ભૂલકાઓનું પણ ખતરામાં છે. ખૂબ જ કિંમતી સમય તેઓ અત્યારે ગુમાવી રહ્યા છે.

▪️ શિક્ષણ વિભાગે બહાર પડેલ પરિપત્ર મુજબ અગાઉના ધોરણના માર્કસ, શાળામાં લેવામાં આવેલ મૂલ્યાંકન કસોટીઓ વગેરે ના આધારે ગુણાંકન પધ્ધતિ મુજબ વિધાર્થીની બોર્ડની માર્કશીટ તૈયાર કરવાની સૂચના કોઈપણ હિસાબે મગજમાં ઉતરે એવી નથી. આ પ્રકારની સૂચનાઓને કારણે આર.ટી.આઈ. ના દાયરામાં ન આવતી ખાનગી શાળાઓમાં અગાઉ લેવાયેલી પરીક્ષાઓમાં વિધાર્થીઓએ મેળવેલ માર્કસમાં ગોઠવણ થવાની શકયતાઓ નકારી શકાય નહીં. આપણે ત્યાં ધોરણ 8 સુધી વિધાર્થીઓને ધક્કા મારીને પાસ કરવાની તદ્દન ખોટી પધ્ધતિ અમલમાં છે. અત્યાર સુધી એવું થતું કે બિલકુલ નબળો વિધાર્થી વધીને ધોરણ 10 સુધી પહોંચીને પછી આગળ જતો અટકી જતો હતો. પરંતુ ગયા વર્ષે ધોરણ 9 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપીને ધોરણ 10 માં પહોચાડી દીધા. હવે ફરીથી માસ પ્રમોશન આપીને એમને ધોરણ 11 માં ધક્કો લગાવી દીધો. આ ધક્કાઑમાં જેમને સામાન્ય લેખન કે વાંચનનું પણ જ્ઞાન નથી એવા બિલકુલ નબળા વિધાર્થીઓ પણ ધોરણ 12 સુધી પહોંચી ગયા સમજો.

▪️ કેટલાક કિસ્સાઓમાં હોંશિયાર અને પહોચવાળા વાલીઓ પોતાના બાળક માટે પરીક્ષાનું સેન્ટર ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં પરીક્ષામાં ચોરી થઈ શકે ત્યાં રખાવીને બાળકને ગમે તેમ કરીને પાસ કરાવી દેતા. પરંતુ બિલકુલ નબળા બાળકના વાલીઓની આ મથામણ આ વખતે તો ખુદ શિક્ષણ વિભાગે જ દૂર કરી દીધી. આવી રીતે પરીક્ષામાં ઉતીર્ણ થયેલ બાળક આગળ વધીને સરકારની કેટલીક આરક્ષણ વાળી નીતિઓનો ગેરલાભ લઈને પોતે જેને લાયક નહીં હોય એવા સ્થાને પહોંચી જશે. દેશ અને સમાજનું ભવિષ્ય ખોટા હાથમાં જતું રહેશે. યાદ રાખજો માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય હોંશિયાર વિધાર્થીઓ માટે તો વિનાશકારક સાબિત થશે. વિચારવાની એક બીજી બાબત એ પણ છે કે સરકારે રિપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન આપેલ નથી. મતલબ એમ થયો કે જે નબળો વિધાર્થી 2019-20 માં બોર્ડમાં હતો એ આગળ જતો અટકી ગયો પરંતુ 2020-21 માં બોર્ડનો નબળો વિધાર્થી માસ પ્રમોશનને કારણે રિપીટર બનતો અટકી ગયો અને ધોરણ 11 માં પ્રવેશી ગયો.

▪️ સરકારી તંત્ર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયોની ખતરનાક અસરો આગામી વર્ષોમાં આપણે અનુભવી શકીશું. સામાન્ય સંજોગોમાં જોવા જઈએ તો પણ આપનું શિક્ષણતંત્ર તદ્દન ખાડે ગયું છે. વધારામાં કોરોનાનો ગેરલાભ લઈને આ લોકો વિધાર્થીઓ અને વાલીઓના ભોગે પોતાની દુકાન ચલાવવા માંગે છે. જો ધાર્યું હોત તો બોર્ડના વિધાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવી પણ શક્ય છે. શહેરી અને ગ્રામ્ય તમામ વિસ્તારોની શાળાઓમાં સીટ નંબર ફાળવીને વર્ગદીઠ માત્ર 10 વિધાર્થીઓની પરીક્ષાઓ લઈ શકાય એમ છે. તમામ પ્રાથમિક શિક્ષકો સહિત સરકારી તંત્રના અન્ય વિભાગોના જરૂરી સ્ટાફની મદદથી સુપરવિઝન ગોઠવીને બોર્ડના વિધાર્થીઓની પરીક્ષા લેવી એ કઈ અઘરી બાબત નથી. હકીકતે તો મોટા મોટા નેતાઓ અને બીઝનેસમેનોની ચાલતી કોલેજોની એકપણ સીટ ખાલી રહે નહિ અને તેઓ આગામી વર્ષે કરોડો રૂપિયા કમાઈ શકે અને 2022 ની વિધાનસભા ચૂંટણીઓમાં સારું એવું ફંડ એમની પાસેથી ઊભું કરી શકાય એ માટેની આ બધી મથામણ હોય એવું લાગી રહ્યું છે. આ સરકાર આફતમાં અવસર શોધવામાં માહેર હોવાનું આપણે જાણીએ જ છીએ. અંગત સ્વાર્થ માટે વિધાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવા એ બિલકુલ વ્યાજબી ન ગણાય.

▪️ હાલમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ નહીં થવા પાછળ બગડી રહેલો સમય કોરોનાને કારણે નહીં પરંતુ સરકારની ઢીલી નીતિને જવાબદાર છે. અન્ય કેટલાય દેશોમાં શાળાઓમાં અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે. બોર્ડના વિધાર્થીઓની પરીક્ષા લેવા માટે સરકારે ધાર્યું હોત તો ઓનલાઈન પરીક્ષાઓ પણ લઈ શકી હોત. ઓછા સમયમાં વધારે પ્રશ્નો વાળું ઓ.એમ.આર. પેપર પણ બ્લ્યુપ્રિંટના આધારે તૈયાર થઈ શકે. વિધાર્થીઓ પોતાના ઘરે બેસીને ઓનલાઈન પણ મૂલ્યાંકન કસોટી આપી શકે. આગામી સત્રમાથી બંને વેકેશનનો સમયગાળો બાદ કરી શકે. અભ્યાસક્રમમા બિનજરૂરી લાગતા પ્રકરણો ઓછા કરીને અભ્યાસક્રમ ટૂંકો કરી શકે. શાળામાં ભણવા માટેનો દૈનિક સમયગાળો પણ વધારી શકાય. શનિવારે અડધો દિવસ ભણવાને બદલે આખો દિવસ ભણાવી શકાય. રવિવાર સહિત અન્ય કેટલીક બિનજરૂરી જાહેર રજાઓમાં પણ શાળા શરૂ રાખી શકાય. ટૂંકમાં એવા ઘણા આઇડિયાઝ છે કે જેના અમલીકરણથી શાળાઓ મોડી શરૂ થાય તો પણ અભ્યાસક્રમ આસાનીથી પૂર્ણ કરાવી શકાય.

▪️ આ ઉપરાંત મારી પાસે એક વિચિત્ર કહી શકાય એવો વિચાર છે. મને લાગે છે કે આવા પેન્ડેમિક સમયે વધુ નુકસાન થાય એના કરતાં ઓછું નુકસાન થાય એવો નિર્ણય લેવો યોગ્ય ગણાય. વિચાર એવો છે કે સરકારે ગયા આખા શૈક્ષણિક વર્ષને ‘ઝીરો વર્ષ’ તરીકે જાહેર કરવું જોઈએ. અર્થાત કે કશું જ શીખ્યા અને મૂલ્યાંકન કસોટી આપ્યા વગર માસ પ્રમોશન લઈને આગળ નીકળવા કરતા એકને એક ધોરણ ફરીથી ભણવું. સરળ શબ્દોમાં સમજાવું તો હાલ જે વિધાર્થી જે ધોરણમાં છે તેમાં જ ફરીથી આખું નવું વર્ષ પસાર કરે. ગયા વર્ષે બાકી રહી ગયેલો અભ્યાસ આ વર્ષે પૂરો કરે. ઓનલાઈન શિક્ષણ તદ્દન ફેઇલ છે. એને બદલે વેક્સિન લઈને અને જરૂરી તકેદારી રાખીને એ વિધાર્થી પોતાની શાળામાં પોતાના ક્લાસરુમમા પોતાના શિક્ષક પાસે રૂબરૂ ભણે. વર્ષના અંતે પરીક્ષા આપે અને પાસ થાય તો તેના મેરીટ ઉપર આગળ વધે. આવું કરવાથી ઉપર દર્શાવેલા અને જે આપણા ધ્યાનમાં પણ હાલ નથી એવા ભવિષ્યમાં ઊભા થનારા પ્રશ્નોનું પહેલેથી જ નિરાકરણ આવી જશે. ભવિષ્ય બગડે એના કરતાં એક વર્ષ બગડે એ નિર્ણય નુકસાનીનો સોદો નથી. Dr.Chintan Vaishnav

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.