મોદીને વડાપ્રધાન થયાના 7 વર્ષ થતા ભાજપ દ્વારા સેવા એજ સંગઠન કાર્યક્રમ શરૂ કરાયો છે. કાર્યક્રમમાં રાજ્યસભાના સંસદ દ્વારા જિલ્લાના 90 હજાર પરિવારને વીમા યોજનાનું સુરક્ષા કવચ અપાશે તેવું જાહેર કર્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન થયાના 7 વર્ષ થતા ભાજપ દ્વારા કાર્યાલય ખાતે સેવા એજ સંગઠન કાર્યક્રમ શરૂ કર્યો હતો.
જેમાં રવિવારે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં મિલપરા ખાતે આવેલ ગૌશાળા ખાતે ઘાસ અર્પણ કર્યું હતું, જરૂરિયાતમંદ બહેનોને અનાજકિટનું વિતરણ, ઉકાળા વિતરણ, મા કાર્ડ વિતરણ ઉપરાંત લેડી હોસ્પિટલ ખાતે શિરો અને કપડાંનું વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે બાયપેપ અને વેન્ટિલેટર મશીન અર્પણ કરાયા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ રમેશભાઈ ધડુક, રાજ્યસભા ના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યસભાના સંસદ રામભાઈ દ્વારા જિલ્લાના 90 હજાર પરિવારને પ્રધાનમંત્રી વીમા યોજનાનું સુરક્ષા કવચ આપી વિમાનું પ્રીમિયમ ભરી આપવામાં આવશે તેની જાહેરાત કરી ફોર્મ ભરવાની શરૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે હાલ કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે જાહેરનામા મુજબ મરણ પ્રસંગે 20 વ્યક્તિઓ અને લગ્ન પ્રસંગે 50 વ્યક્તિઓએ જ એકઠા થવાનું જાહેરનામું છે તેમજ હાલ કોઈ કાર્યક્રમ ન યોજવાનું પણ જાહેરનામું છે. એક સ્થળે 5 કે 5થી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ છે આમછતાં આ કાર્યક્રમમાં 45થી વધુ લોકો એકઠા કરવામાં આવ્યા હતા.