પોરબંદરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બહેનોને પ્રવેશ મેળવવા અનુરોધ કરાયો

  • પ્રવેશ મેળવવા માટે 18 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
  • પોરબંદરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીની બહેનોને ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે 18 માર્ચ સુધી ફોર્મ ભરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સમગ્ર શિક્ષા ગર્લ્સ એજયુકેશન યુનિટ સંચાલિત ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વિદ્યાર્થીની બહેનોના સર્વાંગી વિકાસ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. રાજ્ય સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિશિષ્ટ પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. અને વહાલસોયી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીની બહેનોને ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના ઓફિસર વૈશાલીબેન પટેલ દ્વારા આગામી તારીખ 18 માર્ચ સુધીમાં ફોર્મ ભરવા વિદ્યાર્થીની બહેનોને અપીલ કરવામાં આવી હતી. વિદ્યાલયમાં પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. જેની નોંધ લેવા જણાવવામાં આવ્યુ હતું.

ઓનલાઈન ભરેલ ફોર્મની હાર્ડ કોપી વિદ્યાર્થીની બહેનોએ પોતાની પાસે રાખવા જણાવાયું હતું. રાણાવાવ નજીક આવેલ ખંભાળા ખાતે તેમજ કુતિયાણા નજીક આવેલ મહિયારી અને પોરબંદરના ખાપટમાં પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચાલુ વર્ષથી કાર્યરત કરાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, નિયમિત આરોગ્ય તપાસણી, કન્યાઓને સ્વરક્ષણ માટેની તાલીમ, વ્યવસાયલક્ષી અને જીવન કૌશલ્ય તાલીમ, પોષણ અને આરોગ્ય લક્ષી તાલીમ, કૌટુંબિક અને રમણીય વાતાવરણમાં રહેવા માટેની સગવડ, સ્માર્ટ ક્લાસ રૂમ, શૈક્ષણિક અભ્યાસ સાથે કોમ્પ્યુટર શિક્ષણ, સમયાંતરે એક્સપોઝર વિઝીટ, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, આધુનિક પદ્ધતિ સાથે વિદ્યાર્થીની બહેનોના સર્વાંગી વિકાસ અને જમવા તથા શિક્ષણ સાથે અધતન સુવિધાઓથી સજ્જ સંકુલમાં વિનામૂલ્ય રહેવાની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 5, 6, 7 અને 8 ની વિદ્યાર્થીની બહેનો ફોર્મ ભરી શકશે. બહુ વૈકલ્પિક પરીક્ષા પદ્ધતિ અને ઓછામાં ઓછા 50% ગુણ મેળવનાર જ પ્રવેશ પાત્ર ગણાશે. મેરીટના આધારે કન્યાઓને પ્રવેશ અપાશે. તેમજ પ્રવેશ ફ્રોમ અને પ્રવેશ પરીક્ષા વિનામૂલ્યે હોવાનું વૈશાલીબેન પટેલે જણાવ્યું હતું.

Source : Ab2news buero