ભાણવડના રેટા કાલાવડમાં ખરાબાની 20 એકર જમીન ખેડી મકાન બનાવ્યું

  • ભાણવડ તાલુકામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનાે ગુનાે નોંધાયો
  • 12.95 લાખની કિંમત પચાવી પાડી: પોલીસ તપાસનો ધમધમાટ

ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે રૂ. 12.95 લાખ કિંમતની 20 એકર સરકારી ખરાબાની જમીન ગેરકાયદેસર વાવી ખેડી મકાન બનાવી કબ્જો કરી લેનાર શખસ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ભાણવડ પંથકમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગના ગુનાની મળતી વિગત અનુસાર રેટા કાલાવડ ગામેસરકારી ખરાબાના ખાતા નં-428ના રેવન્યુ સર્વે નંબર-101 ( જુ.ના.384 પેકી/1) કુલ 20 એકર જમીન જેની જંત્રી મુજબ કિં.12.95 લાખ થાય છે તે જમીનનો નાથાભાઇ નાઝાભાઈ કારવદરાએ ગેરકાયદેસર કબ્જો કરી જમીન વાવી ખેડી તેના ઉપર મકાનનું બાંધકામ કરી લીધું હતું.

આ અંગે ભાણવડ સણખલા ઇન્ચાર્જ સર્કલ ઓફિસર નાયબ મામલતદાર ભીખાભાઇ ખીમજીભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે નાથાભાઇ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌપ્રથમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ ભાણવડ પંથકમાં નોંધાયો હતો. ત્યારબાદ વધુ એક આવો ગુનો નોંધાયો છે.