મતદારોના નિરસ વલણથી ઓછા મતદાનની ભીતિ

ગુજરાતમાં ૬ શહેરોમાં કોર્પોરેશનની ચૂંટણીને આડે હવે એક જ દિવસનો સમય બાકી છે પરંતુ મતદારોમાં કેટલાક મુદ્દાઓને લઈને નિરસ માહોલ જોવા મળી રહ્યો છે. મતદાન દરમિયાન કોરોના ઈન્ફેક્શનની ભીતિ, મંદ ધંધા-રોજગાર, મોંઘવારી અને ચૂંટાયા પછી કોર્પોરેટરોની નિષ્ક્રિયતા જેવા મુદ્દાથી લોકોને ચૂંટણીમાં કોઈ રસ ના હોય તેવું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ઓછા મતદાનના અંદેશાથી રાજકીય પક્ષોની ઊંઘ પણ ઉડી ગઈ છે અને વધુ મતદાન કરાવવવા માટે દોડધામ કરી રહ્યા છે.

ચૂંટણીને લઈને વિવિધ રાજકીય પક્ષો છેલ્લા કેટલાય દિવસથી પ્રચાર માટે ધમધમાટી કરી રહ્યા હતા. આ દરમિયાન મતદારોમાં સંપૂર્ણ નિરસ માહોલ હોવાનું જાણવા મળ્યું. મતદાનમાં પણ આવી જ સ્થિતિ રહી તો મતદાનની ટકાવારીમાં ઘટાડો થઈ શકે છે અને તેના કારણે પરિણામ ઉપર પણ અસર પડવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જણાવી દઈએ કે, ૨૦૧૫માં પણ સરેરાશ મતદાન ૪૫.૮૧ ટકા જ થયું હતું.

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. મહત્વનું છે કે, ગઈકાલે પ્રચારનો અંતિમ દિવસ હતો. ત્યારે ૧૯મીના રોજ સાંજના પાંચ વાગતા જ ચૂંટણી પ્રચારના પડઘમ રાજ્યમાં શાંત થઇ ગયા છે. જોકે છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા માટે દરેક પક્ષો સોશિયલ મીડિયા, ખાનગી બેઠકો અને ડોર ટુ ડોર પ્રચાર કરશે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષોએ રેલીઓ યોજી મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. હવે ફક્ત ડોર ટુ ડોર પ્રચાર શરૂ રહેશે. આ સાથે જ બૂથ મેનેજમેન્ટની તૈયારીમાં લાગી જશે તેમજ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લઇ જવાનું પણ આયોજન કરાશે. મહાનગરપાલિકા જીતવા માટે ભાજપ-કોંગ્રેસે મરણિયા પ્રયાસો શરૂ કર્યાં છે.

૬ મહાનગરોમાં કઈ કઈ પાર્ટી ચૂંટણી મેદાને?
રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો ૬ કોર્પોરેશનમાં ૧૦ જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી  વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી, ભારતીય સામ્યવાદી પક્ષ, ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી  જનતાદળ સેક્યુલર  અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન  સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારો પણ કોર્પોરેશનની ચૂંટણીમાં જંગમાં ઉતર્યા છે.