અનામતનો વિરોધ સમજ્યા વિના કરવામાં આવે છે, અનામત પ્રતિનિધિત્વની વ્યવસ્થા છે

સુપ્રિમકોર્ટ : ‘કેટલી પેઢી સુધી અનામત ચાલુ રાખશો?’
આપણે ત્યાં અનામતનો વિરોધ સમજ્યા વિના કે પૂરતો અભ્યાસ કર્યા વિના કરવામાં આવે છે,
અનામત શા માટે? તેના ઐતિહાસિક કારણો શું છે? તે સમજવાની દરકાર લેવાતી નથી,
  • ગુજરાતમાં 1985 માં અનામત સામે જબરજસ્ત આંદોલન થયું હતું.
  • 25 ઓગષ્ટ 2015 ના રોજ અમદાવાદ ખાતે લાખો લોકોએ એકત્ર થઈને પાટીદાર અનામત એટલે કે આર્થિક નબળા વર્ગ માટે અનામતની માંગણી કરી હતી.
  • અનામત એટલે સમાજનો કોઈ હિસ્સો વિકાસમાં પાછળ રહી ગયો હોય તો તેને આગળ લાવવાની સભાન કોશિશ.
તેને અનામત નીતિ કહી શકાય, અનામત નીતિ કેમ અળખામણી થઈ છે? અનામતનો જેને લાભ મળવો જોઈએ તેને ન મળે; અને ચોક્કસ જૂથને વારંવાર લાભ મળે ત્યારે અનામત નીતિ વગોવાય. શિક્ષણ મેળવેલ ST સમુદાયમાં ચોક્કસ વર્ગને વધુ લાભ મળ્યો જ્યારે દાહોદના પછાત ઓરિયામાં શિક્ષણનો અભાવ હોવાથી અનામતના લાભથી વંચિત રહી ગયા. SC માં પણ અતિ ગરીબ વર્ગ શિક્ષણ નહીં મેળવી શકવાને કારણે અનામતના લાભ મેળવી શકેલ નથી.
OBCમાં તો કોળી/વાણંદ/મોચી જેવી જ્ઞાતિઓને અનામતનો લાભ ન મળ્યો અને OBCમાં ખોટી રીતે ઘૂસેલ જ્ઞાતિઓએ અનામતના લાભો ઉઠાવ્યા. OBCમાં બકરી અને હાથીને એક સમાન માનવામાં આવ્યા ! સ્વાભાવિક છે કે હાથી મોટાભાગના લાભો ખેંચી જાય. આ કારણસર અનામત નીતિ અળખામણી બની છે.
હકીકતે સમાજમાં અસમાનતા ન હોય તો અનામતની જરુર જ ન રહે. પરંતુ અસમાનતા વધતી રહે તો અનામત જરુરી બની જાય. 18 માર્ચ 2021ના રોજ સુર્પ્રિમકોર્ટે કહ્યું કે કેટલી પેઢી સુધી અનામત ચાલુ રાખશો? આનો સરળ જવાબ એ છે કે જ્યાં સુધી સમાજમાં જાતિવાદી/સામંતવાદી બળો નિષ્ક્રિય ન થાય ત્યાં સુધી અનામતની જરુરિયાત રહે.
સુપ્રિમકોર્ટને એ સમજવાની જરુર છે કે અનામત એ કોઈ ભીખ નથી; એ બંધારણીય અધિકાર છે. અનામત સંરક્ષણ અને ન્યૂનતમ પ્રતિનિધિત્વની વ્યવસ્થા છે; જેથી સરકારી વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ સુધી સમાજના નીચલા તબક્કાની હિસ્સેદારી સુનિશ્ચિત કરી શકાય. તેમને એ સન્માન મળે જેના હક્કદાર છે. અનામત ગરીબી હટાવવાનો કાર્યક્રમ નથી; અનામત એટલે છે કે તેનાથી વંચિત સમાજનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય. અનામત માત્ર આર્થિક રુપે જ નહી; માનસિક રુપે સંરક્ષણ આપે છે.
ભારતમાં “જાતિ” હજુ પણ વ્યક્તિના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલી પેઢી સુધી અનામત ચાલુ રાખશો? તેમ પૂછનાર સુપ્રિમકોર્ટની સ્થિતિ શું છે?
  • સુપ્રિમકોર્ટમાં 29 જજ છે; જેમાં 1 SC જજ છે અને 1 OBC જજ છે ! બાકીના ઉપલી જાતિના છે !
  • દેશની 40 સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 95% પ્રોફેસર ઉપલી જાતિના છે. SC સમાજના 4% અને ST સમાજના 0.7% છે. 92% એસોસિએટ પ્રોફેસર ઉપલી જાતિના છે; 5% SC અને 1.30% ST છે. બન્ને જગ્યાએ OBC શૂન્ય છે; જ્યારે તેમની વસ્તી સૌથી વધુ છે.
  • 2019 ના એક સર્વે મુજબ ભારતના મીડિયામાં 80% થી વધુ ઉપલી જાતિના લોકો છે. શેરબજારમાં દલિતોની સંખ્યા શૂન્ય છે.
  • ખાનગી ક્ષેત્રોમાં કોઈ પણ જગ્યાએ દલિત/આદિવાસી નિર્ણાયક સ્થિતિમાં નથી.
  • આજે પણ મોટી સંસ્થાઓમાં 70 થી 80% નિર્ણાયક ખુરશીઓમાં ઉપલા વર્ગના લોકો બેઠેલાં છે.
આ બાબત એ દર્શાવે છે કે અનામત નીતિનો ઉચિત અમલ થયો નથી. સુપ્રિમકોર્ટમાં પણ દલિતો માટે જાતિવાદ અને ધૃણા કઈ હદે વ્યાપ્ત છે અને પૂર્વગ્રહથી ગ્રસિત છે; તેનો ખ્યાલ આવે છે. સવાલ એ છે કે સુપ્રિમકોર્ટ/હાઈકોર્ટમાં કોલેજિયમ પ્રથા હેઠળ માત્ર ઉપલી જાતિના જજોને ક્યાં સુધી પસંદ થતા રહેશે? શું આ એક પ્રકારની અનામત નથી? આઝાદીના આટલા વર્ષ પછી પણ જાતિ ભેદભાવ થઈ રહ્યો છે; તેના વિશે સુપ્રિમકોર્ટને કેમ અકળામણ થતી નથી? દલિતો/વંચિતો/આદિવાસીઓને હજુ સુધી ઉચિત પ્રતિનિધિત્વ નથી મળ્યું; તે અંગે સુપ્રિમકોર્ટને કેમ ચિંતા થતી નથી? છૂતાછૂત ગેરબંધારણીય ઠરાવી છતાં હજુ સુધી ટકી રહી છે તે અંગે સુપ્રિમકોર્ટ કેમ કોગ્નિઝન્સ લેતી નથી?
Source : Ramesh savani facebook wall