પોરબંદર જિલ્લા સેવાસદન-૨ ખાતે કોરોના પ્રતિરોધક રસી મુકાવાનો કેમ્પ યોજાયો

પોરબંદર તા.૩૧, પોરબંદર સ્થિત જિલ્લા સેવાસદન-૨ ખાતે જિલ્લા આરોગ્યની ટીમ દ્રારા ૪૫ વર્ષ કે તેથી વધુ વયના અધિકારીઓ/કર્મચારીઓને કોરોના પ્રતિરોધક રસી મુકાવવા માટે કેમ્પ યોજાયો હતો. જેમા વિવિધ કચેરીના સ્ટાફે રસી મુકાવી હતી.

કોરોના મહામારી સામે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આપણે લડી રહ્યા છે. ત્યારે કોરોના પ્રતિરોધક રસી બનાવવામાં સફળતા મળતા આ રસી દરેક માનવી સુધી પહોંચે અને આપણે કોરોના મુક્ત બનીએ તે માટે સરકાર દ્રારા ખાસ અભિયાન યોજાય રહ્યું છે.

આરોગ્ય વિભાગની ટીમો હોસ્પિટલો સહિત ખાસ જગ્યાએ કેમ્પ યોજીને નાગરિકોને રસી મુકી રહ્યા છે. જે અંતર્ગત આજ રોજ જિલ્લા સેવા સદન-૨ ખાતે યોજાયેલ કોરોના વેકસીનેશન કેમ્પમાં જુદી-જુદી કચેરીઓના કર્મચારીઓ/અધિકારીઓ કોરોના પ્રતિરોધક રસી મુકાવીને આ રસી મુકાવવા અન્યને પણ પ્રેરણા પુરી પાડી હતી. જિલ્લા સેવા સદન-૨માં ફરજ બજાવતા અધિકારી ડો.પ્રજ્ઞાબેન ત્રિવેદીએ કોરોના પ્રતિરોધક રસી મુકાવીને કહ્યુ કે, આપણે છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી સામે લડી રહ્યા છે. આપણે આર્થિક, સામાજિક પરિસ્થિતિનો સામનો કર્યો છે, નિષ્ણાંતો દ્રારા શોધાયેલ કોરોના પ્રતિરોધક રસી સુરક્ષિત છે, તેની કોઇ આડઅસર નથી, મેં રસી મુકાવી છે અને દરેક નાગરિક રસી મુકાવે તેવી અપીલ કરુ છુ.

આમ જિલ્લા સેવા સદન-૨ ખાતે યોજાયેલ કોરોના વેકસીનેશન કેમ્પમાં જુદી-જુદી કચેરીના સ્ટાફે રસી મુકાવી હતી.

પોરબંદર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો યોજનાકીય ઘટકમાં ઓનલાઇન અરજી કરી શકશે

પોરબંદર તા.૩૧ બાગાયત ખાતા દ્રારા વર્ષ-૨૦૨૧-૨૨ માટે આઇખેડુત પોર્ટલ તા. ૩૦ એપ્રીલ સુધી પોરબંદર જિલ્લાના બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય ઘટકોમાં ઓનલાઇન www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ ઉપર અરજી કરી શકશે. જેમા બાગાયતદાર ખેડુતો ફળઝાડ વાવેતર, (નેવુ ટકા પ્લાન્ટીંગ મટીરીયલ) સરગવો વાવેતર, પેકીંગ મટીરીયલ, (કેરીના બોક્સ) ટીસ્યુ ખારેક, કાચા પાકા માંડવા પાણીનો ટાંકો વિગેરે જેવા વિવિધ ઘટકોમાં અરજી કરી તેની પ્રીંન્ટ સાથે જરૂરી કાગળો ૭-૧૨, ૮-અ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક(આધાર લીંક)ની નકલ વિગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓફીસનં-૨૦, સાંદિપની રોડ, પોરબંદરએ પહોંચતી કરવા યાદીમાં જણાવાયું છે.

પોરબંદર જિલ્લામાં ૧ એપ્રીલીથી ૪૫ વર્ષ કે તેથી વધુ વયનાં તમામ નાગરિકો કોરોનાની રસી મુકાવી શકશે

જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંકલન હેઠળ આવતી કાલે જુદી-જુદી ૯૩ જગ્યાએ રસીકરણ અભીયાન યોજાશે

પોરબંદર તા.૩૧ પોરબંદર જિલ્લામાં કાર્યરત તમામ વેકસીનેશન કેન્દ્રો  ખાતે આવતી કાલે તા.૧ એપ્રિલથી ૪૫ વર્ષ કે તેનાથી વધુ વયના તમામ લાભાર્થીઓને કોવિડ-૧૯ની પ્રતિરોધક રસી મુકાવાની કામગીરી શરૂ કરાશે. આ અગાઉ ગંભીર બિમારી ધરાવતા ૪૫થી ૫૯ વર્ષનાં અને ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને જ રસી લગાવવામાં આવતી હતી.

જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંકલન હેઠળ પોરબંદર જિલ્લાની વિવિધ ૯૩ જગ્યાઓ પર ખાસ અભિયાન અંતર્ગત આવતી કાલે ૪૫ કે તેથી વધુ વર્ષનાં તમામ નાગરિકો કોરોના પ્રતિરોધક રસી મુકાવી શકશે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ, સહિત તમામ વેકસીનેશન કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પસંદ કરાયેલ આંગણવાડી કેન્દ્રો, સ્કુલો ખાતે સવારે ૯ થી બપોરના ૨ કલાક સુધી તથા બપોરના ૩ થી સાંજના ૮ કલાક સુધી આરોગ્ય/મેડીકલ કર્મચારી પાસે કોરોના પ્રતિરોધક રસી મુકાવી શકાશે. લાભાર્થીઓ આધારકાર્ડ/ ફોટો આઇડી, મોબાઇલ નંબર સાથે રાખીને  વેકસીનેશન સ્થળપર જઇને અથવા કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ આવતા જિલ્લામાં કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરાયા

                               જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ

પોરબંદર તા.૩૧, પોરબંદરમાં નોવેલ કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસ આવતા વાયરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એન.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪, ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા કલમ-૩૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની કલમ-૨ અન્વયે પોરબંદર જિલ્લાના ૨ વિસ્તારમાં તા.૩૦ માર્ચથી તા.૧૨ એપ્રિલ  સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

(૧) કુતિયાણા શહેરમાં રબારી કેડા વિસ્તારમાં પૂર્વે સાગર ભગવાન રામ ના ઘરથી પશ્ચિમે કિશન નથુ બાટવા અને રામદે સવદાસ ભેડા ના ઘર સુધી તથા દક્ષિણે રણજીત આર. મારૂ ના ઘર સુધીનો વિસ્તાર,

(૨) રાણાવાવ શહેરમાં ખોજાવાડ વિસ્તારમાં ઉત્તરે ધાલાણી બરકતઅલી બદરૂદિન ના ઘરથી દક્ષિણે આમિર મામદ બરડાઇ ના ઘર સુધીના વિસ્તારને તા.૩૦-૦૩-૨૦૨૧ થી ૧૨-૦૪-૨૦૨૧ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે.માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહી, કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ ૭-૦૦ કલાક થી ૧૯.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.