ભાણવડમાં નિંદ્રાઘિન યુવકની હત્યા

  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ દિવસમાં ખૂનની બીજી ઘટનાથી સનસનાટી
  • ચાર અજાણ્યા શખસોએ લાકડી અને ધોકા વડે ઢીમ ઢાળી દીધું: આરોપીઓ હાથવેતમાં
Reporter : A wahid
+ 91 9904127302

ભાણવડના નવાગામા વાડી વિસ્તારમાં ચાર અજાણ્યા શખસોએ નિંદ્રાધીન યુવકની લાકડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જો કે, યુવકનું ઢીમ ઢાળનાર ચારેય શખસો પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ દિવસમાં ખૂનની બીજી ઘટનાથી સનસનાટી મચી ગઇ છે.

ભાણવડ તાલુકાના નવા ગામ વાડી વિસ્તારમાં રહેતો હરેશભાઇ ગોરધનભાઈ જાવીયા (ઉ.વ.39) નામનો યુવાન શનિવારે નિત્યક્રમ મુજબ મોડી રાત્રે પોતાની વાડીએ સુતો હતો. આ દરમ્યાન અજાણ્યા શખસો રાત્રીના ધસી આવ્યા હતા અને હરેશને લાકડી અને ધોકા ફટકારી તેનું ઢીમ ઢાળી દીધું હતું. બનાવની જાણ થતાં ડીવાયએસપી ચૌધરી, ભાણવડ પીએસઆઈ જોષી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર શખસોએ હત્યા નિપજાવ્યાનું ખૂલ્યું છે.

તદઉપરાંત મૃતકને થોડા સમય અગાઉ મનદુઃખ થયા હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં તથા અલગ અલગ ટીમ બનાવી ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમની મદદ લઇ તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જો કે, યુવકની હત્યા નિપજાવનાર શખસો પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. નાના એવા ગામમાં હત્યાના બનાવથી ભાણવડ પંથકમાં ચકચાર જાગી છે. અત્રે નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસમાં હત્યાનો બીજો બનાવ નોંધાયો છે. જેના કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે તો કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠયા છે. દ્વારકામાં અઠવાડીયામાં બીજી હત્યાની ઘટનાથી પોલીસ બેડામાં પણ સારી એવી ચકચાર જાગી છે.