ગુજરાતમાં આંગણવાડીનાં બાળકોને નવો ગણવેશ આપવાનો વિવાદ !!

ગુજરાતમાં અંદાજે સવા વર્ષથી બંધ આંગણવાડીનાં બાળકોને પોષણક્ષમ ખોરાક સમયસર આપવાને બદલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કરોડો રૂપિયાના ખર્ચે ગણવેશ આપવાનું નક્કી કરતા વિવાદ થયો છે.

આંગણવાડી સાથે સંકળાયેલાં સંગઠનોનું માનવું છે કે બંધ આંગણવાડીનાં બાળકોને ગણવેશ આપવાને બદલે કામ કરનારાં બહેનોને બાળકોના ઘરે પોષણક્ષમ ખોરાક આપવાની સુવિધા અપાઈ હોત તો બાળકોનું ભલું થાત. તેમના મતે બાળકોને ગણવેશ આપી ગરીબોની સામે આભાસી ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં આંગણવાડીનાં પાંચ બાળકોને પ્રતીકાત્મક રીતે ગણવેશ આપતા જાહેરાત કરી હતી કે “ગુજરાતમાં સંપન્ન લોકોનાં બાળકો નર્સરી અને પ્લે ગ્રૂપમાં ગણવેશ પહેરીને જાય છે, ત્યારે ગરીબ બાળકો આંગણવાડીમાં જાય એ સમયે એમને પણ આવી ભાવના જાગે એ માટે આંગણવાડીનાં તમામ બાળકોને બે જોડી ગણવેશ આપવામાં આવશે, જેના માટે સરકાર સવા છત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.” તેમણે કહ્યું કે “આંગણવાડીનાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આ ઉપરાંત પાંચ કરોડના ખર્ચે નવી ‘પા પા પગલી’ યોજના શરૂ કરાશે.” આ પ્રથમ વખત છે કે આંગણવાળીનાં બાળકોને ગણવેશ આપવામાં આવી રહ્યો છે.

બાળકો માટેના ગણવેશનો વિવાદ શું છે?

ગુજરાત રાજ્યમાં 53029 આંગણવાડી કેન્દ્રો છે. 2019ની પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોના 2019ના રિપોર્ટ મુજબ આ બધી આંગણવાડીઓ સક્રિય હતી જેમાં 45.82 લાખ બાળકો છે.જોકે કોરોના મહામારીને કારણે રાજ્યમાં આંગણવાડીઓ બંધ રહી છે એવું આ ક્ષેત્રે કામ કરતા સામાજિક કાર્યકરોનું કહેવું છે. હજી જ્યારે આંગણવાડીઓમાં બાળકોનું આવવાનું ફરી શરૂ થાય તે પહેલાં ગુજરાતમાં આંગણવાડીનાં બાળકોને ગણવેશ આપવાના સરકારના નિર્ણયની ટીકા થઈ રહી છે.

મુખ્ય મંત્રીની આ યોજનાને આંગણવાડીની બહેનોના હક્કો માટે લડાઈ લડી રહેલા મહિલા શક્તિ સેનાનાં પ્રમુખ ચંદ્રિકાબહેન સોલંકી અયોગ્ય ગણાવે છે.બીબીસી સાથેની વાતચીતમાં ચંદ્રિકાબહેન કહે છે, “આંગણવાડીનાં બાળકોને ગણવેશ આપવાને બદલે સરકારે આંગણવાડીની બહેનો માટે મદદ કરવા ‘પા પા પગલી’ યોજના શરૂ કરવી જોઈએ.”

“કોરોનાની મહામારીમાં આંગણવાડીની બહેનોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો છે, એમને ઈન્સેન્ટિવ આપવું જોઈએ, કારણ કે કોરોનાની મહામારીમાં આ બહેનોને ગરીબ બાળકો માટે જે પોષણક્ષમ ખોરાક બનાવવાનો સામાન સરકાર મોકલતી હતી એ એમના ખર્ચે આંગણવાડી સુધી લાવીને સુખડી બનાવી બાળકોને પહોંચાડતી હતી.” તેઓ કહે છે, “પોતાના ગાંઠના પૈસા ખર્ચ કરી ગરીબ બાળકોને ખોરાક પહોંચાડનાર બહેનોને કોઈ ફાયદો થયો નથી. એટલું જ નહીં આ કોરોનાની મહામારીમાં આંગણવાડીની બહેનોને પૂરતાં ગ્લવ્ઝ, સેનેટાઇઝર કે માસ્ક અપાયાં નથી.”

“સેનેટાઇઝરની એક નાની બૉટલ એક અઠવાડિયું ચલાવવાનો આદેશ અપાતો અને ગરીબ બાળકો અને ગરીબ ગર્ભવતી બહેનોને ખોરાક પહોંચાડવાની જવાબદારી અપાઈ છે, ત્યારે એમને પણ આશાવર્કર બહેનોને રોજનું 33 રૂપિયાનું જે ભથ્થું અપાયું છે એવી રીતે ભથ્થું આપવું જોઈએ.”

બાળકોને પોષણક્ષમ આહાર આપવો જોઈએ’

ચંદ્રિકાબહેન કહે છે કે “આંગણવાડીનાં બાળકોને ગણવેશ આપવાને બદલે એમને પોષણક્ષમ આહાર આપવામાં વધુ પૈસા ફાળવવા જોઈએ, કારણ કે આંગણવાડીનાં બાળકોને ગણવેશ આપી એમના મનમાં સ્કૂલમાં જવાનો ભય ઊભો કરી રહ્યા છે.” “સરકાર જો આ બાળકોનું બૌદ્ધિક સ્તર વધે એવાં રમકડાં આપે તો સરકાર એમને ભાર વગરનું ભણતર આપી શકે એમ છે. જો એમને સારાં રમકડાં અપાશે તો એ વધુ ખીલશે.” તેઓ વધુમાં ઉમેરે છે, “ગણવેશના ચક્કરમાં નાનાં બાળકો આંગણવાડીમાં આવતાં ડરશે, એને લાગશે કે એ એક બંધનમાં આવી ગયાં છે.”

‘ગણવેશ આપવાનો ફતવો મજાક સમાન’

આવું જ કંઈક પંચમહાલના આદિવાસી વિસ્તારમાં આંગણવાડીની બહેનો અને બાળકો માટે કામ કરતી આનંદી સંસ્થાનાં અધ્યક્ષ નીતાબહેન હાર્ડિકર માને છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “છેલ્લા સવા વર્ષથી આંગણવાડીઓ બંધ રહી છે. આ બાળકોને પોષણક્ષમ ખોરાક આપવા માટે આંગણવાડીની બહેનો પાસે સુવિધા નથી ત્યારે આ ગણવેશ આપવાનો ફતવો એક મજાક સામાન છે.”

“આંગણવાડીઓ બંધ છે ત્યારે 50 બાળકોને અઠવાડિયે એક કિલો સુખડી આપવા માટે આંગણવાડીઓની બહેનોને બાળકોના ઘરે જવું પડે છે.”

“કોરોનામાં આ કામગીરી પણ બરાબર થઈ શકી નથી ત્યારે ગણવેશનો ફતવો બહાર પાડવાની યોજના કઈ રીતે બાળકોના ભવિષ્યને સુધારશે એ ખબર નથી.

“કોરોનામાં સમયસર આ ગરીબ બાળકોને પોષણક્ષમ આહાર નહીં મળવાને કારણે કુપોષણનું પ્રમાણ આદિવાસી અને વંચિત વિસ્તારોમાં વધ્યું છે ત્યારે આ બાળકોને વધુ સારો ખોરાક મળે એના માટે પૈસા ફાળવવાને બદલે સરકાર ગણવેશ માટે કરોડો રૂપિયા ખર્ચે એ યોગ્ય નથી.”

“કોરોનાની પહેલી અને બીજી લહેરમાં આંગણવાડી બહેનો સમયસર ખોરાક પહોંચાડી શકે નહીં એ સમજી શકાય એવી વાત છે. આંગણવાડી બંધ છે ત્યારે એમને ગણવેશ આપવાનો ફાયદો શું છે એ સમજાતું નથી, કારણ કે આદિવાસી વિસ્તારમાં દર અઠવાડિયે 50 કિલો અનાજ રાંધીને બાળકોના ઘરે પહોંચાડવું સંભવ નથી. ત્યારે ગણવેશ આપવાને બદલે સરકારે આવાં બાળકો સુધી પોષણક્ષમ આહાર પહોંચે એના માટે બજેટ ફાળવ્યું હોત તો બાળકોને વધુ ફાયદો થયો હોત.”

મળતિયાઓને ખુશ કરવાની વાત?

તો વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગરીબ બાળકોને પોષાક મળે એ સારી વાત છે, પણ સરકારે આ પૈસા ગણવેશના બદલે કુપોષણથી પીડાતાં બાળકો માટે ફાળવ્યા હોત તો સારું હતું, કારણ કે ગુજરાતમાં કુપોષણથી પીડાતાં બાળકોની સંખ્યા વધી રહી છે. તેઓ કહે છે, “સરકાર ગરીબીને ઢાંકી રૂપાળી દેખાડવા માટે ગણવેશ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે એનું કારણ સમજાતું નથી.”

“કોરોના દરમિયાન આંગણવાડીની બહેનોને ઘણી મુશ્કેલી પડી છે અને ગુજરાતમાં આ વર્ષે કુપોષણનો દર વધ્યો છે. આજે પણ આંગણવાડી શરૂ નથી થઈ, બાળકોના કુપોષણનો દર આ વર્ષે 50% પહોંચ્યો છે.

“સરકાર કુપોષિત બાળકોને કપડાં પહેરાવી પોતાની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર પોતાના મળતિયાને ખુશ કરવા માટે આવા નવા ફતવા બહાર પાડે છે.” તેઓ કહે છે, “સરકાર બાળકોમાં કુપોષણ અટકાવી શકતી નથી અને પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે ગણવેશનો કૉન્ટ્રાકટ આપે એ ખોટું છે. એ ગરીબ બાળકોને પોશાક આપે, પણ આંગણવાડીનાં બાળકોના શારીરિક વિકાસના ભોગે નહીં.”

ગણવેશ મામલે સરકાર શું કહી રહી છે?

તો આ આરોપોને ફગાવતા મહિલા અને બાળવિકાસ વિભાગના મંત્રી ગણપત વસાવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આંગણવાડીનાં બાળકોને ગણવેશ આપવાના નિર્ણય પાછળ કોઈ કૌભાંડ નથી.”

“ગુજરાતની 53,000 આંગણવાડીઓના 14 લાખ બાળકોને 36 કરોડ 28 લાખના ખર્ચે 18 લાખ જોડી ગણવેશ આપવાનો નિર્ણય કોરોના પહેલાં થયો હતો. એના ટેન્ડરની પ્રક્રિયા 2018-19ની ગ્રાન્ટમાંથી કરવામાં આવી છે.”

“ઉચ્ચ કક્ષાના સચિવની સમિતિએ લોએસ્ટ ટેન્ડર ભરનારને કામગીરી સોંપી છે એટલે કોઈ મળતિયાઓને ગણવેશ બનાવાની કામગીરી સોંપવાનું કોઈ કૌભાંડ થયું નથી.”

વસાવા કહે છે, “આ ટેન્ડર 2019માં પાસ થયાં છે, 2020માં કોરોનાને કારણે ગણવેશ અપાયાં નથી. અત્યારે આંગણવાડીઓ બંધ છે પણ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે કદાચ નજીકના સમયમાં આંગણવાડીઓ શરૂ થશે એટલે અમે ગણવેશનું વિતરણ કરી રહ્યા છીએ.”

“રહી વાત આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ ખોરાક આપવાની તો એ આંગણવાડીની બહેનો બાળકોને ઘરેઘરે જઈને ખોરાક આપે છે.”

Credit & Source : BBC ગુજરાતી

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.