લગ્નવિચ્છેદ એ મનભેદનો એક ‘ઉપાય’ માત્ર છે ‘એક માત્ર’ ઉપાય નહિ.

છૂટાછેડા એ માત્ર બેવ્યક્તિ કે બે પરિવાર જ નહીં પરંતુ સમાજ અને લગ્નવ્યવસ્થા માટે પણ અભિશાપ છે.
આપણી સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા આપણાં જ હાથમાં છે એનું જતન કરવું એ આપણી ફરજ છે અને જવાબદારી પણ.
ભારતીય સંસ્કૃતિનું સૌથી અગત્ય અને મહત્વનું કોઈ અંગ હોય તો એ છે લગ્નવ્યવસ્થા. લગ્નવ્યવસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ સમાજનાં નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે માટે જ શાસ્ત્રોમાં સોળ સંસ્કારમાં સૌથી વધુ મહત્વ લગ્નસંસ્કારને આપવામાં આવ્યું છે. પ્રાચીનકાળમાં લગ્ન વખતે વર-કન્યાનાં પરિવારો એકબીજાનાં જ્ઞાતિ, ગુણ,કૂળ, જન્માક્ષર,ગોત્ર … આ બધું જોતાં અને બન્નેના જન્માક્ષરમાં વધુમાં વધુ ગુણો મળતા હોય એવા લગ્નો સફળ થાય એ એક માન્યતા હતી. આવા મેચ થતા ગ્રહો અને ગુણો પછી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી અગ્નિદેવની સાક્ષીએ વરકન્યાનો હસ્તમેળાપ થતો. મંગલફેરા દરમ્યાન પતિ-પત્ની એકમેકને સાત વચન આપતા. આ સાતેય વચનમાં સુખરૂપ જીવન માટે જરૂરી તમામ વાતો સમાયેલી હતી.એ સમયે કન્યાનું શિક્ષણ,કે રૂપ એટલા મહત્વનાં ન હતા અને સામે પક્ષે વરનું પણ કૂળ, કુટુંબ જોવાતું ,રૂપ અને આવક નહિ.
બદલાતા સમય સાથે આ પ્રથામાં પણ ધરખમ ફેરફાર થયો. શિક્ષણનો વ્યાપ વધ્યો, સુંદરતાને અગ્રતાક્રમ મળ્યો, સ્ત્રી શિક્ષણનો દર ઊંચો ગયો અને એના પગલે સ્વતંત્ર વિચારસરણીનો યુગ શરૂ થયો. હવે પરિવારની પસંદગી સાથે બન્ને પાત્રોના એકમેક માટેના વિચારને પણ એટલું જ મહત્વ અપાતું થયું. હવે શિક્ષણ, સુંદરતા અને વિચારસરણી પરથી બન્ને પાત્રો પોતપોતાની કમ્ફર્ટેબિલિટી નક્કી કરે છે. આજે હવે જુનવાણી વિચારો કે રીતરિવાજો મુજબ જ્ઞાતિ, ગ્રહો,જન્માક્ષર વિગેરે જોઈને આગળ વધવાની વાત જૂની થઈ. પ્રેમલગ્નોને પણ સામાજિક સ્વીકૃતિ મળી એવું કહી શકાય. પહેલા કરતાં એકંદરે વધુ સમજણ અને એકમેકની મરજીથી ગોઠવતા આજના લગ્નોનું આવરદા પહેલા કરતાં વધુ જ હોવું જોઈએ એ વાત સ્પષ્ટ છે છતાં આજે સતત વધી રહેલા છૂટાછેડાના કિસ્સાઓથી એ વાત તો પુરવાર થાય છે અત્યંત સમજુતીપુર્વક લેવાયેલા નિર્ણયમાં કંઈક તો ખામી છે.
લગ્નજીવન એ વેન્ટિલેટર પર જીવી રહેલી કોઈ વ્યક્તિને યાતના માંથી છોડાવવા વેન્ટીલેટરની સ્વીચ ઓફ કરવા જેટલું સરળ નથી. પ્રેમલગ્ન હોય કે પરિવારની મરજીથી ગોઠવાયેલા લગ્ન પરંતુ બન્નેમાં ક્યાંક કશુંક તો ખૂટે છે જેના પરિણામ સ્વરૂપ બે વ્યક્તિ જે એકમેકના પગલાં પર ચાલીને એક મંઝિલે પહોંચવાને બદલે પોતાની મંઝિલ અને રસ્તાઓ અલગ કરી નાખે છે. આપણે હંમેશ એવું માનીએ છીએ કે શિક્ષણ થકી સમજણ વધે છે. જો આ સાચું હોય તો આજની સંપૂર્ણ શિક્ષિત પેઢીમાં લગ્નજીવન ટકાવવાની સમજણનો અભાવ કેમ? કેટલી હોંશ અને ઉત્સાહથી વેવિશાળ થાય ત્યારથી લગ્ન સુધીનો સમય જે તૈયારીઓમાં જાય છે, જે ઉત્સાહથી ખરીદીથી લઈને એક એક વિધિ માટે ધ્યાન રખાય છે એટલો જ ઉત્સાહ, મહેનત કે લગન લગ્નજીવન ટકાવવા માટે કેમ નથી દેખાતી?? સંતાનના જન્મ સાથે જ માતાની કરકસર અને પિતાની તનતોડ મહેનતનું એક જ કારણ હોય છે-સંતાનના લગ્ન. શ્રીમંત હોય કે દરિદ્ર પણ દરેક બાપ પોતાના સંતાનના લગ્નતો ગજા ઉપરવટ જઈને જ કરતો હોય છે.
કોઇ કોઈ કિસ્સામાં તો લગ્નના ફોટો તૈયાર થઈને આવે એ પહેલાં છૂટાછેડાનો કેસ ફાઇલ થઈ ગયો હોય છે. આજનાં સમયમાં ઝડપથી તૂટી રહેલા લગ્નો માટે કેટલીક એવી રમૂજો પણ થઈ રહી છે કે લગ્નપ્રસંગના તમામ બિલ ચૂકવાય એ પહેલાં જ છૂટાછેડા થઈ જાય છે, કે પછી- કન્યાનાં હાથની મહેંદીનો રંગ જાય એ પહેલાં તો કન્યા જ છૂટાછેડા લઈને જતી રહે છે. અને આવી મજાકમાં ઘણું ખરું તથ્ય પણ છે. એક એવી માન્યતા હતી કે જુનવાણી પેઢીમાં ભણતરનો અભાવ હતો એ કારણથી એ પરિવારમાં એડજસ્ટ ન કરી શકી, એમનામાં સમજણશક્તિનો અભાવ હતો. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ અભાવે જ લગ્નજીવન ટકી રહેતા. આજના સમયમાં લગ્નજીવનની શરૂઆતમાં જ મતભેદ થાય અને સીધા મનભેદ પર આવી જતા જોવા મળે છે. તદ્દન નાની વાતમાંથી જ્યારે વાત બગડવાની શરૂઆત થાય ત્યારે વડીલો સમજાવટશાસ્ત્રનો ઉપયોગ કરે છે. નવું વાતાવરણ, અજાણી વ્યક્તિઓ અને નવી જીવનશૈલીને સમજવામાં સંતાન કદાચ મુશ્કેલી અનુભવતું હોય એવું સમજી બન્ને પક્ષના વડીલો એવું માને છે કે થોડો દિલાસો અને થોડી સમજાવટથી પ્રશ્ન ઉકલી જશે પરંતુ શિક્ષણ થકી સમજણ વધે છે એવી આપણી માન્યતાના પ્રતાપે શિક્ષણ મેળવેલી પેઢી પાસે એની પોતાની સમજણ છે અને અન્ય સમજણ એના મન પર અસર કરવામાં નિષ્ફળ જાય છે.
વધતા જતાં છૂટાછેડાના કારણો તપાસતાં મોટાભાગે શિક્ષણ જ સમજણ અને સંસ્કાર પર હાવી થતું જોવા મળે છે. સ્વતંત્ર જીવનશૈલીથી લઈને સ્વતંત્ર વિચારસરણી મુજબ જીવવા માંગતી આજની દીકરીઓ સાસરામાં એડજસ્ટ નથી કરી શકતી આ હકીકત છે. ઘણાં દામ્પત્યજીવન આ જ કારણે તૂટે છે તો ઘણાં વડીલો આ પ્રશ્ને એકના એક પુત્રથી અલગ રહેવાની પીડા ભોગવી રહ્યા છે. જો કે આ એક જ કારણ જવાબદાર છે તદ્દન એવું પણ નથી . ફિલ્મી અને લવસ્ટોરીઝના પાત્રો જેવી જિંદગીને હકીકત સમજીને જીવન શરૂ કર્યા પછી જ્યારે વાસ્તવિકતા સામે આવે છે ત્યારે એને સ્વીકારવી,પચાવવી એ આજની કહેવાતી શિક્ષિત પેઢી માટે અઘરું થઈ રહી છે અને પરિણામસ્વરૂપ લગ્નજીવન શરૂ થતાં પહેલાંજ વિચ્છેદ થાય છે. લગ્નજીવન ટકવા અને તૂટવા માટે સૌથી વધુ જવાબદાર કોઈ પરિબળ હોય તો એ છે બન્ને પાત્રનો એકમેક પર વિશ્વાસ અને પ્રેમ. આ બન્ને તત્વો મજબૂત હોય તો બીજા તમામ પરિબળો કાચા પડે છે સંબંધ વિચ્છેદ માટે.
બદલાતી વિચારસરણીએ પ્રેમનો અર્થ બદલી નાખ્યો છે . આજકાલ પ્રેમ માત્ર વાતો,પુસ્તકો,ફિલ્મો, તસ્વીરો અને ફેસબુક,ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપના પ્રોફાઇલફોટો પૂરતો જ રહી ગયો છે. લગ્નબંધનમાં બંધાતા પહેલાં એકમેકને ઓળખવામાં થાપ ખાઈ જતા બન્ને પાત્રો સંબંધની ગરિમા જાળવી શકતા નથી. સંબંધને થોડો સમય આપી એડજસ્ટ થવાનું આજની પેઢી શીખી જ નથી. ટેકનોલોજીના યુગમાં જીવતી નવી પેઢી એ ભૂલી રહી છે કે લગ્ન બાદના જીવનની એમની કલ્પના એ વાસ્તવિક ફોટોને એડિટ કરીને એમાં ઉમેરાયેલા રંગ,રૂપ અને સુંદરતા જેવી છે. હકીકત એનાથી અલગ જ હોવાની. બદલાતા સમય સાથે એકમેકને સમજવાની, ઓળખવાની સંપૂર્ણ આઝાદી હોવા છતાં ક્યાંક કશુંક ખૂટે છે જે દામ્પત્યજીવનને કાચનાં વાસણ માફક તોડી નાખે છે.
સતત વધી રહેલા છૂટાછેડા સમાજવ્યવસ્થા માટે જોખમી છે. કેટલાક આદર્શ અને કેટલાક મૂલ્યો સચવાય એ વ્યક્તિ,પરિવાર અને સમાજ માટે આવશ્યક છે. લગ્નવ્યવસ્થાની ખામી, થોડાઘણાં અંશે સંસ્કારનો અભાવ અને ક્યાંક સતત કશુંક શોધ્યા કરવાની તીવ્રતા એક હસતો ખેલતો પરિવાર ઉજાડવામાટે કારણભૂત છે એવું મને લાગે છે.
આપણી સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા આપણાં જ હાથમાં છે એનું જતન કરવું એ આપણી ફરજ પણ છે અને જવાબદારી પણ.
Mirror Efect :  પતિ-પત્નીના સંબંધમાં વધતી જતી ખાઈને થોડી સમજણ અને ધીરજની માટી નાખી તેમાં લાગણીનું બીજ વાવી પ્રેમનું પાણી સીંચવાથી સુખી દામ્પત્યના ખુશ્બુથી મઘમઘતા બાગમાં ફેરવવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નહિ. લગ્નવિચ્છેદ એ મનભેદનો એક ‘ઉપાય’ માત્ર છે…. ‘એક માત્ર’ ઉપાય નહિ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.