પોરબંદર પોલીસે બાઈક ચોરને ઝડપી પાડી બે ચોરીના ભેદ ઉકેલ્યા

જુનાગઢથી વધુ એક એક્ટિવા ચોર્યુ હોવાની કબૂલાત

પોરબંદર કમલા બાગ સર્વેલન્સ કોર્ડ દ્વારા બાઈક ચોરી કરતા એક ઈસમને પકડી પાડ્યો હતો. ત્યારે ચોરે બે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે ચોરાયેલા બાઈક સાથે એક શખ્સ આવી રહ્યો છે. જેથી છાંયા નવાપરામાં રહેતો મયુર ઉર્ફે કાદુ હરીશભાઈ વદર નામનો શખ્સ બાઇક લઇને જુરીબાગથી ચોપાટી તરફ આવી રહ્યો હતો. જેથી પોલીસનો સ્ટાફ કનકાઈ મંદિરે પહોંચી ગયો હતો. પોલીસના સ્ટાફે કનકાઈ મંદિરે જઇ વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું. તે સમય દરમ્યાન જુરીબાગ તરફથી મયુર ઉર્ફે કાદુ હરીશભાઈ વદર બાઈક લઈને આવી રહ્યો હતો. નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવી રહેલ આ શખ્સને રોકાયો હતો. અને તેની પૂછપરછ કરી હતી. તેમજ મોટરસાયકલના કાગળો પણ માંગ્યા હતા. પરંતુ મયુર ઉર્ફે કાદુ હરીશભાઈ વદર પાસે

મોટરસાયકલના કોઈપણ પ્રકારના કાગળો આધાર પુરાવા ન હતા. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી. અને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ભૂગર્ભ ગટર યોજનાના મુખ્ય પંપ સ્ટેશન પાસેથી આ બાઈક ચોરી હોવાની કબૂલાત આપી હતી. તેમજ વધુ પૂછપરછ હાથ ધરતા જૂનાગઢના મોતીબાગ આલ્ફા સ્કૂલ પાસેથી પણ એક એક્ટિવા સ્કૂટરની ચોરી કરી હોય અને આ સ્કૂટર પોરબંદરના વાડી પ્લોટમાં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ પાસે રાખ્યું હોવાની કબૂલાત આપી હતી. હાલ છાંયા નવપર પાસે રહેતા મયુર ઉર્ફે કાદુ હરીશભાઈ વદર નામના શખ્સની પોલીસે અટકાયત કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.