રાષ્ટ્રીયકક્ષાની, રાજ્યકક્ષાની દોડની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવીને બે ગોલ્ડ મેડલ જીત્યા

પોરબંદર જિલ્લાના પારાવાડા ગામની વિદ્યાર્થીની બહેને દોડની સ્પર્ધામાં હિમાચલ ખાતે બે ગોલ્ડ મેડલ જીતી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરનું નામ દેશભરમાં ગૌરવથી ગુંજતું કર્યું હતું. હિમાચલ પ્રદેશમાં 800મી. ની દોડમાં તેમજ રાજકોટ ખાતે 1500 મી.ની દોડમાં પ્રથમ ક્રમે રહી પોરબંદર જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

ગામની શાળાની એક વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીયકક્ષાની તેમજ રાજ્યકક્ષાની દોડની બંને સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવીને બે-બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. પોરબંદર જીલ્લાના પારાવાડા ગામની શ્રી સ્વ.પી.એસ.એમ. ઠકરાર હાઇસ્કૂલમાં ધોરણ-12 માં અભ્યાસ કરતી પૂજાબેન બાબુભાઇ લીંબોલા નામની વિદ્યાર્થીનીએ ‘યુથ નવજ્યોતિ સ્પોર્ટસ એસોસીએશન ઓફ ઇન્ડીયા’ દ્વારા ભારત દેશના હિમાચલ પ્રદેશના મનાલી ખાતે ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી 800 મીટરની દોડમાં પૂજાબેન લીંબોલાએ ભાગ લીધો હતો. અને આ આઠસો મીટરની દોડમાં પ્રથમ ક્રમ મેળવીને પૂજાબેન લીંબોલાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત પૂજાબેન લીંબોલાએ ‘ધ એસોસીએશન ઓફ ટ્રેડીશ્નલ યુથ ગેમ એન્ડ સ્પોર્ટસ ઓફ ઇન્ડીયા’ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ ખાતે ગત જાન્યુઆરી માસમાં યોજાયેલી પંદર સો મીટરની દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને આ 1500 મીટરની દોડમાં પણ પૂજાબેને પ્રથમ ક્રમાંકે રહીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ રાષ્ટ્રીયકક્ષા તથા રાજ્યકક્ષાની દોડની સ્પર્ધાઓમાં ભાગ લઇને પૂજાબેન લીંબોલાએ બે બે ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર પોરબંદર જીલ્લાનું નામ રોશન કર્યુ હતું. પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરનું નામ રોશન કરવા બદલ આ વિદ્યાર્થીને ઠેરઠેરથી શુભેચ્છાઓની વર્ષા થઇ હતી. અને શાળા દ્વારા પણ વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.