સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી : પોરબંદર ભાજપના ૩૯૮ લોકોએ દાવેદારી કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો દ્વારા પણ કમર કસવામાં આવી છે ત્યારે પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી માં ૩૯૮ લોકોએ દાવેદારી કરી છે. ત્યારે ભાજપના અનેક આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા,

ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાના નિવાસ્થાને ગાંધીનગર ખાતે પોરબંદર જિલ્લા ભાજપના અગ્રણીઓની બેઠક યોજી હતી. અને આગામી ચૂંટણીને લઈને અનેક લોકોના પતા કપાય તેમ હોવાથી ધારાસભ્યના નિવાસ્થાને બેઠક યોજ્યા બાદ ઉમેદવારોની યાદીનો અહેવાલ પાર્ટી ને સુપ્રત કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા જાગી હતી. પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી સમયમાં યોજાનાર ચૂંટણી માટેની બેઠકો માટે ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થઇ છે.

પોરબંદરમાં પાલિકાની, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે ત્યારે આ બેઠકો માટે ઉમેદવારી પત્રક નોંધાવાની શરૂઆત થઇ હોય. આ વખતે પોરબંદર પાલિકામાં છાયા પાલિકા અને ધરમપુરનો સમાવેશ થતા કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે આજથી ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરશે.

પાલિકા ચૂંટણીમાં આ વખતે 94793 પુરુષ મતદાર, 90431 સ્ત્રી મતદાર અને અન્ય જાતિના 4 એમ કુલ 1,85,228 મતદારો નોંધાયા છે. આ વખતે 59554 મતદારોનો વધારો નોંધાયો છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોરબંદર તાલુકામાં 22 બેઠકોમાં કુલ 134322 મતદારો, રાણાવાવ તાલુકા 16 બેઠકો માટે 52284 મતદારો અને કુતિયાણા તાલુકાની 16 બેઠકો માટે 46136 મતદારો નોંધાયા છે.

જ્યારે જિલ્લા પંચાયતની કુલ 18 બેઠક મા કુલ 2,32,742 મતદારો નોંધાયા છે. આજે 8 તારીખે આ તમામ બેઠકો માટે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરશે. તા. 8 થી તા. 13 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. તારીખ 15ના રોજ ફોર્મની ચકાસણી થશે. તા. 16 સુધી જે ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માંગતા હોય તે ખેંચી શકશે.

નગર પાલિકાની બેઠક માટે અહીં ઉમેદવારી નોંધાવી શકાશે. નપાની 52 બેઠક માટે આજથી ઉમેદવારો ઉમેદવારી નોંધવાની શરૂઆત કરશે જેમાટે જિલ્લા સેવાસદન 1 ખાતે ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ફસ્ટ ફ્લોર પર ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરાશે.

  • 1. પાલિકા ચૂંટણી માટે 168 બૂથ રહેશે જે માટે 900 જેટલો પોલિંગ સ્ટાફ રહેશે. એક બૂથ પર 1 CU અને 2 BU રખાશે.
  • 2. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પોરબંદર તાલુકા મા 154 બૂથ, રાણાવાવ તાલુકામાં 59 બૂથ અને કુતિયાણા તાલુકામાં 67 એમ કુલ 280 બૂથ રહેશે અને કુલ 1550 જેટલો પોલિંગ સ્ટાફ રહેશે.
  • 3 તાલુકા પંચાયતની પોરબંદર તાલુકાની 22 બેઠક માટે જિલ્લા સેવાસદન 2 નજીક આવેલ ડિઝાસ્ટર કચેરી ખાતે, ટીડીઓ કચેરી પોરબંદર ખાતે તેમજ રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠક માટે રાણાવાવ મામલતદાર કચેરી, ટીડીઓ કચેરી ખાતે અને કુતિયાણા ની 16 બેઠક માટે કુતિયાણા મામલતદાર કચેરી અને ટીડીઓ કચેરી ખાતે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે.
  • 4. જિલ્લા પંચાયતની 22 બેઠક માટે પોરબંદર તાલુકા માટે જિલ્લા સેવા સદન 1 માં પ્રાંત અધિકારી કચેરી ખાતે 5 સીટ માટે તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે 5 સીટ માટે ઉપરાંત રાણાવાવ બેઠક માટે રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે અને કુતિયાણામાં પ્રાંત ઓફિસરની કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવામા આવશે.