મોરારીબાપુ બાદ રમેશભાઈ ઓઝાએ કરી કોરોના ના દર્દીઓ મદદરૂપ થવાની જાહેરાત

કોવિડ મહામારીમાં પોરબંદર ખાતે પૂજ્ય ભાઇશ્રી દ્વારા માનવસેવા માટે ખુબજ અગત્યની જાહેરાત કરવામાં આવી.
વર્તમાન સમયમાં કોરોના મહામારીની બીજી લહેર જ્યારે પોતાના નવા સ્વરૂપ સાથે વિશ્વના અનેક દેશોને પ્રભાવિત કરી રહી છે ત્યારે ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પણ એની વ્યાપક અસર જોવા મળી રહી છે. આ મહામારીના સમયમાં પોરબંદર ખાતે શરૂઆતી જ રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી સતત ચિંતિત છે. હાલમાં જ્યારે પોરબંદરમાં પણ સતત કોરોના કેસોનો વધારો થઈ રહ્યો છે ત્યારે પૂજ્ય ભાઇશ્રીએ પોરબંદરના સૌ અધિકારીઓને અને હોસ્પિટલના સત્તાધીશોને સાંદીપનિ દ્વારા જે કઈ મદદની જરૂર હોય તે પૂરી પાડવા જણાવેલ હતું.

આ સંદર્ભે થોડા થોડા દિવસો પહેલા પૂજ્ય ભાઇશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટરશ્રી, ડી.ડી.ઓ. શ્રી, સિવિલ સર્જનશ્રી, સિનિયર મોસ્ટ ફિજીશ્યન ડો. સુરેશભાઇ ગાંધી, પૂર્વ સી.એમ.ઓ. ડો. ભરતભાઇ ગઢવી વગેરે સાથે પોરબંદર અને મુંબઈ સાથે હરહંમેશ જોડાયેલા સાંદીપનિના સમર્પિત એવા શ્રી તુષારભાઈ જાની અને સુરતના શ્રી ડી.એચ.ગોયાણી સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરી સાંદીપનિ સંસ્થા દ્વારા લોકો માટે આ કઠિન સમયે કઈ સેવા થઈ શકે એ અંગે આયોજન કરવામાં આવેલ.

એ અનુસંધાને કોવિડ મહામારીમાં ખુબજ અગત્યની એવી સેવાઓ પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી અને સાંદીપનિ સ્થિત શ્રીહરિ મંદિરના પ્રભુપ્રસાદ સ્વરૂપે આકાર લઈ રહી છે. એ અંગે ખુબજ સત્વરે કામ થાય અને જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળે તે માટે પૂજ્ય ભાઇશ્રી દિવસમાં પણ સતત ફોલોઅપ લેતા રહે છે.

આ સેવાઓમાં મુખ્યત્વે ભાવસિંહજી (સિવિલ) હોસ્પિટલ ખાતે એક 20,000 લિટરની ક્ષમતાવાળી ક્રાયોજનિક ટેન્ક કાયમી ધોરણે ઉપયોગી થાય તે હેતુથી પ્રસ્થાપિત કરવામાં આવશે અને એ ટેન્ક દ્વારા સમગ્ર હોસ્પિટલમાં ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓના બેડ સુધી તે ઓક્સિજન પહોંચે તે માટેની કોપર પાઇપલાઇન, વાલ્વ વગેરેનું વ્યવસ્થિત પ્લાનિંગ કરીને તેનું કામ શરૂ કરવામાં આવેલ છે. લગભગ 45 થી 50 લાખના ખર્ચે આ સેવા થઈ રહી છે.

આ સિવાય પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી દેશ-વિદેશ સ્થિત શ્રીહરિના સેવકો પણ આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે તૈયાર છે. તેઓ દ્વારા 1000 હ્યુમીડિફાયર વિથ ફ્લોમીટર (રેગુલેટર) અને 20 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર (જેમાં એકની કિમત આશરે 60 થી 70 હજાર રૂપિયા છે) મંગાવવામાં આવ્યા છે. જે વહેલી તકે પોરબંદર આવી રહ્યા છે. આ ઓક્સિજન કન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલ અને જ્યાં ઑક્સીજનની જરૂર પડશે ત્યાં પહોચાડવામાં આવશે.

આ સિવાય ગતવર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે સ્વૈચ્છિક લોકડાઉન કે રાત્રિ કર્ફ્યુના કારણે લોકોના રોજગાર પર એની ઘણી અસર જોવા મળી રહી છે ત્યારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 20 કિ.ગ્રા. રાશનકીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ઘઉં, ચોખા, મગદાળ, ખાંડ, તેલ, ચણા, ચા પત્તી, ધાણાજીરું, ચટણી, હળદર, રાય, જીરું અને નમક સહિતની વસ્તુઓની શ્રીહરિ મંદિરના પ્રસાદ સ્વરૂપે કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય એ છે કે ગતવર્ષે કોરોના મહામારીનાના લીધે લોકડાઉનના સમયમાં પણ પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં તબક્કાનુસાર જરૂરિયાતમંદ લોકોને 30 થી 35 લાખ રકમની રાશનકીટનું શ્રીહરિ મંદિરના પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી સાંદીપનિ સંસ્થા દ્વારા આ બધી જ અગત્યની સેવાઓ મળીને કુલ 1 કરોડ જેટલી રકમની સાધન-સામગ્રી આ મહામારીના સમયમાં માનવસેવાના યજ્ઞમાં આહુતિ સ્વરૂપે આપવામાં આવશે. આમ પોરબંદર સ્થિત શ્રીહરિ મંદિરની કૃપા અને પૂજ્ય ભાઇશ્રીના પ્રયાસોથી પોરબંદર અને આસપાસના લોકો માટે ખુબજ રાહત રૂપ આ સેવાઓ બની રહેશે. પૂજ્ય ભાઇશ્રી હમેંશા એવું સૂચન કરતાં હોય છે કે છેવાડાના અત્યંત જરૂરિયાતમંદ લોકો સુધી આ તમામ સેવાઓ સુચારુરૂપે પહોંચે તે સુનિશ્ચિત થવું જરૂરી છે.