ગોરખમઢી ગામે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી)ની મંજુરી આપો

રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય મંત્રાલયને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરાઈ

vijay vadher
રીપોર્ટર : વિજયભાઈ વાઢેર 

ગીર સોમનાથ જિલ્લામાં રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તંત્રને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે ગોરખમઢી ગામ ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપવામાં આવે તો આસપાસના ગ્રામ્ય પંથકના લોકોને આરોગ્ય સેવાનો લાભ લેવામાં ખૂબ જ સરળતાથી પડશે જેથી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ અંગે વધુમાં એવું જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી કરવામાં આવે તો ગોરખમઢી તેમજ આજુ-બાજુના ૧૦ થી ૧૨ ગામના લોકોને આ સરકારી આરોગ્ય સેવાનો લાભ મળી શકે તેમ છે. ગોરખમઢી તેમજ અહીના આજુ-બાજુ ગામના લોકોને આરોગ્ય સેવાનો લાભ લેવા માટે ૧૫ કિમી દૂર જવું પડે છે. જેથી અહીની આજુબાજુના લોકોને પરવડે તેમ નથી.

જો ગોરખમઢી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો આજુબાજુની સગર્ભા મહિલાઓના રિપોર્ટ તેમજ તેમનું A.N.C અને P.N.C ચેકઅપની સુવિધા નજીક મળી રહે અને તેઓને સારવાર લેવા માટે દૂર જવું પડે નહીં, જેથી તેઓનો સમય અને નાણાં વેડફાય નહીં. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દૂર હોય અને અહીના રસ્તાઓ ખરાબ હોવાને કારણે સગર્ભા મહિલાઓને દૂર રિપોર્ટ કરાવવા જવાનું હોવાથી અનેક મુસ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોરખમઢી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો તેમની આસપાસ સુંદરપરા, નવાગામ, આણંદપરા, લાખાપરા, ટોબરા, બોસન, ઉંબરી, છગીયા, વાવડી, લાટી, હરણાસા જેવા ગામોનો સમાવેશ કરી શકાય તેમ છે.

જેથી આ ગામોને આરોગ્ય સેવાનો લાભ મળી શકે તેમ છે. અહિના આજુબાજુના ગામના લોકો અતિ પછાત છે. ગોરખમઢી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો અહીના વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધા નજીક મળી રહે તેમજ સગર્ભા મહિલાઓ પણ સમયસર રિપોર્ટ કરવી શકે જેથી બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદારના પ્રમાણમા સુધારો કરી શકાય છે. આ વિસ્તાર અતિ પછાત વિસ્તાર છે અને આરોગ્યની સુવિધાઓનો અભાવ છે. જેથી ગોરખમઢી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.