ફરિયામાં નળ અને ઘરનું ઘર, સરકારી નોકરીયાતોની જનતા TAX ના પૈસે લીલાલહેર

પોરબંદર જીલ્લા જીલ્લા સેવાસદન-૧ અને ૨ ઉપરાંત જીલ્લા પંચાયત અને જીલ્લા વહીવટીતંત્રના મોટાભાગના કર્મચારીઓને સરકારે સારા પગાર ઉપરાંત વિવિધ એલાઉન્સ અને રહેવા માટે સારા મકાન આપ્યા છે, આ દરેક સુવિધાઓ ઉપરાંત કેટલાક સરકારી કર્મચારીઓ એના ટેબલ પર ભાગ્યે જ જોવા મળે, સામાન્યતઃ તો જો કે આવા મુનસુફ કર્મચારીઓ એના ઉપરી અધિકારીઓને ગાંઠતા નથી તો કેટલાક કિસ્સાઓમાં ઉપરી અધિકારીઓ પણ ઇન્સ્પેક્સન જેવી એની મહત્વની જવાબદારીઓ કોરાણે મૂકી દેતા હોવાથી આવા કર્મચારીઓ મોડી મોડી સવારમાં પોતાની ઓફિસમાં દેખાય એ બપોર પછી ભાગ્યે જ ઓફિસે આવવાની જવાબદારી નિભાવે છે

ત્યારે સારો પગાર, મબલખ એલાઉન્સ ઉપરાંત કેટલાક કર્મચારીઓ તો દાના-પાની (એક પ્રકારની રીશ્વત) પણ એની કુનેહથી મેળવતા હોવા છતાં ઓફીસ પર હાજર રહેવામાં જાણે આભડછેટ અનુભવતા હોય તેમ હાજર રહેવામાં હિચકિચાટ અનુભવતા હોય છે,

તત્કાલીન કલેકટર પોરબંદરની જનતા માટે પ્રિય અને કામચોર કર્મચારીઓ માટે કડક પુરવાર 

પોરબંદર જીલ્લા સેવાસદન-૧ પર તત્કાલીન કલેકટર શ્રી દિનેશ પટેલ હોદ્દા પર હતા ત્યારે નિયમિત ઇન્સ્પેકશન અને કર્મચારીઓની ડાંડાઈ પર જાત દેખરેખ રાખતા હતા, જયારે પ્રવર્તમાન સ્થિતિમાં વાડી રે વાડી રીંગણા લવ બે ચાર જેવી સ્થિતિ છે, કોઈ કર્મચારીઓ મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર વિડીઓ ગેમ્સ રમતાં હોવાના સમાચારો તો અગાઉ પણ ટોક ઓફ ધ ટાઉન બનીને ચમકી ચુક્યા છે ત્યારે મનમાની કરતા કર્મચારીઓ ઉપલા અધિકારીઓને ગાંઠતા નથી એ ચર્ચાએ પોરબંદરમાં હાલ ફરી જોર પકડ્યું છે, ત્યારે જીલ્લા સેવાસદન એકમાં પ્રાંતઓફીસ અને ગ્રામ્ય મામલતદાર ઓફીસમાં થોડું સારું છે, જયારે જીલ્લા સેવાસદન-૨ માં માહિતી અને ઇન્ફોર્મેશનની ઓફિસમાં થોડું સારું છે, જીલ્લા પંચાયતમાં પણ આરોગ્ય ખાતા સિવાય બાકીની લગભગ સરકારી ઓફીસો કે કચેરીઓમાં INCPECTION (આલા અધિકારીઓ દ્વારા ઓચિંતું ચેકીંગ) ના અભાવે લોલમલોલ ચાલે છે

મનમાની કરતા કર્મચારીઓનું તાજેતરનું જ એક ઉદાહરણ

તાજેતરમાં જ કોરોના ગાઈડલાઈન્સ અને કોવીડ-૧૯ નિયમોની ઐસી તૈસી કરીને મહેસુલ કર્મચારીઓ (કર્મયોગીઓ) એ ડીનર પાર્ટીની મોજ ઉઠાવી હતી અને એના તથાકથિત આયોજકોને જયારે પત્રકારોએ સવાલ પૂછ્યા તો ગેંગે ફેંફે કરીને સીનીયર પત્રકારો સુધી ભલામણોનો ધોધ વછૂટ્યો હતો.

માઈબાપ કોણ ? જનતા કે જનતાના ટેક્સના પૈસેથી પગાર લેનારા !!

હકીકતે તો દરેક પ્રકારના ટેકસનો ભાવ વહોરતી જનતા માઈબાપ છે, તો પણ અભણ અને જરુરીયાતમંદ લોકો આવા ઉચ્ચ અધિકારીઓને માઈબાપ સંબોધીને એક અરજ કરવા માંગે છે કે ઓફીસમાં નોકરીના કલાકોના સમયને અવગણતા કર્મચારીઓ પર કડક પગલા ન ભરી શકતા હોવ ભલે, તો કમસેકમ એને જનતા વતી બે હાથ જોડીને વિનતી કરો કે તેઓ એના કામના કલાકો દરમ્યાન નિયમિતપણે પોતાની ઓફીસ અને ટેબલને શોભાવવાની કૃપાદ્રષ્ટિ દાખવે અન્યથા જાગૃત પત્રકારો કે જાગૃત નાગરીકોએ મોટા અધિકારીઓ અને કર્મચારીઓની આ સાંઠ-ગાંઠ અથવા લાલીયાવેડા સામે અવાજ ઉઠાવવાની ફરજ પડશે.

CCTV માસુમ અરજદારોને ડરાવવા માટે છે કે કર્મચારીઓ પર નજર રાખવા માટે ?

જે રીતે સવારે જેમ કેટલાક કર્મચારીઓ કાયદેસર રીતે મોડા આવે છે તેમ બપોરે પણ મોડા આવવા તેઓ ટેવાઈ ગયા છે આથી આવા કર્મચારીઓ પર નજર રાખવા CCTV ને શોભા તરીકે શુશોભિત રાખવાને બદલે સવારે નોકરીના સમયને અને બપોરે રીસેસના સમયને ચોક્કસ કરવા અને એનું પાલન મનમાની દાખવતા કર્મચારીઓ પણ સુપેરે કરે તેથી CCTV ના પ્રસારણ પર આલા અધિકારીઓ પોતે જ કડક નજર રાખે અને લાપરવાહ તથા બેપરવાહ કર્મચારીઓની લાપરવાહીને પકડી પાડીને શિક્ષાત્મક પગલા ભરી જનતામાં સંદેશ આપે કે અહી લાલીયાવેડા ચાલતા નથી અને જો કોઈ વગદાર કર્મચારીઓ આવા અધિકારીઓનું માનતા ન હોય તો ઉપર સરકારમાં તેની ફરીયાદ કરે જેથી નાના નાના ભોળા અને માસુમ અરજદારો પોતાના કામથી વંચિત રહી ન જાય

ઇન્સ્પેકશન થતું જ નથી કે ઇન્સ્પેકશન કરવા દેવામાં આવતું નથી !!

જો આ અંગે રેકર્ડ પર જ નજર નાખવામાં આવે તો પ્રવર્તમાન અધિકારીઓના પુરોગામી અધિકારીઓએ ઇન્સ્પેકશન કર્યાની નોંધ જોઈ લેવી જોઈએ જેથી કેવા કર્મચારી લાપરવાહી અંગે પ્રસિદ્ધ અને ખ્યાતનામ છે એની વિસ્તૃત માહિતી સરળતાથી મળી રહે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઇન્સ્પેકશન ખરેખર થતું નથી કે કોઈ કરવા દેતું નથી એ પ્રશ્ન પણ અસ્થાને નથી

સરકારી ઓફિસો પાસે જ મોટાભાગના કર્મચારીઓના આવાસો હોવાથી અથવા પરસ્પર તાલમેલ હોવાથી મનમાની કરતા કર્મચારીઓ પોતાના આવાસ પર આરામ ફરમાવે છે અને જો ઓફીસ પર આવવાની આવશ્યકતા ઉભી થાય તો જ તેમના મહામુલા દર્શનનો લાભ બાપડા અરજદારોને મળવા પામે અન્યથા જે તે દિવસ સુખરુપ પૂર્ણ !! આથી સરકારી આવાસ જેવા કે કોલોની, વિસ્તાર વગેરેના વોચમેનને વધુ જવાબદારીઓ સોંપીને વધુ અસરકારક બનાવવામાં આવે અને કોલોનીમાં રહેતા કર્મચારીઓ ઓફીસના ચાલુ દિવસોમાં રીસેસ દરમ્યાન ક્યારે આવે છે અને ક્યારે પરત જાય છે તેની નોંધ, વોચમેનો ઉપરાંત CCTV અને જે તે વિભાગના જે તે વડાનો અભિપ્રાય એકત્ર કરવામાં આવે તો પણ આવા મનમાન્યા અને લાપરવાહ કે જેઓ ફરિયામાં નળ અને ઘરનું ઘર જેવી સરકારી નોકરીમાં જનતાના પૈસે લીલાલહેર કરે છે. એ માન્યતા ભુંસી શકાય,

આવા લોકો પર કોઈ પગલા ભરાતા ન હોય એની દેખીતી અસર ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ પર જ પડે છે, એક તો એની ઈમાનદારીની કોઈ નોંધ નથી લેવાતી અને બીજું તેઓ શા માટે ઈમાનદાર બન્યા રહે ? ત્યારે આ પરિસ્થિતિઓમાં જાણીજોઈને દાખવવામાં આવતું ભેદી મૌન એ આવનારા સમયની સરકારી ઓફિસોની બરબાદી માટે માઈલના પત્થર જેવું કામ કરશે.