પોરબંદરમાં એક પાગલ શખ્સે એક દુકાનને ટાર્ગેટ બનાવી

પોરબંદરમાં એક બાજુ રેઢિયાળ પશુ દ્વારા અવારનવાર જાહેર માર્ગો પર પડેલ વાહનોને અડફેટે લઇ નુકસાન પહોંચાડવામાં આવે છે અને રેઢિયાળ પશુઓથી અકસ્માતના કારણે નગરજનો પરેશાન બન્યા છે તો બીજી તરફ અસ્થિર મગજના લોકો દ્વારા પણ જાહેર જનતાને પરેશાની ભોગવવી પડી રહી છે. પોરબંદરમાં એક પાગલ શખ્સે એક દુકાનને ટાર્ગેટ બનાવી હોઈ તેમ એક અઠવાડિયામાં 4 વખત દુકાન પર પથ્થરો ફેંકી કાચને નુકશાન પહોચાડ્યું હતું. પોરબંદર શહેરમાં અવારનવાર માનસિક અસ્થિર મગજના કેટલાક વ્યક્તિઓ તોફાને ચડી લોકોને ગાળો કાઢી મારવા દોડતા હોવાના બનાવ સામે આવે છે ત્યારે તાજેતરમાં જ એક પાગલે એક દુકાનને ટાર્ગેટ બનાવી હોય તેમ અઠવાડિયામાં 4 વખત દુકાન પર પથ્થર ફેંકી દુકાનના કાચના એલિવેશને નુકશાન પહોચાડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના એમજી રોડ પર પહેલા માળે આવેલ દિપક સ્ટુડિયો નામની દુકાન પર કાચનું એલિવેશન છે. આ દુકાન પર એક પાગલે પથ્થર ના ધા કર્યા હતા.

અઠવાડિયામાં 4 વખત આ પાગલે દુકાન પર પથ્થર મારતા દુકાનના કાચ ભાંગી નાખ્યા હતા. જેથી દુકાનદાર સંજય શાંતિલાલ દાસાણીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. અને દુકાનના કાચ પર સીસીટીવી કેમેરો મુક્યો હતો જેમા આ પાગલ વહેલી સવારે આવી પથ્થરનો ધા મારી ચાલ્યો જતો હોવાનું નજરે ચડ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે પાગલને પકડી લીધો હતો અને માનસિક અસ્થિર હોવાને કારણે પેરેડાઈઝ વિસ્તારમાં આવેલ પાગલ આશ્રમ ખાતે મૂકી આવ્યા હતા. પોરબંદર શહેરમાં પાગલો ઘણી વખત ગુસ્સે થઈને વાહન ને ટાર્ગેટ પણ બનાવતા હોઈ છે. ત્યારે આવા માનસિક અસ્થિર વ્યક્તિઓ નિર્દોષ લોકોને વધુ પરેશાન કરે તે પહેલા પકડીને પાગલ આશ્રમ ખાતે મોકલી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. અસ્થિર મગજના વ્યક્તિઓના કારણે આમ જનતા પરેશાન બની છે ત્યારે અસ્થિર વ્યક્તિઓને તંત્ર દ્વારા પુરતી સગવડ આપવામાં આવે અને યોગ્ય સ્થળે તેમને મૂકવામાં આવે તેમજ તેમની યોગ્ય રીતે સારસંભાળ લેવામાં આવે તેવી પણ હાલ નગરજનોની માંગ ઉઠી છે.