વેરાન રણમાં એક મીઠો વીરડો

નીતાબેન સોજીત્રાની કલમે એમનો એક યાદગાર પ્રવાસ
“રણનો મીઠો વીરડો” Mustu Khan Gramshilpi  
નાત-જાતના વાડાઓ એટલા બધા વિસ્તર્યા છે કે એણે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ પોતાનો પગ જમાવી દીધો છે. કેટલીય સેવાકીય સંસ્થાઓ સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેમાંથી કેટલીક સંસ્થા પોતપોતાની જ્ઞાતિ માટે કાર્યરત હોય છે. શિક્ષિત સમાજમાં એક માન્યતા એ પણ છે કે દરેક લોકો પોતપોતાની જ્ઞાતિના ઉત્થાન માટે સક્રિય રહે તો આમ જ સમગ્ર દેશવાસીઓનું જીવનધોરણ સુધારી શકાય પરંતુ કેટલીક જાતિ-જ્ઞાતિ એવી હોય છે કે જેમાં શિક્ષણ, સમજણ કે સધ્ધરતામાંથી કશું જ હોતું નથી. ગુજરાતના કેટલાય એવા ગામડાઓ છે જેમાં વસતા લોકો બધી રીતે પછાત હોય છે. જ્યારે આવા લોકોના સર્વાંગી વિકાસ કરવાનું બીડું કોઈ ઝડપે ત્યારે એ વ્યક્તિ રણનો વીરડો જ કહેવાય. આજે આવા જ એક વિરડાની સરવાણી વિશે વાત કરવી છે.
મારા પાલનપુરના પ્રવાસ દરમ્યાન મૂળ ભાવનગરના અને લોકભારતી સણોસરામાં શિક્ષણ અને તાલીમ પામેલા mustukhanને મળવાનું થયું. કાર્યક્રમના આયોજક શ્રી ગજેન્દ્રભાઈના આગ્રહથી અમે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખાટી સિતરા(ખાટી ચિતરા) ગામમાં આવેલા લોકસારથી ફાઉન્ડેશનની મુલાકાતે જવાનું નક્કી કર્યું. ભરબપોરનો વખત અને સુકો ભઠ્ઠ રસ્તો. એક જગ્યાએ આવીને ગાડી અટકી. અમને કહેવામાં આવ્યું કે અહીંથી કેડી રસ્તે ચડીને જવાનું છે. અમે ચડવાનું શરૂ કર્યું. રસ્તા પર સુકાયેલા કેસૂડાની ચાદર, ઉપર ધોમધખતો તાપ અને ક્યાંક ક્યાંક બકરીનો અવાજ. થોડું જ ચડતામાં અમે થાકી ગયા. સખત તાપના લીધે એક ઝાડ નીચે બેસી ગયા. ત્યાં છુટા છવાયા  નેસડા હતા. કોઈને પૂછ્યું કે હજી આગળ કેટલું છે તો એમણે કહ્યું કે તમે ચડ્યા એટલું જ બીજું. હવે તડકાને લીધે ચામડી બળવા લાગી હતી માટે આગળ ન જવાનું નક્કી કરી અમે ઉતરવા લાગ્યા એટલામાં એક કાચું મકાન અને મકાનમાંથી કોઈ ભાઈ ગજેન્દ્રભાઈ સાથે આદિવાસી બોલીમાં કઈક પૂછી રહ્યા હતા. એમણે કહ્યું કે જમીને તમને મૂકી જાઉં. એમણે એ દરમ્યાન મુસ્તુખભાઈને ફોન કરીને જાણ કરી. થોડીવારમાં સંસ્થાની ગાડી આવી અને અમે એમાં ગોઠવાયા. ઉબડખાબડ ચઢાણવાળા રસ્તાને પાર કરતા અમે લોકસારથી આશ્રમ આવી પહોંચ્યા.
ક્યારેય કલ્પના પણ ન કરી હોય એટલી  સુંદર જગ્યા જોઈને અભિભૂત થઈ જવાયું. ઉંચી ટેકરી પર આખુ સંકુલ. કુદરતી વાતાવરણ, બગીચો, ઠંડક, પંખીઓનો કલરવ અને મસ્ત મજાના સ્લોગન લખેલી દિવાલોથી આખું વાતાવરણ જીવંત લાગતું હતું. થોડીવારે સંસ્થાના પિતા અને સર્વેસર્વા એવા મુસ્તુખભાઈ આવ્યા. એમની સાથે ખૂબ બધી વાતો કરી.
સંસ્થાના વિચારથી લઈને આજના દિવસ સુધીની એમની પ્રવૃતિઓ, અડચણો, આવક અને ભવિષ્યના પ્લાન વિશે વાતો થઈ. 129 ઘરના ગામ ખાટી સિતરામાં આજે જે કઈ વિકાસ છે એ માત્ર આ સંસ્થા અને એમના દાતાઓને આભારી છે. 2014 સુધી લાઈટ કે શાળા વગરના આ ગામને આજે સોલાર વિલેજ બનાવી, 1થી8 ધોરણ સુધીની શાળા તથા 30 બાળકોને રહેવાની સુવિધાવાળી હોસ્ટેલ બનાવવા સુધીની જવાબદારી અને પ્રગતિનો યશ મુસ્તુખભાઈ પરિવારને જાય છે.
ગામવાસીઓના બાળકોને શિક્ષણ આપવાની સાથે સાથે એમને  સારી રીતભાત, સંસ્કાર, કેળવણી અને જીવનના મૂલ્યોના પાઠ ભણાવવાનું કાર્ય પણ આ સંસ્થામાં થાય છે. મધ ઉત્પાદન દ્વારા રોજગારની તકો વિકસાવવી, આ આદિવાસી પ્રજા કે જેણે દારૂને પોતાના જીવનમાં વણી લીધો છે એમને દારૂ વેચવાનું કામ બંધ કરાવ્યું. આખા ગામમાં હવે દારૂનું વેચાણ કોઈ કરતું નથી, એના લીધે કેટલાક પારિવારિક પ્રશ્નો પણ ઉકેલાયા. આ સિવાય બહેનોને બચતનું મહત્વ અને નાની બચત યોજના અંતર્ગત એકત્ર કરી એમની સમસ્યાઓ વિશે જાણીને એના નિવારણનું કાર્ય પણ અહીં થાય છે. ગર્ભવતી મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે સંસ્થામાંથી જ આવી મહિલાઓને સ્પેશ્યલ કીટ અપાય છે પ્રેગ્નન્સીમાં જરૂરી હોય એવા પોષક તત્વોવાળા ખોરાક અને દવાઓ અપાય છે. ડિલિવરી વખતે મુસ્તુખભાઈ ખુદ એમની ગાડીમાં બહેનોને હોસ્પિટલ પહોચાડે છે.
મુસ્તુખભાઈ ખાન : લોકસારથી ફાઉન્ડેશન

લોકસારથી ફાઉન્ડેશનમાં બાળકોનો જ નહીં, સમગ્ર ગામવાસીઓનો સર્વાંગી વિકાસ થાય છે. સાદું જીવન અપનાવી ખાટી સિતરાના રહેવાસીઓને માણસ તરીકેનું જીવન આપવાનું બીડું ઝડપનાર મુસ્તુખભાઈ અને એમાં તમામ રીતે સહયોગ કરનાર એમના પત્ની તથા બાળકને પણ ધન્યવાદ આપવા ઘટે. શુદ્ધ મધનું શરબત પી અને જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે એક આંચકો એ મળ્યો કે ગામથી આ સંસ્થા સુધી પહોંચવાનો આ કેડી રસ્તો પણ મુસ્તુખભાઈએ બનાવેલો છે. નાની ઉંમરમાં આટલું મોટું સપનું સેવવું અને એને સાકાર કરવું એ ખરેખર મહાન કાર્ય છે.

જે રીતે ડોકટર, પોલીસકર્મીઓ અને સરહદ પરના જવાનો માનવસેવા-દેશસેવાનું ઉત્તમ ઉદાહરણ છે એ જ રીતે લોકસારથી સંસ્થાના નિર્માતા અને સંસ્થાના હૃદય સમાં મુસ્તુખભાઈને પણ દેશસેવક કહેવામાં મને ગર્વ થાય છે.  મુસ્તુખભાઈ જ્યારે અમને અમારી ગાડી સુધી મુકવા આવ્યા ત્યારે ત્યાંના માણસો  જે રીતે એમની સાથે વાત કરતા હતા એ જોઈને મને થયું કે આપણાં શહેરીજીવન કરતાં આ ગ્રામ્યજીવન ખૂબ સારું છે કોઈને મનમાં પોતાના આદિવાસી અને મુસ્તુખભાઈના મુસ્લિમ હોવાના જાતિભેદનો અણસાર પણ નથી.
આખો પૂલ બનાવીને પોતાને ખિસકોલી માનનાર મુસ્તુખભાઈ ખરેખર મળવા જેવા માણસ છે. વિદાય લેતી વેળા અમને એ જ વિચાર આવ્યો કે તડકો અને કપરા ચઢાણથી ડરી જઈને અમે પાછા ફરી ગયા હોત તો અમે એક મોટી તક ચુકી ગયા હોત અબે જીવનભર એનો અફસોસ રહેત. ક્યારેય તક મળે તો લોકસારથી ફાઉન્ડેશનની મુલાકાત અવશ્ય લેશો.
“આવી સંસ્થા માટે કશુંક કરીને સહભાગી થવાની તક મળશે તો આનંદ થશે”