મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ “ડિઝિટલ સેવાસેતુ” કાર્યક્રમ ઇ-પ્રારંભ કરાવ્યો પોરબંદર જિલ્લાકક્ષાનો “ડિઝિટલ સેવાસેતુ” કાર્યક્રમ બગવદર ખાતે યોજાયો પોરબંદર જિલ્લાનાં ૨૬ ગામોમાં આ ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી

પોરબંદર,તા.૮ ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા મથક સુધી જવુ ન પડે અને સ્થાનિક સ્તરે જ સરકારી સેવાઓનો ઝડપી લાભ મળી રહે તે માટે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગથી “ડિજીટલ સેવાસેતુ” કાર્યક્રમનો ઇ-પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ બગવદર ગામના ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઇ મોરીની અધ્યક્ષતામાં ડિજીટલ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિલેષભાઇ મોરીએ કહ્યુ કે, ગુજરાતના ગામડાઓ ડિજિટલ બન્યા છે, સરકારની આ ડિજિટલ સેવાથી લાભાર્થીઓને સરકારની અનેક સેવાઓનો ઘરઆંગણે લાભ મળશે. હવે મોટાભાગની સરકારી સેવાઓ માટે ગ્રામવાસીઓને તાલુકા સુધી નહીં જવુ પડે આ ડિજિટલ સેવાઓનો પુરેપુરો લાભલેવા ગામવાસીઓને નિલેષભાઇએ અનુરોધ કર્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ કહ્યુ કે, ગામ લોકોને હવે ઘર આંગણે ડિજિટલ સેવા મળી રહેશે. આ પ્રકારની સેવાઓથી કર્મયોગીઓનો સમય અને અરજદારોનો સમય તથા ખર્ચ બચશે. ડિજિટલ સેવા થકી કામ ઝડપી થવાની સાથે સાથે વધુ ચોકસાઇ પુર્વક થશે. પોરબંદર જિલ્લાનાં ૨૬ ગામોમાં આ ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે. જેમા કુતિયાણાના ૧૦ ગામો, રાણાવાવનાં ૬ ગામો તથા પોરબંદરનાં ૧૦ ગામોનો સમાવેશ કરાયો છે. ડીજીટલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળ વ્યક્તિગત લાભ માટેની અરજીઓ, સ્કોલરશીપ યોજનાના લાભોની અરજીઓ,જમીન માપણી અને નવી નોંધ દાખલ કરતી અરજી, આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિકોના પ્રમાણપત્રને લગતા દાખલાઓની અરજી-કામો, રેશનકાર્ડને લગતી અરજીઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા આધાર કાર્ડ અરજીઓ, ગંગા સ્વરૂપા અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળની સેવાઓ સહિત ૨૨ સેવાઓનો લાભ મળશે.કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ આવડાભાઇ ઓડેદરા, બગવદર ગામના સરપંચ વિક્રમભાઇ ઓડેદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક, મામલતદાર બી.જે સાવલિયા, ડી.પી.ઓ સીમાબેન પોપટીયા સહિત કર્મયોગીઓ તથા બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો તથા અરજદારોનું જિલ્લા આરોગ્યની ટીમ દ્રારા હેલ્થ સ્ક્રિનિંગ કરવાની સાથે તમામે સામાજિક અંતર જાળવી, માસ્ક પહેર્યુ હતું. કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પોરબંદર તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઇ પરમારે તથા સંચાલન વિશાલભાઇ રાજ્યગુરૂ કર્યુ હતું.