ભૂગર્ભ ગટરના કનેક્શન માટે 711 લોકોને પાલિકાની નોટીસ

43000 કનેક્શન લઈ લીધા જેમાંથી 1066 આસામીઓ જ રૂપિયા ભર્યા

પોરબંદરમાં ભૂગર્ભ ગટરના કનેક્શન માટે પાલિકા દ્વારા 711 લોકોને નોટિસ આપવામાં આવી છે. 43000 આસામીઓએ કનેક્શન લઈ લીધા છે પરંતુ માત્ર 1066 આસામીઓ જ ફોર્મ ભરી રૂપિયા ભર્યા છે. ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકા તંત્ર દ્વારા લોકોને ભૂગર્ભ ગટરમા કનેક્શન લઈ લેવા જાહેર કર્યું હતું. હાલ રહેણાંક અને કોમર્શિયલ સહિત કુલ 55000 મિલકત ધારકો છે જેમાંથી 43000 ધારકોએ ભૂગર્ભ ગટરમાં કનેક્શન લઈ લીધા છે.

હજુ કેટલાક વિસ્તારોમાં કનેક્શન લેવાના બાકી છે ત્યારે પાલિકા તંત્રની ટીમ દ્વારા સર્વે હાથ ધરી કુલ 911 લોકોને ભૂગર્ભ ગટરના કનેક્શન લેવા નોટિશ આપી છે અને હાલ પણ આ લોકોએ કનેક્શન લીધા કે નહીં તેના માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. કનેક્શન લેવા માટે પાલિકા ખાતે ફોર્મ પણ આપવામાં આવે છે અને રહેણાંક મકાન માટે રૂ. 950 ફી રાખવામાં આવી છે અને કોમર્શિયલ મિલકત માટે રૂ. 1900 ફી રાખવામાં આવી છે પરંતુ માત્ર 1066 લોકોએ જ ફોર્મ ભરી અને કનેક્શનની ફી ભરી છે. જે લોકોએ ભૂગર્ભ ગટરના કનેક્શનની ફી નથી ભરી તેવા આસામીઓને હાઉસ ટેક્સના બિલ સાથે આ રકમ ઉમેરીને બિલ આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર હેમંત પટેલે જણાવ્યું હતું.