પોરબંદર જિલ્લામાં કોરોનાની વર્તમાન સ્થિતિને પહોચી વળવા જિલ્લા તંત્ર સજ્જ

પોરબંદર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં યુદ્ધના ધોરણે નવી ૫૬૫ બેડની સુવિધા ઉભી કરાઇ

પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોના વનાણા અને કુતિયાણા કોવીડ કેર સેન્ટરમાં પણ ઓક્સિજનની વ્યવસ્થા થતાં જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને આવકારતા લોકો

 દરરોજ અંદાજે ૧૧૦૦ થી વધુ ઓકસીજનના સિલિન્ડર દ્વારા દર્દીઓને પોરબંદર જિલ્લામાં અપાતો પ્રાણવાયુ

પોરબંદર તા.૬ પોરબંદર જિલ્લામાં રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રએ કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા વધારીને યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. છેલ્લા પંદર દિવસમાં પોરબંદર જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રએ બેડની સુવિધા વધારવાની સાથે ઓક્સિજનની પણ સુવિધા વધારી છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા ૧૫ થી ૧૭ દિવસોમાં અંદાજે ૭૦૦ જેટલા કોરોનાના કેસો સામે આવ્યા છે. આ તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર પુરી પાડવા કલેકટરશ્રી ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં યુદ્ધના ધોરણે કામ થયું છે. વહીવટી તંત્રના ટીમના સભ્યો અને અધિકારીઓ દ્વારા કોરોના સારવાર અને મેનેજમેન્ટની રાત દિવસ કામગીરી કરવામાં આવી છે જેના લીધે દર્દીઓને રાહત થઇ છે.

કલેકટર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ઉપરાંત કોવિડ કેર સેન્ટરો શરૂ કરીને તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવી છે. પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં ૨૨૦ બેડ ઓક્સિજનયુકત કાર્યરત કર્યા પછી તાત્કાલિક નર્સિંગ સ્કૂલમાં ઓક્સિજનયુક્ત ૫૦થી વધુ બેડ ઉભી કરવામાં આવી છે. આત્મા કોવીડ કેર સેન્ટરમાં ૭૦બેડની વ્યવસ્થા છે તેમાંથી ૩૦ બેડ પર ઓક્સિજન આપવામાં આવે છે. એ જ રીતે વનાણા કોવીડ કેર સેન્ટરમાં ૧૦૦ બેડ છે. જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં સિવિલ અને નર્સિંગ સિવાય ૫૬૫  નવી બેડ ઉભી કરવામાં આવી છે. જેમાં ૧૧૮ બેડ પર ઓક્સિજનની સુવિધા છે. જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણીએ જણાવ્યું હતું કે,  મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ જિલ્લામાં નોંધપાત્ર રીતે કામગીરી થઈ રહી છે. આગેવાનો અને સામાજિક સંસ્થાઓ, જનપ્રતિનિધિઓનો પણ સહયોગ મળી રહ્યો છે. ગામમાં કોરોનાના દર્દી તાત્કાલિક આઇસોલેટ થાય અને કોરોનાનું સંક્રમણ કાબુમાં આવે તે દિશામાં તાલુકા કક્ષાએ પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અધિક કલેક્ટરશ્રી રાજેશ તન્ના, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ધાનાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેનપોરબંદરના પ્રાંત અધિકારી શ્રી કે.વી બાટી, કુતિયાણાના પ્રાંત અધિકારીશ્રી અસારી તેમજ મામલતદારશ્રી ઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ  ટીમ પોરબંદરના દરેક કર્મયોગીઓ હાલ કોરોના સંદર્ભે કોરોના વોરિયર્સ બની આરોગ્ય સ્ટાફની સાથે સંકલન કરી સેવા આપી રહ્યા છે.

ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા સંભાળતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વિવેક ટાંકે જણાવ્યું હતું કે, પોરબંદરના ઓક્સિજના બે પ્લાન્ટ મારફત ૨૪ કલાક કામગીરી કરવામાં આવે છે. પુરતુ ઓક્સીજન મળી રહે તે માટે દરરોજ અંદાજે ૧૧૦૦ થી વધુ ઓકસીજનના બાટલા પુરા પાડવામાં આવે છે. ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ૭૦૦થી ૮૦૦ સિલિન્ડર, નર્સિંગમાં ૨૫૦થી વધુ, વનાણા આત્મામાં ૧૦૦ થી વધુ સિલિન્ડર  અને કુતીયાણા કોવીડ કેર સેન્ટરમાં પણ ઓકસીજન આપવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળતી સૂચનાઓની તાત્કાલિક અમલવારી કરી કોરોના સંક્રમણને ખાળવા જિલ્લાનું તંત્ર કામ કરી રહ્યું છે.

કોરોનાના ફેલાતા સંક્રમણને અટકાવવા પોરબંદર જિલ્લાના નાગરિકો SMS (સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઇઝ)નું પાલન કરે તેવી અપીલ જિલ્લા તંત્ર દ્રારા કરાઇ છે.        

પોરબંદર જિલ્લાના ગામડાઓમાં આવી જાગૃતિ: મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને મળી રહ્યો છે જબ્બર પ્રતિસાદ

જાગૃત યુવા સરપંચની આગેવાનીમાં બખરલા ગામમા ઘરે ઘરે પહોંચ્યો મુખ્ય મંત્રીશ્રીનો સંદેશો

બખરલાના ગ્રામજનોએ લીધેલો નિર્ણય- થોડા દિવસો સુધી કોઈના ઘરે મહેમાન તરીકે  જવું નહીં- બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું

તાવ શરદી હોય તો તે જ દિવસે તપાસ કરાવવી, રિપોર્ટની રાહ જોયા વગર આઈસોલેટ થવું

કોરોનાની પ્રથમ લહેરમાં ગામ જનોએ જે રીતે કામ કર્યું તેવું જ કામ કરી માસ્ક વગર બહાર ન નીકળવું

પોરબંદર તા.૫ પોરબંદર જિલ્લાના ગામડાઓમા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હવે ગામ લોકો આગળ આવી રહ્યા છે. કોરોના ની પ્રથમ લહેરમાં જ્યાં નોંધપાત્ર કામગીરી થઈ હતી તેવા બખરલા ગામના લોકોએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો મારુ ગામ કોરોના મુક્ત ગામનો સંદેશો સાર્થક કરવા કમર કસી છે.

બખરલા ગામના યુવા સરપંચ અરસીભાઇ ખુંટીની આગેવાનીમાં ગામ લોકો જાગૃત થયા છે. ગામમાં કોરોના મુક્તિ માટે સમિતિ પણ બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગામના દરેક લોકોને મુખ્ય મંત્રીશ્રીનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. ગામના સરપંચ સહિત જાગૃત આગેવાનોએ ગ્રામજનોને સમજાવ્યા છે, કે થોડા દિવસો સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં અને મહેમાનગતિ કે અન્ય કામે બને ત્યાં સુધી રૂબરૂ જવું નહીં. ગામમાં અમુક વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરવામાં આવે છે અને લોકો ઘરની બહાર નીકળે ત્યારે અચૂક માસ્ક પહેરે છે. ગામ લોકોએ સાથે મળીને કોરોના સામેની લડાઈમાં જે જરૂરી માર્ગદર્શિકા છે તે પ્રમાણે અમલવારી કરવા નક્કી કર્યું છે. ગામમાં કોઈને તાવ આવે તો તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ આવે તેની રાહ જોયા વગર બને ત્યાં સુધી આઇસોલેટ થવા સમજાવવામાં આવી રહ્યું છે. રસીકરણ માટે પણ જાગૃતિ દાખવવામાં આવી રહી છે.

ગામના સરપંચે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર ના સંકલનમાં રહીને અમારે અમારા ગામ કોરોના મુક્ત કરવું છે. મારા ગામના લોકોએ પ્રથમ લહેર વખતે કોરોના ની લડાઈમાં સરકારને સાથ આપી રૂ.૭૫ હજારનો ફાળો પીએમ ફંડમાં આપેલો છે. આમ બખરલા અને અન્ય ગામોમાં જે રીતે કામગીરી શરૂ થઈ છે તેવી જાગૃતિ સાથે જિલ્લા તંત્ર દ્વારા અન્ય તમામ ગામોમાં કામગીરી કરવા વ્યવસ્થાઓ સુનિશ્ચિત થઇ રહી છે.