નફાકારક એલ.આઈ.સી.માં વિદેશી રોકાણને 74 ટકા છૂટ સામે આક્રોશ

  • – સોનાના ઈંડા દેતી મરઘીને સરકાર મારી નાંખશે
  • – એલ.આઈ.સી.ચાલતી ન્હોતી એટલે તો આ નિર્ણય નથી લીધો

દેશમાં મોબાઈલ સર્વિસ, એરપોર્ટ, બંદરો વગેરેમાં ખાનગીકરણના વિવાદાસ્પદ સિલસિલામાં હવે સરકારના કમાઉ દિકરા જેવી એલ.આઈ.સી.માં ૭૪ વિદેશી રોકાણની છૂટ આપવાના કેન્દ્રીય બજેટમાં નિર્ણયની સખત ટીકા કરીને કેટલાક આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો છે. એલ.આઈ.સી.કર્મચારીઓએ આ મુદ્દે  વિરોધ પ્રદર્શન કર્યા તેને પણ સરકારે ગાંઠયા નથી.

સોનાની મરઘી ઈંડા આપતી હોય તો તેને મારી ન નંખાય પણ આ સરકાર તેને મારી નાંખશે તેમ કહીને ભારતીય વિમા કર્મચારી સેનાના ખોડુભા ગોહિલે સખત વિરોધ ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોઈ જાહેર સાહસ માંદુ પડયું હોય તો તેને બેઠુ કરવા વિદેશી રોકાણનો ડોઝ આપવાની આ વાત  નથી, કારણ કે એલ.આઈ.સી.દાયકાઓથી ધમધમતું પ્રજા-સરકારની માલિકીનું કોર્પોરેશન છે. છતાં તે ખાનગી કંપનીઓના હાથમાં જાય તે માટેના આ નિર્ણય પાછળ કોનું હિત કરવાનો ઈરાદો છે તેવો સવાલ તો આમ નાગરિકોમાં પણ ઉઠયો છે.

આત્મ નિર્ભરતાની વાતો કરતી મોદી સરકાર જેમાં દેશની જનતાના કરોડો રૂ।.ની બચત છે તે એલ.આઈ.સી.વિદેશી કંપનીઓને વેચી દેવાનો નિર્ણયની ટીકા કરીને સી.પી.આઈ.એ  દેશભક્તો જ દેશની સંપતિ વેચી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.