બધાના ફોર્મ બેઠા બેઠા, ભાજપના નેતા જોઈ ફોર્મ લેવા અધિકારી ઉભા થઈ ગયા

  •  નિયમોના કડક પાલન અંગે લોકોમાં નિરાશા પેદા કરતા અફ્સરો
  • બેલેટ પેપરમાં ભાજપનું કમળ કોંગ્રેસના પંજા અને અન્ય રાજકીય પક્ષોના પ્રતિક કરતા મોટુંં

કોંગી નેતાએ કહ્યું-ચૂંટણીનું નાટક બંધ કરી ભાજપને જ સત્તા આપી દો

ટી.એન.શેષાન નામના એક અધિકારી હતા, ચૂંટણીના નિયમો કેવો છે તેનો લોકોને અહેસાસ કરાવ્યો હતો પરંતુ, હવે એ ભૂતકાળ બનાવી દેવાયો છે. રાજકોટમાં એક ચૂંટણી અધિકારી (પ્રાંત અધિકારી)એ અન્ય તમામ ઉમેદવારોના ફોર્મ તો સત્તાની ખુરશી પર બેસીને સ્વીકાર્યા પણ ફોર્મ દેવા માટે ભાજપના એક નેતા સાથે આવતા તેને જોઈને જ તે વિવેકી બની ગયા હતા અને ખુરશી પરથી ઉભા થઈને ફોર્મ સ્વીકારતા આ દ્રશ્ય લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. તો વિરાણી હાઈસ્કૂલમાં બેલેટ મશીન ચકાસણી દરમિયાન ભાજપના કમળને પંજા કરતા ઘણુ મોટુ ચિતરાતા કોંગ્રેસી નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો.  સોશ્યલ ડિસ્ટન્સ ભંગનો આજે ઠેરઠેર નિયમિત નિયમભંગ થયો હતો.

દ્રશ્ય-૧ : જુની કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહિલ પાસે તમામ પક્ષ,અપક્ષના ઉમેદવારો  જિ.પં.ની ચૂંટણી લડવા આજે ફોર્મ રજૂ કરતા હતા. તસ્વીરો ખેંચાતી હતી, ખેંચાવાતી હતી અને કેમેરા સામે જોયા વગર અફ્સર બાબુ ખુરશી પર બેઠા બેઠા ફોર્મ સ્વીકારતા હતા અને ફોર્મ સ્વીકારાયું એટલે પત્યું માનીને ઉમેદવારો પણ સંતોષ માનીને નીકળી જતા હતા. આ દરમિયાન ભાજપના એક ઉમેદવારનું ફોર્મ ભરવા માટે તેમની સાથે ભાજપના નિતીન ભારદ્વાજ આવ્યા. મુખ્યમંત્રીની નિકટના આ નેતાને  જોઈને જ આ રૂઆબદાર અફ્સર  ખુરશી પરથી ઉભા થઈને ફોર્મ સ્વીકારી વિવેક દર્શાવ્યો હતો.

એટલું જ નહીં, આ સરકારી અધિકારી ફોર્મ સ્વીકારતા હતા ત્યારે ચાર-પાંચ નહીં, ડઝનેક કાર્યકરો હતા અને તેમાં ઘણાએ માસ્ક પહેર્યો ન્હોતો, કેટલાકે માસ્ક નાક-મોં નીચે ઉતારી નાંખ્યો, છતાં તેમને માસ્ક તો બરાબર પહેરો તેવી સૂચના આપનારૂં પણ કોઈ ન્હોતું.

લોકોની આંખ આવા  બધું જ સીસીટીવી વગર પણ જુએ છે, લોકોએ કહ્યું-કાશ આપણો પગાર ખાતા આ બાબુઓ આપણા પ્રતિ આવું વિવેકી વર્તન રાખતા હોય તો?

હવે બીજું દ્રશ્ય. વિરાણી હાઈસ્કૂલમાં  વોર્ડ નં.૭ના ઈ.વી.એમ.મશીનની ચકાસણીમાં બન્ને પક્ષના ઉમેદવારો સાથે હોય છે. આજે ચકાસણી ચાલતી હતી ત્યાં જ ભાજપનું કમળનું નિશાન ઉડીને આંખે વળગે એટલું મોટુ પ્રિન્ટ થયું હતું અને કોંગ્રેસનું પંજાનું નિશાન નાનુ થઈ ગયું હતું. આ ધ્યાને આવતા કોંગ્રેસના નેતા કેયુર  મસરાણીએ તંત્રને લેખિત રજૂઆત પણ કરી છે.  તેમણે રોષપૂર્વક અને નિરાશા સાથે જણાવ્યું  કે તંત્ર આખુ આવું જ થઈ ગયું હોય તો પછી ચૂંટણીનું ડિંડક શુ કામ કરવું જોઈએ, શુ કામ ખોટી  આશા જગાડવી જોઈએ, ચોખ્ખુ કહી દો એટલે અમારા ઉમેદવારો જંગમાંથી જ હટી જાય છે અને ભાજપ ભલે સીધે સીધો સત્તા પર આવી જાય.

ત્રીજુ દ્રશ્ય. બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક પાસે આઠ-દસ કે પચીસ-ત્રીસ કોંગ્રેસના કે ખેડૂત કાર્યકરો ભેગા થયા ત્યારે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ગણી અટકાયત કરાઈ તે સર્વવિદિત છે. આ કાયદો આજેય અમલમાં છે, રીપીટ આજે અમલમાં છે. અગાઉ મનપાના ફોર્મ ભરવા ભાજપની સભા વખતે અને આજે જિ.પં.માં ભાજપના ફોર્મ ભરવા માટે ફરી સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા. આ સ્થળની બાજુમાં જ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અમલદારોની કચેરીઓ આવેલી છે.

વધુ  એક દ્રશ્ય: ભાજપના ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યા, ઢોલ વગાડાયા. ભાજપના નેતાઓને મોંઘવારી નડતી નથી તેવો મુક મેસેજ આપતા હોય તેમ ઢોલીને પાંચસો રૂપિયાની નોટો કાઢીને આપી હતી. આનાથી રોજ આઠ-દસ કલાકની મજુરી,કામગીરી પછી પાંચસોનું વેતન નથી મળતું તે માણસ પર શુ અસર પડશે? શ્રમજીવી પ્રતિ ઉદારતા રાખવી જ હોય તો ક્યારેક પાંચસોની નોટ દેખાડવાના બદલે કાયમી પચીસ હજારની નોકરીઓ આપવાનું કેમ વિચારાતું નથી.

સરકારી બાબુઓ નોકરી છોડીને  ભાજપ-કોંગ્રેસનો ઝંડો લઈને નીકળે પડે તેમાં કોઈને વાંધો હોતો નથી પણ નેતા, તેમાંય શાસકપક્ષના, અને શાસકપક્ષમાં પણ વગદારને જોઈને તેઓ હજુરિયા દેખાવા લાગે તેનાથી કોઈ નિયમ ભંગ ભલે ન થતો હોય પણ લોકોમાં આ અફ્સરને નેતા વિરૂદ્ધ ફરિયાદ કરીશું તો પગલા થોડા લેવાના છે? તેવી નિરાશા જરૂર જન્મે છે.